મિતાની રાજ્ય : ઉત્તર મેસોપોટેમિયામાં આવેલું એક પ્રાચીન રાજ્ય. ઈ. સ. પૂ. 1500થી ઈ. સ. પૂ. 1360 દરમિયાન તેનું અસ્તિત્વ હતું. તેની જાહોજલાલી વખતે પૂર્વમાં ઝાગ્રોસ પર્વતો તથા પશ્ચિમે ભૂમધ્ય સમુદ્ર સુધી તેનો વિસ્તાર થયો હતો. તેનું પાટનગર વસુક્કની ખાબુર નદીના પ્રદેશમાં આવેલું હતું. મેસોપોટેમિયા અને સીરિયામાં ઇન્ડો-ઈરાનિયનોએ સ્થાપેલાં કેટલાંક રાજ્યોમાંનું એક આ રાજ્ય હતું. સીરિયા પર અંકુશ મેળવવા મિતાની રાજ્યને ઇજિપ્ત સાથે સંઘર્ષો થયા હતા. મિતાનીઓનો સૌથી પ્રતાપી રાજા સોસ્તાતર (ઈ. સ. પૂ. 1500 – ઈ. સ. પૂ. 1450) હતો. તેણે અસિરિયનોના રાજમહેલમાં લૂંટ કરી હતી. મિતાનીઓનો છેલ્લો સ્વતંત્ર રાજા તુશ્રાત્ત (અવ. ઈ. સ. પૂ. 1360) હતો. તેના અમલ દરમિયાન હિટ્ટાઇટ લોકોએ પાટનગર પર હુમલો કરી તુશ્રાત્તને મારી નાખ્યો. તે પછી મિતાની હિટ્ટાઇટ સામ્રાજ્યનો એક ભાગ બન્યું. ઇજિપ્તનો સમ્રાટ થટમૉસ ચોથો મિતાની રાજકુમારીને પરણ્યો હતો.
મિતાનીઓ ખેતી માટે લાકડાના હળનો ઉપયોગ કરતા હતા. તેઓ અનાજ ઉપરાંત ફળ પણ ઉગાડતા હતા. તેઓ કપડાં વડે આખું શરીર ઢાંકતા. સ્ત્રીઓ કંગન, હાર જેવાં આભૂષણો પહેરતી હતી. લોકો શેતરંજ જેવી રમતો રમતા અને સંગીત પણ જાણતા હતા. ઇજિપ્તના દેવો ઉપરાંત અન્ય સ્થાનિક દેવોની લોકો પૂજા કરતા હતા. ખેતી અને પશુપાલન તેમનો મુખ્ય વ્યવસાય હતો. પોતાના રાજ્યના રક્ષણાર્થે ખેડૂત સૈનિક બની જતો.
ઈશ્વરલાલ ઓઝા