મિત્તલ, લક્ષ્મીનારાયણ

February, 2002

મિત્તલ, લક્ષ્મીનારાયણ (જ. 2 સપ્ટેમ્બર 1951, સાદલપુર, રાજસ્થાન) : પોલાદના ઉત્પાદનના ક્ષેત્રમાં વૈશ્વિક સ્તર પર અગ્રસ્થાન ધરાવતા ઉદ્યોગપતિ અને વર્ષ 2006માં વિશ્વના પાંચમા ક્રમના તથા એશિયામાં પ્રથમ ક્રમના અબજપતિ. ટૂંકું નામ લક્ષ્મી મિત્તલ. મૂળ વતન રાજસ્થાનનું સાદલપુર. પિતાનું નામ મોહનલાલ. ભારતના ભાગલા પડ્યા તે પૂર્વે પિતાએ વતન છોડીને કરાંચી ખાતે પોલાદનો વેપાર કરવા માટે સ્થળાંતર કર્યું. 1947માં દેશના ભાગલા પછી કરાંચી છોડીને કૉલકાતા ખાતે પોલાદના વેપાર અર્થે સ્થળાંતર કર્યું. બીજા વિશ્વયુદ્ધ (1939–45) પછીના ગાળામાં બાંધકામક્ષેત્રે આવેલી તેજીનો લાભ લઈ મિત્તલ પરિવારે પોલાદના વેપારમાંથી લાખોની કમાણી કરી અને સાથોસાથ કૉલકાતાની આજુબાજુના વિસ્તારમાં ધાતુ ગાળવાની નાની નાની ભઠ્ઠીઓ શરૂ કરી. તે જ અરસામાં મહત્વાકાંક્ષી મોહનલાલ મિત્તલે પોતાના મોટા પુત્ર લક્ષ્મીનારાયણની મદદથી ભારત બહાર વૈશ્વિક સ્તર પર પોતાની વેપારી પ્રવૃત્તિઓનો વિસ્તાર કરવાની શરૂઆત કરી. સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ભણેલો આ પુત્ર હિસાબી ગણતરીઓમાં નિપુણ હોવાથી પિતાની મહત્વાકાંક્ષી પ્રવૃત્તિઓમાં દરેક તબક્કે ભવિષ્યના લાભની આગાહી કરવામાં માહેર સાબિત થતો ગયો. વીસમી સદીના આઠમા દાયકામાં લક્ષ્મીનારાયણ મિત્તલે ઇન્ડોનેશિયામાં પોલાદનું કારખાનું નાંખવામાં પિતાને મદદ કરી અને ત્યારથી વૈશ્વિક સ્તર પર પોતાનું આર્થિક સામ્રાજ્ય વિસ્તારવાની પ્રક્રિયામાં તેમને સફળતા મળતી ગઈ. ઇન્ડોનેશિયા પછી પિતા-પુત્રની આ જોડીએ 1994 પછીના ગાળામાં વેસ્ટ ઇન્ડિઝ, દક્ષિણ અમેરિકાના મેક્સિકો અને અન્ય દેશોમાં પોલાદના ઉત્પાદન માટેનાં કાં તો નવાં કારખાનાં નાંખ્યાં અથવા વિશ્વના જુદા જુદા પ્રદેશોમાં પોલાદનું ઉત્પાદન અગાઉથી કરી રહેલા પણ માંદા ઉત્પાદન-એકમો અથવા સરકારની માલિકીના એકમો ખરીદવાની અને પોતાની માલિકી હેઠળ લઈ લેવાની હોડ શરૂ કરી. છેલ્લાં બાર વર્ષ(1994–2006)માં મિત્તલે કૅનેડાથી ચીન સુધીના વિવિધ દેશોમાં પોલાદનું ઉત્પાદન કરતાં 19 જેટલાં કારખાનાંઓ પોતાની માલિકી હેઠળ લઈ લીધાં છે. વર્ષ 2006ની શરૂઆતના આંકડાઓ બતાવે છે કે વિશ્વના 14 દેશોમાંથી આ ઔદ્યોગિક જૂથ દર વર્ષે ચાર કરોડ ટન પોલાદનો વૈશ્વિક વેપાર કરે છે. આ 14 દેશોમાં અમેરિકા, પૂર્વ યુરોપના રુમાનિયા, પોલૅન્ડ અને બોસ્નિયા-હર્ઝેગોવિના, પૂર્વ સોવિયેત સંઘ પ્રજાસત્તાક અને હવે સ્વતંત્ર અને સાર્વભૌમ અસ્તિત્વ ધરાવતા કઝાખસ્તાન અને યુક્રેન જેવા દેશો, દક્ષિણ આફ્રિકા અને ઇન્ડોનેશિયા વગેરેનો સમાવેશ થાય છે. વર્ષ 2005માં લક્ષ્મીનારાયણ મિત્તલે પોતાના હસ્તકની બધી જ હોલ્ડિંગ સ્ટીલ કંપનીઓનું એક સંકુલમાં જોડાણ કર્યું, જેને લીધે તે મેક્રૉસૉફ્ટના બિલ ગેટ્સ અને વૉરન બર્ફર્ટ પછીના વિશ્વના ત્રીજા નંબરના અબજપતિ બન્યા છે. હવે વર્ષ 2006માં લક્ષ્મીનારાયણ મિત્તલ ભારતના ઝારખંડ રાજ્યમાં ચાળીસ હજાર કરોડ રૂપિયાના મૂડીરોકાણ સાથે વાર્ષિક એક કરોડ વીસ લાખ ટન જેટલા પોલાદનું ઉત્પાદન કરતું કારખાનું નાંખવાની તૈયારી કરી રહ્યા છે અને તે અંગેના પ્રસ્તાવ તેમણે સંબંધિત સરકારો સમક્ષ રજૂ પણ કરી દીધા છે.

