મિક્સોમાઇસિટિસ (શ્લેષી ફૂગ)
ફૂગના મિક્સોમાઇકોટિના ઉપવિભાગનો એક વર્ગ. ડીબેરી (1887) તેને ‘માઇસેટોઝોઆ’માં મૂકે છે. લિસ્ટર (1925), હેજલસ્ટેઇન (1944), બેસી (1950), કુડો (1954) અને ઑલિવે આ શ્લેષી ફૂગને પ્રાણીસૃષ્ટિના પ્રજીવ સમુદાયમાં વર્ગીકૃત કરી છે. તે અત્યંત પુરાતન અને પ્રમાણમાં સ્થાયી સજીવ-સમૂહ છે. અને ઘણી રીતે તદ્દન વિશિષ્ટ છે. માર્ટિન(1961)ના મંતવ્ય અનુસાર આ ફૂગ ફૂગસૃષ્ટિની મુખ્ય ઉત્ક્રાંતિરેખાથી પૂરતા પ્રમાણમાં જુદી પડી છે.
મોટાભાગની શ્લેષી ફૂગ શીતળ, છાયાવાળાં અને ભેજયુક્ત સ્થાનોએ, કોહવાટ પામતા લાકડા કે મૃત પર્ણો પર કે પુષ્કળ પ્રમાણમાં ભેજ પકડી રાખતા કાર્બનિક દ્રવ્ય ઉપર થાય છે. બહુ ઓછી જાતિઓ ખુલ્લી જગાઓમાં વનસ્પતિઓ પર થાય છે. શહેરના ઉદ્યાનોની લૉનના ઘાસ પર તે પુષ્કળ પ્રમાણમાં થાય છે. કેટલીક જાતિઓ વનસ્પતિ-કચરા પર, પ્રાણી-ગોબર પર કે જીવંત વૃક્ષોની છાલના ટુકડાઓને ભેજવાળા કક્ષ(chamber)માં રાખતાં વિકાસ પામે છે.
તેના દેહને પ્લાસ્મોડિયમ [plasmodium – (G. plasma, something formed, + eidos, appearance)] કહે છે. તે જીવરસીય જથ્થો છે અને પાતળા રસસ્તર (plasma membrane) અને શ્લેષી (gelatinous) આવરણ વડે આવરિત હોય છે. પ્લાસ્મોડિયમને ચોક્કસ આકાર કે કદ હોતાં નથી. એક સમયે તે ગોળ દડાસ્વરૂપે હોય તો બીજી વખતે તે ચપટી અને અત્યંત પાતળી જાલમય ચાદરસ્વરૂપે ઘણા મોટા વિસ્તારમાં ફેલાયેલું હોય છે. તેનો રંગ ઘણુંખરું ચમકીલો અથવા સફેદ, પીળો, ગુલાબી, જાંબલી કે લીલો હોય છે. સતત વહનશીલ અને સતત પરિવર્તનશીલ પ્લાસ્મોડિયમ આધારતલ ઉપર પ્રસરણ પામે છે અને તેના માર્ગમાં આવતા ખોરાકના કણોનું અમીબીય પદ્ધતિથી જીવભક્ષીકરણ (phagocytosis) કરે છે. શ્લેષી આવરણ સૂક્ષ્મતંતુકો (microfibrils) ધરાવે છે અને પ્લાસ્મોડિયમ આધારતલ પર આગળ ધપે છે ત્યારે તેના અંશો પાછળ રહી જાય છે. આમ પ્લાસ્મોડિયમ ખરું જોતાં આવરણયુક્ત છે.
તેનો જીવરસ સંરચનાહીન (structureless) પદાર્થનો બનેલો હોય છે અને તેમાં કણિકાઓ, રસધાનીઓ, વિવિધ અંગિકાઓ, કોષકેન્દ્રો અને અન્ય કાયો (bodies) આવેલાં હોય છે. પ્લાસ્મોડિયમના જુદા જુદા વિભાગોમાં જીવરસની ઘટ્ટતામાં તફાવત હોય છે અને બાહ્ય કે આંતરિક પર્યાવરણમાં થતા ફેરફારને અનુલક્ષીને તે સતત પરિવર્તન પામે છે. જીવરસ કેટલાક ભાગોમાં તરલ તો અન્ય ભાગોમાં શ્લેષી હોય છે. આ બંને અવસ્થાઓ ક્રમશ: મિશ્ર થતી હોય છે. તરલ અવસ્થા પરસ્પર ગૂંથાયેલ બહુશાખિત જાલ ધરાવે છે, જે શ્લેષી ભાગમાં થઈને વહન પામે છે.
પ્લાસ્મોડિયમની શિરાઓમાં થતી જીવરસની પ્રવાહી ગતિ (streaming movement) દરમિયાન જીવરસીય કણિકાઓ કોઈ એક નિશ્ચિત દિશામાં અત્યંત ઝડપથી વહેતી હોય છે. પ્રવાહી ગતિ દરમિયાન જીવરસનું હલનચલન ક્રમશ: ઘટી જાય છે અને ક્ષણિક વિરામ પામી તે નિશ્ચિત સમય માટે પ્રતિસ્થાનાંતર કરે છે. આમ, પ્લાસ્મોડિયમની પ્રવાહી ગતિ વધતે-ઓછે અંશે એક તાલબદ્ધ પ્રક્રિયા છે.
હેટેનો અને ટેઝાવા(1968)ના મત પ્રમાણે પ્લાસ્મોડિયમમાં ATP અને દ્વિસંયોજક (divalent) ધનાયનોની હાજરીમાં ઍક્ટિનતંતુ અને માયોસિન ‘એ’ વચ્ચે થતી આંતરક્રિયા દ્વારા ગતિદાયી બળ (motive force) ઉદભવે છે. તેમના દર્શાવ્યા અનુસાર સ્નાયુસંકોચન અને જીવરસીય પ્રવાહી ગતિમાં સમાન કાર્યવિધિ થાય છે. પ્રતિવર્તી (reversible) પ્રવાહી-ગતિનું નિયમન મૅગ્નેશિયમના આયનો દ્વારા થાય છે. એવું પણ માનવામાં આવે છે કે જીવરસીય પ્રવાહી ગતિના આદ્ય સ્વરૂપમાંથી સ્નાયુસંકોચનનો વિકાસ થયો હોવો જોઈએ.
પ્લાસ્મોડિયમ એકબીજામાંથી સોંસરવો માર્ગ કરતા બે ભાગનું બનેલું હોય છે. પરિઘવર્તી ભાગ કણિકાવિહીન અને સમરૂપ આધારક દ્રવ્યનો બનેલો હોય છે. તેને કાચાભ (hyaline) કોષરસ કહે છે. અંતર્ભાગ(core)ના જીવરસમાં કણિકાઓ, અસંખ્ય દ્વિગુણિત (diploid) કોષકેન્દ્રો અને કોષરસધાનીઓ હોય છે. તેને અંત:કોષરસ કહે છે. કાચાભ કોષરસની આગળ ધપતી કિનારીઓ ખોટા પગોના વિસ્તરણ અને સંકોચન દ્વારા અમીબીય ગતિ દાખવે છે. માર્ગમાં ગ્રહણ થતા ખોરાકનું અન્નધાનીમાં પાચન થાય છે અને નહિ પચેલ કણો અથવા ઉત્સર્ગ-પદાર્થોનું પ્લાસ્મોડિયમ આગળ ધપે ત્યારે લિસોટા સ્વરૂપે પાછળ ત્યાગ કરવામાં આવે છે.
કોષદીવાલનો અભાવ, પ્રાણીસર્દશ પોષણપદ્ધતિ અને જીવભક્ષીકરણ પ્રાણીઓ સાથે સામ્ય દર્શાવતાં લક્ષણો છે.
ઍલેક્સોપાઉલોસ(1960)ના મંતવ્ય મુજબ પ્લાસ્મોડિયમના ત્રણ પ્રકારો આ પ્રમાણે છે :
(1) આદ્ય પ્લાસ્મોડિયમ (protoplasmodium) : તે એકાઇનોસ્ટેલિયેલ્સ અને Liceaની ઘણી જાતિઓમાં જોવા મળે છે. આ પ્રકારનું પ્લાસ્મોડિયમ જીવન પર્યંત સૂક્ષ્મ સ્થિતિમાં રહે છે, વધતે-ઓછે અંશે સમરૂપ હોય છે અને શિરાઓનું નિર્માણ કરતું નથી. તે અન્ય પ્લાસ્મોડિયલ પ્રકારોની જેમ ઝડપી, તાલબદ્ધ અને પ્રતિવર્તી જીવરસભ્રમણ દાખવવાને બદલે અત્યંત ધીમી અને અનિયમિત પ્રવાહી ગતિ દર્શાવે છે. તે પ્રજનન દરમિયાન એક જ બીજાણુધાની ઉત્પન્ન કરે છે.
2. અર્દશ્યમાન પ્લાસ્મોડિયમ (ahanoplasmodium) : તે શરૂઆતની અવસ્થાઓમાં આદ્યપ્લાસ્મોડિયમ સાથે સામ્ય દર્શાવે છે; પરંતુ તે તરત જ લંબાઈને બહુશાખીય બને છે અને અત્યંત સૂક્ષ્મ અને પારદર્શક તંતુગુચ્છ(strands)ની બનેલી જાલમાં પરિણમે છે. જીવરસમાં ખૂબ કણિકાઓ નહિ હોવાથી પ્લાસ્મોડિયમ જોઈ શકાતું નથી. તેને શ્લેષી આવરણ હોતું નથી. શિરાઓ તરલ અને શ્લેષી પ્રદેશોમાં વિભેદન પામેલી હોતી નથી. જીવરસીય ભ્રમણ અત્યંત નાજુક રસસ્તરની હદમાં જ થાય છે. પ્રવાહી ગતિ ઝડપી, તાલબદ્ધ અને પ્રતિવર્તી હોય છે. અર્દશ્યમાન પ્લાસ્મોડિયમ સ્ટેમોનાઇટોમાઇસિટિડી ઉપવર્ગની લાક્ષણિકતા ગણાય છે.
3. શ્યમાન પ્લાસ્મોડિયમ (phaneroplasmodium) : તે ફાઇસેરેલ્સ ગોત્રમાં જોવા મળે છે અને શરૂઆતમાં આદિ પ્લાસ્મોડિયમ સાથે સામ્ય દર્શાવે છે, પરંતુ તે તુરત જ વૃદ્ધિ સાધી વધારે મોટું અને સ્થૂળ (massive) બને છે. તેના જીવરસમાં કણિકાઓ પુષ્કળ પ્રમાણમાં હોય છે. તેથી પ્લાસ્મોડિયમ સરળતાથી જોઈ શકાય છે. શિરાઓના શ્લેષી અને તરલ પ્રદેશો સહેલાઈથી જુદા પાડી શકાય છે. તાલબદ્ધ પ્રતિવર્તી પ્રવાહી ગતિ સ્પષ્ટ રીતે જોવા મળે છે.
ટ્રાઇકિયેલ્સ ગોત્રના સભ્યોમાં ચોથા પ્રકારનું પ્લાસ્મોડિયમ જોવા મળે છે. તે અર્દશ્યમાન પ્લાસ્મોડિયમ અને ર્દશ્યમાન પ્લાસ્મોડિયમની વચગાળાની સ્થિતિ દર્શાવે છે. શ્લેષી ફૂગની અત્યંત ઓછી જાતિઓમાં પ્લાસ્મોડિયમ ઉપર્યુક્ત પૈકી એક પણ પ્રકાર સાથે સામ્ય દર્શાવતાં નથી.
શુષ્ક આબોહવા કે ઠંડા તાપમાને પ્લાસ્મોડિયમ અનિયમિત આકારની સખત સ્થૂળ રચનામાં પરિણમે છે. તેને જાલાશ્મ (sclerotium) કહે છે. તે લાંબા સમય સુધી પ્રસુપ્ત (dormant) અવસ્થામાં રહે છે અને અનુકૂળ સંજોગો પ્રાપ્ત થતાં તેમાંથી પ્લાસ્મોડિયમનો વિકાસ થાય છે.
ર્દશ્યમાન પ્લાસ્મોડિયમના જાલાશ્મીભવન(sclerotization)ના એક અભ્યાસ મુજબ જાલાશ્મ નાના કોષોનું બનેલું હોય છે. તેમને નિગોલકો (spherules) કહે છે. તેમનું કદ 10 માઇક્રૉનથી 25 માઇક્રૉન જેટલું હોય છે. પ્રત્યેક નિગોલકમાં 0થી 14 કોષકેન્દ્રો હોય છે અને તેની ફરતે પટલ (membrane) આવેલો હોય છે. સ્ટેમોનાઇટેલ્સ અને ટ્રાઇકિયેલ્સનાં અશ્યમાન પ્લાસ્મોડિયમમાંથી સ્થૂળ જાલાશ્મ બનતાં નથી, પરંતુ તેને બદલે શિરાઓમાંથી સીધેસીધા અસંખ્ય કોષ્ઠ (cysts) બને છે.
