મિઝો ટેકરીઓ

February, 2002

મિઝો ટેકરીઓ : મિઝોરમ રાજ્યમાં આવેલી ટેકરીઓ. જૂનું નામ લુશાઈ ટેકરીઓ. તે ઉત્તર આરાકાન યોમા પર્વત સંકુલનો એક ભાગ રચે છે. ભારત–મ્યાનમાર સરહદે આવેલી પતકાઈ હારમાળાનું દક્ષિણતરફી વિસ્તરણ મિઝો ટેકરીઓથી બનેલું છે. આ ટેકરીઓની સરેરાશ ઊંચાઈ 900 મીટરની છે.

મિઝો ટેકરીઓ અને તેની તળેટીમાં આવેલાં જળાશય

મિઝોરમ રાજ્યના અગ્નિભાગમાં આવેલા બ્લૂ પર્વતનું શિખર 2,165 મીટરની ઊંચાઈ ધરાવતું અહીંનું સર્વોચ્ચ સ્થળ છે. લગભગ બધી જ ટેકરીઓ ઉત્તર-દક્ષિણ દિશાકીય ઉપસ્થિતિવાળી અને ઉગ્ર ઢોળાવવાળી છે. ટેકરીઓ નદીઓથી કોતરાયેલી હોવાથી અહીં ઠેકઠેકાણે ઊંડાં કોતરો રચાયેલાં જોવા મળે છે. ટેકરીઓની વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક થાળાં પણ આવેલાં છે. અહીંથી નીકળતી નદીઓ ટેકરીઓને સમાંતર ઉત્તર-દક્ષિણ વહે છે અને અન્યોન્ય સમાંતર જળપરિવાહરચના બનાવે છે.

અહીં ટેકરીઓના ઢોળાવો પર ખેતી થાય છે. વિવિધ પ્રકારનું ઊંચાણનીચાણ ધરાવતાં સ્થળર્દશ્યો રચતી આ ટેકરીઓ અત્યંત રમણીય બની રહેલી છે. મોટાભાગની ટેકરીઓ દૂરથી લાલ-વાદળી રંગર્દશ્ય ઊભું કરે  છે. આ કારણે રાજ્યના અગ્નિકોણ તરફ આવેલા પર્વતને બ્લૂ પર્વત નામ અપાયેલું છે. અહીંની ટેકરીઓના ઢોળાવો સદાહરિત જંગલોથી છવાયેલા છે. આ જંગલોમાંથી વાંસ ઉપરાંત અન્ય કીમતી લાકડાં મળી રહે છે. વળી અહીં વિવિધ પ્રકારની વનસ્પતિ પણ જોવા મળે છે, તેથી મિઝોરમ રાજ્ય પ્રવાસીઓ માટે અનેરા આકર્ષણનો વિસ્તાર બની રહેલું છે. ‘મિઝો’નો સ્થાનિક અર્થ ‘પહાડી ભૂમિમાં વસતા લોકો’ એવો થાય છે. આ કારણે આ રાજ્યનું નામ પણ ‘મિઝોરમ’ પડેલું છે.

ગિરીશભાઈ પંડ્યા