લક્ષ્મીનારાયણ મિત્તલ

પિતા મોહનલાલ મિત્તલ કરતાં પુત્ર લક્ષ્મીનારાયણ મિત્તલ વધારે મહત્વાકાંક્ષી સાબિત થયા છે. જાન્યુઆરી, 2006માં તેમણે હાલ યુરોપના લક્ઝમબર્ગ ખાતેના વિશ્વના બીજા ક્રમના પોલાદના કારખાના આર્સેલોરને ખરીદવાની પહેલ કરી છે, જે સફળ થાય તો આ મિત્તલ પરિવાર પોલાદના ઉત્પાદનક્ષેત્રે વિશ્વનો પ્રથમ ક્રમ પ્રાપ્ત કરશે. તે માટે લક્ષ્મીનારાયણ મિત્તલે રૂપિયા 1,01,200 કરોડ જેટલી કિંમત ચૂકવવાની તૈયારી બતાવી છે. મિત્તલ સ્ટીલ દ્વારા આર્સેલોરની ખરીદી સફળ થાય ત્યારે પોલાદની જે કંપની અસ્તિત્વમાં આવશે તેની કુલ સંયુક્ત મૂડી રૂપિયા 3,03,699 કરોડ જેટલી આંકવામાં આવી છે અને તેના હસ્તક વિશ્વભરમાં કામ કરતા કામદારોની સંખ્યા 3,20,000 જેટલી થવાનો અંદાજ છે. માત્ર લક્ઝમબર્ગની સરકારે જ નહિ; પરંતુ ફ્રાન્સ, ઇંગ્લડ અને અમેરિકાના રાજદ્વારી પુરુષોએ પણ મિત્તલની સ્ટીલની આ દરખાસ્ત સામે મોરચો ઊભો કર્યો છે.

અગાઉ વર્ષ 1994માં મિત્તલ પરિવારમાં ભાગલા પડ્યા, જેને કારણે લક્ષ્મીનારાયણ મિત્તલે ભારત બહારનો કારોબાર પોતાના હસ્તક લીધો હતો જ્યારે ભારતમાંનો તેનો કારોબાર તેમના બે ભાઈઓ પ્રમોદ અને વિનોદ મિત્તલને સોંપવામાં આવ્યો છે.

લક્ષ્મીનારાયણ મિત્તલે તેમના પુત્ર અને પુત્રીનાં લગ્નમાં જે ખર્ચ કર્યો હતો તેના સ્વરૂપ ઉપરથી વૈશ્વિક સ્તરનો પોલાદનો આ ઉત્પાદક કેટલો ધનાઢ્ય હશે તેનો ખ્યાલ કરી શકાય છે. પુત્ર આદિત્યના લગ્ન-સમારંભ માટે તેણે કૉલકાતાનું ઐતિહાસિક ‘વિક્ટોરિયા મેમૉરિયલ’ ભાડે રાખ્યું હતું, જ્યારે પુત્રી વનીષાના લગ્ન-સમારંભ માટે લક્ષ્મીનારાયણ મિત્તલે પૅરિસ ખાતેનો ઐતિહાસિક વર્સાઇલ્સ પ્રાસાદ ભાડે રાખ્યો હતો. ઉપરાંત, તેમણે બ્રિટનની લેબર પાર્ટીને વર્ષ 2001માં બ્રિટનમાં યોજાયેલ સામાન્ય ચૂંટણી પહેલાં દાન રૂપે એક કરોડ રૂપિયા આપ્યા હતા, જ્યારે 2005માં તે પક્ષને 16 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. બ્રિટનની લેબર પાર્ટીના ઇતિહાસમાં દાન દ્વારા તેને પ્રાપ્ત થયેલ આ રકમ મોટામાં મોટી છે.

ફૉર્બસ સામયિકની ગણતરી મુજબ વર્ષ 2006માં મિત્તલની કુલ વૈશ્વિક અસ્કામતોનું મૂલ્ય 23.5 અબજ અમેરિકન ડૉલર જેટલું હતું.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે