મિત્ર, પ્યારીચાંદ

February, 2002

મિત્ર, પ્યારીચાંદ (જ. 24 જુલાઈ 1814, કૉલકાતા; અ. 23 નવેમ્બર 1883, કૉલકાતા) : બંગાળીની પ્રથમ નવલકથા ‘આલાલેર ઘરેર દુલાલ’(1858)ના લેખક. બચપણમાં ગુરુ પાસેથી બંગાળી અને મુનશી પાસેથી ફારસી ભણ્યા હતા. 1827માં ઉચ્ચશિક્ષણ લેવા તે વખતે સ્થપાયેલી પ્રસિદ્ધ હિન્દુ કૉલેજમાં દાખલ થયા હતા અને ડેરોઝિયોના શિષ્ય થવા સદભાગી થયા હતા. તેજસ્વી છાત્ર તરીકે તેમણે અનેક પુરસ્કાર અને સ્કૉલરશિપો મેળવેલાં. એમની જ્ઞાનભૂખ એવી હતી કે પછી કૉલકાતામાં સ્થપાયેલી પબ્લિક લાઇબ્રેરી(પછી ઇમ્પીરિયલ લાઇબ્રેરી)ના સહાયક ગ્રંથપાલ તરીકે જોડાયા અને ઘણાં વર્ષો એ સંસ્થા સાથે કામ કર્યું. તે દરમિયાન તેમણે ધંધારોજગારમાં પણ ઝંપલાવ્યું અને ‘કાલાચાંદ શેઠ ઍન્ડ કંપની’ની સ્થાપના કરી. પછી ‘પ્યારીચાંદ મિત્ર ઍન્ડ સન્સ’ની પેઢી પણ ખોલી અને પુષ્કળ કમાયા. ધંધામાં પ્રામાણિકતા એમનો મુદ્રાલેખ હતો.

પ્યારીચાંદ નોકરી કે વ્યવસાયમાં સફળતા મેળવવા સાથે તે સમયે પ્રજાહિતનાં અનેક જાહેર કામોમાં અને સંસ્થાઓમાં રહી જનસેવા પણ કરતા હતા. આશ્ચર્ય થાય કે તેમને ખેતીવાડી ઉપરાંત પ્રેતવિદ્યા અને થિયૉસૉફીમાં પણ રસ હતો. એ વિશે તેમણે બંગાળી અને અંગ્રેજીમાં ઘણું લખ્યું છે.

પ્યારીચાંદ મિત્ર ‘ટેકચંદ ઠાકુર’ના ઉપનામથી લખતા. તેમણે એક માસિક પત્રિકા  ‘એક આનાર’ 1854થી 1857 સુધી સંપાદિત કરી. તેમનાં જાણીતાં પુસ્તકો છે : ઉક્ત માસિકમાં હપતાવાર પ્રગટ થયેલ ‘આલાલેર ઘરેર દુલાલ’ (1858), ‘મદ ખાવા બડ દાય, જાત થાકાર કિ ઉપાય’ (1859), ‘રામારંજિકા’ (1860), ‘કૃષિપાઠ’ (1861), ‘ગીતાંકુર’ (1861), ‘યત્કિંચિત્’ (1865), ‘ડેવિડ હેયરેર જીવનચરિત’ (1878), ‘આધ્યાત્મિક’ (1880) અને ‘વામાતોષિણી’ (1881). તેમણે બંગાળીમાં 11 અને અંગ્રેજીમાં 8 પુસ્તકો લખ્યાં છે.

પ્યારીચાંદ તેમની નવલકથા ‘આલાલેર ઘરેર દુલાલ’થી અદ્યાપિ વિખ્યાત રહ્યા છે. ‘આલાલેર ઘરેર દુલાલ’ એટલે ધનિક પરિવારનો લાડકોડમાં ઊછરેલો બેટો. એમાં પૈસાદાર, પણ યોગ્ય શિક્ષણના અભાવવાળા એક વૃદ્ધ પુરુષના મોટા પુત્રની કરુણ કારકિર્દીનું વર્ણન છે. લાડકોડમાં ઊછરતા દીકરાની એને જે ગમે તે કરવાની છૂટે, પડતી આણી. નાનો ભાઈ છેવટે આખા પરિવારને બચાવે છે. કથાનક સુગઠિત નથી, પણ ચરિત્રચિત્રણ અત્યંત જીવંત છે. તેમાં એક ઠકણ ચાચાનું ખલપાત્ર તો અમર બની ગયું છે. લેખકની ગદ્યશૈલી વ્યંગ્યવિનોદથી ભરપૂર છે; એટલું જ નહિ, બંગાળી કથાસાહિત્યના ઘડતરમાં પ્રસ્થાનરૂપ છે. તેમણે પોતાની એક આગવી શૈલીથી એ સમયના બંગાળી વાચકને કંટાળાભરેલા પદ્ય અને પાંડિત્યપૂર્ણ ગદ્યમાં રચાયેલી લોકવાર્તાઓની નીરસતામાંથી મુક્ત કર્યા હતા. ‘આલાલેર ઘરેર દુલાલ’માં 19મી સદીના આરંભમાં હુગલી નજીકનાં શહેરોમાં રહેતા મધ્યમવર્ગનું જે આલેખન કર્યું છે તે અન્યત્ર ભાગ્યે જ જોવા મળે છે. બંગાળી નવલકથામાં એમના પછી બંકિમચંદ્ર આવે છે, જે એમના પાઠકોને ઐતિહાસિક નવલકથાઓના કલ્પલોકમાં લઈ જાય છે. ‘આલાલેર ઘરેર દુલાલ’નો અંગ્રેજી અનુવાદ ‘ધ સ્પૉઇલ્ડ ચાઇલ્ડ : ઍ ટેલ ઑવ્ હિંદુ ડૉમેસ્ટિક લાઇફ’ નામે 1893માં પ્રગટ થયો હતો.

ભોળાભાઈ પટેલ