મિત્ર, પ્રેમેન્દ્ર (જ. 1904, બનારસ; અ. 3 મે 1988, કૉલકાતા) : કવિ, વાર્તાકાર. તેમણે ઢાકા અને કૉલકાતામાં શિક્ષણ લીધું અને તે પછી શ્રીનિકેતનમાં કૃષિવિજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો. તેમણે આજીવિકા માટે પત્રકારત્વનો વ્યવસાય અપનાવ્યો હતો. થોડા વખત પછી ફિલ્મનિર્માણના ક્ષેત્રે પણ પ્રવેશ કર્યો અને છેવટે લેખક તરીકે સ્થિર થયા.
બુદ્ધદેવ બસુએ તેમની સાહિત્યિક કારકિર્દીની શરૂઆતમાં નવા પ્રગતિશીલોની જે ત્રિપુટી રચી તેમાં તેમની સાથે પ્રેમેન્દ્ર મિત્ર અને અચિન્ત્યકુમાર સેનગુપ્ત હતા. બે વર્ષ (1926–28) મિત્ર ‘કાલિ કલમ’ના તંત્રીમંડળમાં રહ્યા. આ સામયિકમાં તેમની સર્વશ્રેષ્ઠ જાણીતી કાવ્યરચનાઓ અને વાર્તાઓ પ્રકટ થઈ હતી. જોકે 1923માં ‘પ્રવાસી’માં પહેલી વાર્તા ‘શુધુ કેરાની’ પ્રકટ થઈ હતી. પછીથી બુદ્ધદેવના તંત્રીપદે નીકળતા ‘પ્રગતિ’માં લખતા હતા. તેમની પ્રથમ લઘુનવલ ‘પાક’ (કાદવ) ઘણી નાની વયે 1926માં પ્રસિદ્ધ થઈ. તેમાં કૉલકાતાની ઝૂંપડપટ્ટીમાં રહેનાર લોકોના ઘરેળુ જીવનની દુ:ખદાયક સ્થિતિનું વર્ણન છે. તેમની વાર્તાઓના ઘણા સંગ્રહો છે; જેમ કે, ‘પંચશર’ (1929), ‘બેનામી બંદર’ (1930), ‘મૃતિકા’ (1932). તેમની બંગાળી વાર્તા ‘તેલેનાપોતાર આવિષ્કાર’ પર આધારિત હિંદી ફિલ્મ ‘ખંડહર’ જાણીતા દિગ્દર્શક મૃણાલ સેને ઉતારી હતી. તેઓ કવિ તરીકે વધારે જાણીતા છે. તેમની કવિતામાં એક જાતની સાદગી અને પરિપક્વતા છે. ખાસ કરીને મજૂરી કરતા અભાગિયાઓ અને વંચિતોની વિપત્તિઓ અને નિષ્ફળતાઓ તેમને ઊંડે સુધી દ્રવિત કરી દેતી; તેમ છતાં તેઓ ક્યારેય કાવ્યોમાં દ્વેષ કે ટીકા વ્યક્ત કરતા નથી. તેમનું કવિહૃદય આ મજૂરોની અપમાનજનક સ્થિતિ તેમનાં કાવ્યોમાં આલેખી સમાજની આંખ ઉઘાડવા અને ફરજ અદા કરવામાં માનતું હતું. મજૂરો માટેના પ્રેમનો તબક્કો પૂરો થયો અને મિત્રની કવિતા સૌમ્ય, ઊર્મિપ્રવણ થતી ગઈ; પ્રાકૃતિક સૌન્દર્યના સ્વપ્નિલ દર્શનથી તે છલકાઈ ઊઠી. તેમણે 4 જેટલા કાવ્યસંગ્રહો પ્રકટ કર્યા છે : ‘પ્રથમા’ (1932), ‘સમ્રાટ’ (1940), ‘ફેરારી ફૌજ’ (1948) અને ‘સાગર થેકે ફેરા’ (1956). તેમનું નિબંધોનું એક પુસ્તક છે ‘વૃષ્ટિ એલો’ (1954). તેમણે બાળકો માટે પણ વાર્તાઓ લખી છે. બુદ્ધદેવની જેમ મિત્ર પણ ગદ્ય અને પદ્ય બંનેમાં કુશળતાથી વિહરી શકતા હતા. વળી ત્રિપુટીએ સંયુક્ત રીતે 2 નવલકથાઓ લખવાનો પ્રયત્ન પણ કર્યો હતો.
1957માં તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર અને રવીન્દ્ર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 1960માં ‘પદ્મશ્રી’નો ઍવૉર્ડ અને 1988માં વિશ્વભારતી તરફથી ‘દેશીકોત્તમ’ની પદવી તેમને પ્રાપ્ત થયાં હતાં.
અનિલા દલાલ