મિત્ર, રાજા રાજેન્દ્રલાલ (જ. 15 ફેબ્રુઆરી 1824, કૉલકાતા; અ. 6 ઑગસ્ટ 1891, કૉલકાતા) : બંગાળાના જાણીતા પુરાતત્વવિદ તથા બંગાળી સાહિત્યના લેખક અને વિવેચક. કૉલકાતામાં ખેમ બૉઝની શાળામાં અંગ્રેજી શિક્ષણ મેળવીને દાક્તરીનો અભ્યાસ કર્યો (1937–41). પિતા જનમેજય મિત્ર સંસ્કૃત, પર્શિયન અને બંગાળીના સારા પંડિત હતા; તેમ છતાં ધર્મચુસ્ત હોવાથી વધુ અભ્યાસ માટે તેમને ઇંગ્લૅન્ડ જવાની પરવાનગી ન આપતાં પૌરસ્ત્ય સાહિત્યમાં મૌલિક શોધખોળ કરવાનો તેમણે નિશ્ચય કર્યો.
તેમણે સંસ્કૃત, હિંદી, ઉર્દૂ અને ફારસીમાં તો માતૃભાષા જેટલું પ્રભુત્વ પ્રાપ્ત કર્યું. ત્યારપછી તેમણે ગ્રીક, લૅટિન, ફ્રેંચ અને જર્મન ભાષાઓનો અભ્યાસ શરૂ કર્યો. તેઓ સર્વતોમુખી વિદ્વાન અને તે સમયના એક અગ્રગણ્ય વ્યક્તિ હતા. તેમનું પ્રથમ નોંધપાત્ર સાહસ હતું ‘વિવિધાર્થસંગ્રહ’ નામના સચિત્ર માસિકનું પ્રકાશન. 1846માં તેઓ બંગાળાની એશિયાટિક સોસાયટીના સેક્રેટરી અને ગ્રંથપાલ તરીકે જોડાયા અને 1885માં તેઓ ઉક્ત સોસાયટીનું પ્રમુખપદ મેળવનાર સૌથી પહેલા હિંદી થયા. 1863માં પ્રગટ કરેલ ‘રહસ્ય-સંદર્ભ’ના પણ તેઓ તંત્રી હતા. તેમણે અંગ્રેજી તેમજ બંગાળીમાં વિવિધ પ્રકારના લેખો તથા પુસ્તકો લખ્યાં. તે પહેલાં 1855માં બંગાળ સરકારે જમીનદારોને શિક્ષણ આપવા ખોલેલી નવી સંસ્થાના નિયામક તરીકે તેમને નીમ્યા હતા. આ બધી પ્રવૃત્તિઓની સાથોસાથ સંશોધનકાર્ય તો અવિરત ચાલુ જ હતું. બંગાળાની એશિયાટિક સોસાયટી, લંડનની રૉયલ એશિયાટિક સોસાયટી, ઍન્થ્રપૉલૉજિકલ સોસાયટી વગેરેનાં જર્નલોમાં તેમના અનેક સંશોધનલેખો પ્રગટ થયા. હિંદના પુરાતત્ત્વની એકેએક દિશામાં તેમણે જે શોધો કરી તેની સામગ્રીનાં 33,089 પાનાં – 128 આકરગ્રંથો થવા જાય છે.
1875માં કલકત્તા યુનિવર્સિટીને ‘ડૉક્ટર ઑવ્ લૉ’ની પદવી એનાયત કરવાની પરવાનગી મળી ત્યારે તે સન્માન પ્રથમ તત્કાલીન પ્રિન્સ ઑવ્ વેલ્સ એટલે એડવર્ડ સાતમાને અને એ પછી બીજું સન્માન રાજેન્દ્રલાલ મિત્રને આપવામાં આવ્યું હતું.
તેઓ રાજકારણમાં જોડાયા અને 1886માં કૉલકાતા ખાતે ભરાયેલ કૉંગ્રેસના બીજા અધિવેશનના સ્વાગત સમિતિના પ્રમુખ તરીકે ચૂંટાયા. કોઈ જાતના પ્રચાર વગર મૂક-ભાવે સેવા કરવી એ તેમનો જીવનમંત્ર હતો. તેમને અનેક પ્રકારનાં સન્માન મળ્યાં હતાં. તેઓ રૉયલ એશિયાટિક સોસાયટીના સામાન્ય સભ્ય બન્યા. પછી જર્મની, ઑસ્ટ્રિયા, અમેરિકા વગેરેની અનેક સોસાયટીઓએ તેમને ફેલો બનાવેલા. બ્રિટિશ સરકારે પણ તેમને ‘રાયબહાદુર’, ‘રાજા’ વગેરે ઇલકાબો આપ્યા હતા (1885).
તેમણે બંગાળી અને અંગ્રેજી ઉપરાંત સંસ્કૃતમાં પણ લેખનકાર્ય કર્યું હતું. બંગાળીમાં ‘પ્રાકૃત ભૂગળ’ (1854); ‘શિલ્પિક દર્શન’ (1860); ‘શિવાજી-ચરિત્ર’ (1860); ‘વ્યાકરણપ્રવેશ’ (1862) અને ‘પત્રકૌમુદી’ (1863) મુખ્ય છે. સંસ્કૃતમાં તેમણે કવિકર્ણપુરના ‘ચૈતન્યચંદ્રોદય’(1854)નું; ‘તૈતેરીય બ્રાહ્મણ’ ભાગ 1–3(1859, 1862, 1890)નું; ‘અગ્નિપુરાણ’ ભાગ 1–3(1873, 1876, 1879)નું; ‘લલિતવિસ્તર’ (1877) અને શૌનકના ‘બૃહદ્દેવતા’(1891)નું સંપાદન કર્યું.
તેમની ખૂબ જ મહત્વની અંગ્રેજી કૃતિઓ આ પ્રમાણે છે : ‘અ ડિસ્ક્રિપ્ટિવ કૅટલૉગ ઑવ્ ક્યુરિયોસિટીઝ ઇન ધ મ્યુઝિયમ ઑવ્ ધી એશિયાટિક સોસાયટી ઑવ્ બૅંગાલ’ (1849); ‘ઇન્ડેક્સ ટૂ વૉલ્યૂમ I ટૂ XXIV ઑવ્ ધ જર્નલ ઑવ્ ધી એશિયાટિક સોસાયટી’ (1856); ‘નોટિસીઝ ઑવ્ સંસ્કૃત મૅન્યુસ્ક્રિપ્ટ્સ’ [પ્રથમ શ્રેણી – ગ્રંથ 1થી IX (1870–1888)], ‘ધી ઍન્ટિક્વિટીઝ ઑવ્ ઓરિસા’ (2 ગ્રંથમાં, 1875, 1880); ‘સંસ્કૃત બુદ્ધિસ્ટ લિટરેચર ઑવ્ નેપાલ’ (1882) અને ‘ધ હિસ્ટરી ઑવ્ ધી એશિયાટિક સોસાયટી’ તેમજ ‘સેન્ટેનરી રિવ્યૂ ઑવ ધી એશિયાટિક સોસાયટી ઑવ્ બૅંગાલ’ (1784 ટૂ 1883) (1885).
બળદેવભાઈ કનીજિયા