મિજલી, ટૉમસ (જ. 18 મે 1889, બીવરફૉલ્સ, પેન્સિલ્વેનિયા, યુ.એસ.; અ. 2 નવેમ્બર 1944, વર્ધિંગ્ટન, ઓહાયો, યુ.એસ.) : ઇજનેર અને રસાયણવિદ. મિજલીએ કૉર્નેલમાં ઇજનેરીનો અભ્યાસ કર્યો. તે પછી તેઓ 1911માં પીએચ.ડી. થયા. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન કિટરિંગ સાથે ડેટોન (Dayton Engineering Laborataries Company) માટે કામ કરતાં તેમણે પેટ્રોલ-એંજિનમાં થતા ખટાકા (અપસ્ફોટ) (knocking) ઘટાડવા અંગે સંશોધન કર્યું અને અનેક પ્રયોગોના અંતે કેટલાક એવા પૂરક ઘટકો શોધી કાઢ્યા, જે આ ખટાકા ઘટાડી શકે. આ સંશોધન દરમિયાન તેમને જણાયું કે ખટાકા-નિરોધકોની અસરકારકતા તેમનામાં રહેલા (આવર્ત કોષ્ટકમાંના) સૌથી ભારે પરમાણુઓ ઉપર આધાર રાખે છે. આ અવલોકનને આધારે 1921માં તેમણે ટેટ્રાઇથાઇલ લેડ Pb(C2H5)4 નિરોધક તરીકે વાપર્યું અને તે અસરકારક સાબિત થયું. વળી એન્જિનમાં લેડ-ઑક્સાઇડને જમા થતું અટકાવવા આ રસાયણમાં થોડો 1, 2–ડાઇબ્રોમોઇથેન ઉમેરતાં તે મિશ્રણ ખૂબ જ અસરકારક જણાયું. આ રસાયણ (TEL) વ્યાપક રીતે વપરાશમાં છે, પરંતુ 1980 બાદ તેના વપરાશને લીધે વાહનોનાં એંજિનમાંથી નીકળતા ઉત્સર્ગ વાયુઓમાંના લેડ(સીસા)નું પ્રમાણ માનવ-આરોગ્ય માટે જોખમી હોવાનું માલૂમ પડ્યું છે. મિજલીએ પેટ્રોલની ગુણવત્તા નક્કી કરવા વપરાતી ઑક્ટેન-આંક પદ્ધતિ પણ વિકસાવી.
1930માં મિજલીએ ફ્રિયૉન–12 (CF2Cl2) નામનું રસાયણ રેફ્રિજરેટરો માટે શોધી કાઢ્યું, જે બિનવિષાળુ તથા સળગી ન ઊઠે તેવા ગુણધર્મવાળું હતું. અહીં પણ તેમણે યોગ્ય સંયોજન મેળવવા માટે આવર્ત કોષ્ટકની મદદ લીધી. 1980થી એવું જાણવામાં આવ્યું છે કે ફ્રિયૉન અથવા ક્લૉરોફ્લોરોકાર્બનસંયોજનો (CFCs) વાતાવરણમાંના ઓઝોન સ્તરને નુકસાન કરી તેમાં કાણાં પાડી દે છે. પરિણામે હાનિકારક પારજાંબલી કિરણો તેમાંથી પૃથ્વી ઉપર ઘણા વધુ પ્રમાણમાં આવે છે અને તેથી હવામાનને અસર થવા ઉપરાંત સ્વાસ્થ્યને પણ નુકસાન થઈ શકે છે.
મિજલીએ ઘણાં મહત્વનાં સ્થાનો સંભાળ્યાં છે. 1923માં તેઓ ઇથાઇલ ગૅસોલિન કૉર્પોરેશનના વાઇસ-પ્રેસિડેન્ટ અને 1933માં તેઓ ઇથાઇલ–ડાઉ કેમિકલ કંપનીના ડિરેક્ટર થયા હતા. 1940થી 1944 દરમિયાન ઓહાયો સ્ટેટ યુનિવર્સિટી રિસર્ચ ફાઉન્ડેશનના ડિરેક્ટર તથા વાઇસ-પ્રેસિડન્ટ રહ્યા હતા. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન તેઓ નૅશનલ ડિફેન્સ રિસર્ચ કમિટીની એક શાખાના વડા રહ્યા હતા.
તેઓ પોલિયોના દર્દી હોવાથી સવારે પોતાને ઊઠવામાં મદદરૂપ થાય એવા એક સાધન(harness)ની આયોજના કરી હતી; પણ કોઈક રીતે તેમાં ફસાઈ જતાં તેઓ અવસાન પામ્યા હતા.
જ. પો. ત્રિવેદી