મિત્તરાં, ફ્રાંસવા

February, 2002

મિત્તરાં, ફ્રાંસવા (જ. 26 ઑક્ટોબર 1916, જારનાક, પશ્ચિમ ફ્રાંસ; અ. 8 જાન્યુઆરી 1996, પૅરિસ, ફ્રાંસ) : પાંચમા ફ્રેંચ પ્રજાસત્તાકના ચોથા પ્રમુખ, ફ્રેંચ સમાજવાદી–સામ્યવાદી પક્ષોના જોડાણના મુખ્ય શિલ્પી અને સમાજવાદી રાજકારણી. બુઝર્વા કૅથલિક પરિવારમાં તેમનો જન્મ થયો હતો અને યુનિવર્સિટી ઑવ્ પૅરિસ ખાતે તેમણે રાજ્યશાસ્ત્ર અને કાયદાનું શિક્ષણ મેળવ્યું હતું.

ફ્રાંસવા મિત્તરાં

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેઓ લશ્કરી દળમાં જોડાયેલા, ઘવાયેલા તેમજ ધરપકડ વહોરેલી અને પાછળથી તેમાંથી બચી નીકળ્યા હતા. પ્રારંભે તેઓ ઉદારવાદી વિચારો ધરાવતા હતા; પરંતુ યુદ્ધ, લશ્કર અને રાજકારણના અનુભવે તેઓ ટૂંકા ગાળામાં જ સમાજવાદી બન્યા.

1946માં નિવરે (Ni´evre) મતવિસ્તારમાંથી ચૂંટાઈને પ્રથમ વાર ફ્રાંસની નૅશનલ ઍસેમ્બ્લી(રાષ્ટ્રીય મહાસભા, સંસદ)માં પ્રવેશ્યા અને 1947થી ’58 સુધીના ગાળામાં ચોથા ફ્રેંચ પ્રજાસત્તાકના અગિયાર પ્રધાનમંડળોમાં તેમણે વિવિધ મંત્રીપદો શોભાવ્યાં. 1958માં પાંચમા ફ્રેંચ પ્રજાસત્તાકની રચના માટે ચાર્લ્સ દ’ ગોલનું પુનરાગમન થયું, જેનો વિરોધ કરનાર કેટલાક બિનસામ્યવાદીઓમાં તેમનો પણ સમાવેશ થતો હતો. અલબત્ત, 1958ની ચૂંટણીમાં તેઓ પરાજિત થયા. 1960માં તેમણે દ’ ગોલના પાંચમા પ્રજાસત્તાકનો વિરોધ કરેલો અને દ’ ગોલના જિદ્દી અને સ્પષ્ટભાષી પ્રતિસ્પર્ધી બની રહ્યા. 1965માં દ’ ગોલ વિરુદ્ધ પ્રમુખીય ઉમેદવારી પણ તેમણે કરી હતી, જે તમામ ડાબેરી પક્ષોએ માન્ય કરી હતી.

તેમનો સમાજવાદી પક્ષ પાછળથી અન્ય ડાબેરી જૂથો સાથે જોડાતાં અંતે એકીકૃત સમાજવાદી પક્ષ બની રહ્યો. 1971માં તેઓ આ ફ્રેંચ સમાજવાદી પક્ષના પ્રથમ મંત્રી બન્યા. તે પક્ષ 1972થી 77માં અત્યંત લોકપ્રિય પક્ષ બની રહ્યો. તેમણે પક્ષના પુનર્ગઠનમાં ભારે રસ લઈ તેને સુસંગઠિત અને ગતિશીલ બનાવ્યો. એથી પક્ષની સભ્યસંખ્યા અને મતદારોના ટેકામાં વૃદ્ધિ થઈ. આથી 1972ની ધારાસભાની ચૂંટણીઓમાં પક્ષને ભારે લાભ થયો અને 1974ની ચૂંટણીમાં ફ્રેંચ સમાજવાદી પક્ષ વતી તેમણે પ્રમુખપદ માટે ઉમેદવારી નોંધાવી; પરંતુ થોડા મતથી તેઓ પરાજિત થયા. ત્યારબાદ મે, 1981માં ડાબેરીઓના ટેકાથી તેઓ ફ્રાંસના પ્રમુખ ચૂંટાયા તેમજ તે પછી જૂન, 1981માં થયેલી ધારાસભાની ચૂંટણીઓમાં સમાજવાદીઓએ બહુમતી હાંસલ કરી. આથી તેમના દ્વારા પક્ષના આર્થિક–સામાજિક સુધારાઓ, અનેક મોટી બૅંકોનું રાષ્ટ્રીયકરણ અને મોતની સજાની નાબૂદી જેવા કાર્યક્રમો અમલમાં મૂકવાનું શક્ય બન્યું. ડાબેરી બહુમતીને કારણે ફ્રેંચ રાજકારણની શૈલી બદલાઈ. 1985માં પ્રમાણસર પ્રતિનિધિત્વની પદ્ધતિ દાખલ કરવામાં આવી. 1986માં સમાજવાદીઓએ બહુમતી ગુમાવી ત્યારે જેક્સ ચિરાક જેવા જમણેરી વડાપ્રધાન સાથે તેમને કામ કરવાની ફરજ પડી. તેમની લોકપ્રિયતાનો આંક ઊંચો ગયો અને 1988માં જેક્સ ચિરાકને પરાજિત કરીને તેઓ ફરી વાર પ્રમુખ ચૂંટાયા. આ સમયે ફુગાવો, વધતી બેકારી, લેણ-દેણની તુલાની અસમતુલા વગેરે બાબતે તેઓ ખાસ કંઈ ન કરી શક્યા. ઉદ્દામવાદી નીતિઓને સ્થાને તેમણે આ તબક્કે મધ્યમમાર્ગી નીતિઓ અપનાવી. અલબત્ત, દ’ ગોલની જેમ ફ્રાંસના સ્વાતંત્ર્ય પર ભાર મૂકી વ્યવહારુ વિદેશનીતિ અપનાવી ફ્રાંસનું સ્થાન જાળવી સોવિયેત રૂસ સાથેના સંબંધો સુધાર્યા.

વિવિધ વિચારધારાના રાજકારણીઓ સાથે મેળ બેસાડી તેઓ કામ લઈ શકતા હતા. વળી વિવિધ સુધારા છતાં પોતાનું સ્થાન ટકાવી શક્યા હતા; તેથી ફ્રેંચ રાજકારણમાં ‘ધ ફૉક્સ’ તરીકે તેઓ જાણીતા બનેલા.

1989માં ફ્રેંચ ક્રાંતિના દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે ખર્ચાયેલાં બેસુમાર નાણાં બદલ તેમની ભારે ટીકા થયેલી.

1993 પછી નબળી તબિયતને કારણે તેમનો પ્રભાવ ઓસરવા લાગ્યો અને 1995માં જેક્સ ચિરાક સામે પ્રમુખીય ચૂંટણીમાં પરાજિત થયા. તે પછી કૅન્સરગ્રસ્ત બનતાં તેઓ જાહેરજીવનમાં લગભગ નિષ્ક્રિય બની ગયા હતા.

રક્ષા મ. વ્યાસ