સામાન્યત: સમગ્ર પ્લાસ્મોડિયમ એક કે તેથી વધારે ફળકાયો(fruitifications)માં પરિણમે છે. આવી શ્લેષી ફૂગને પૂર્ણકાયફલિક (holocarpic) કહે છે અને તે કાં તો વાનસ્પતિક કે પ્રાજનનિક અવસ્થાના સ્વરૂપે જ માત્ર અસ્તિત્વ ધરાવે છે. બીજાણુક-જનન (sporulation) દરમિયાન તે અમીબા કરતાં ફૂગ સાથે વધારે સામ્ય દર્શાવે છે. ફળકાય-નિર્માણ સમયે સામાન્ય રીતે જ્યાંથી તે પોષણ મેળવતું હોય, તેવું ભેજવાળું સ્થાન છોડી દઈ શુષ્ક સ્થાને પ્રસરણ પામે છે અને એકાએક ઢગલા-સ્વરૂપે ફેરવાઈ ફળકાય આરંભિકો (initials) બનાવે છે. પ્લાસ્મોડિયમમાં આવેલી કેટલીક મુખ્ય શિરાઓની આસપાસ જીવરસ એકત્રિત થાય છે અને ફળકાયમાં પરિણમે છે. તેનો આકાર પ્લાસ્મોડિયલ શિરા જેવો જ હોય છે.
ઉપવર્ગ સિરેશિયોમિક્સોમાઇસિટિડીમાં ફળકાય સફેદ કે પીળા રંગનાં અને શાખિત હોય છે અને અનેક ગુચ્છમાં બીજાણુવૃંત (sporophores) ધરાવે છે. છેડેથી અણીદાર બનતા વૃંત ઉપર એકાકી બીજાણુ ઉદભવે છે. ગિલ્બર્ટ(1935)ના મત પ્રમાણે આ ઉપવર્ગમાં ઉદભવતા બીજાણુઓ એક જ બીજાણુ ધરાવતી બીજાણુધાનીઓ છે અને અંત:બીજાણુક (endosporous) જાતિઓની બીજાણુધાનીઓની સમજાત (homologous) છે.
ઉપવર્ગ મિક્સોગૅસ્ટ્રોમાઇસિટિડીમાં જોવા મળતા ત્રણ પ્રકારના ફળકાય નીચે પ્રમાણે છે :
1. બીજાણુધાની (sporangium) : તે એક વિશિષ્ટ ટટ્ટાર ફળકાય છે. પ્લાસ્મોડિયમ અસંખ્ય બીજાણુધાનીઓ ઉત્પન્ન કરે છે અને આધારતલ ઉપર સમૂહોમાં જોવા મળે છે. પ્રત્યેક બીજાણુધાનીની ફરતે ચૂના અને સૅલ્યુલોસનું બનેલું રક્ષકસ્તર (peridium) આવેલું હોય છે. બીજાણુધાનીના તલસ્થ ભાગે કાચાભપત્ર (cellophane) જેવી પાતળી પારદર્શક ત્વચીય પટ્ટી રહી જાય છે. તેને હાઇપૉથૅલસ (hypothallus) કહે છે. શરૂઆતમાં બીજાણુધાનીનો દંડ જીવરસની એક-સ્તંભીય રચના તરીકે ઉદભવે છે. આ નાના દંડની ટોચ ઉપર જીવરસનો જથ્થો એકત્રિત થઈ સઘન તરુણ બીજાણુધાનીમાં પરિણમે છે. બીજાણુધાનીનો જીવરસ અસંખ્ય નાના એકકોષકેન્દ્રી એકમોમાં વિભાજિત થાય છે. આ પ્રત્યેક એકમ ગોળાકાર બની તેની ફરતે કંટકીય કે શિલ્પયુક્ત દીવાલનો સ્રાવ કરે છે. આ એકમો બીજાણુઓ છે. તે રંગે પીળા, જાંબલી, ગુલાબી, લીલા, ભૂખરા, બદામી કે કાળા હોય છે. બીજાણુનિર્માણ દરમિયાન કોષકેન્દ્રોનું અર્ધસૂત્રી ભાજનથી વિભાજન થાય છે. Hemitrichia clavata, physarum globuliferum, Stemonitis અને Arcyriaમાં બીજાણુધાની દ્વારા અલિંગી પ્રજનન થાય છે.
બીજાણુધાનીમાં આવેલી સૂત્ર કે નલિકા જેવી લાંબી નિર્જીવ કેશમય રચનાને તંતુજાલ (capillitium) કહે છે. બીજાણુધાનીમાં સ્તંભિકા (columella) હોય તો તે સ્તંભિકા અને રક્ષકસ્તર બંને સાથે જોડાઈ બીજાણુધાનીમાં જાલ બનાવે છે. જો સ્તંભિકા ન હોય તો તંતુજાલ ફળકાયમાં મુક્ત સ્થિતિમાં જોવા મળે છે. ટ્રાઇકિયેલ્સ અને ફાઇસેરેલ્સ ગોત્રમાં તંતુજાલની ઉત્પત્તિ માટે રસધાની જવાબદાર છે; જ્યારે સ્ટેમોનાઇટેલ્સમાં સ્તંભિકામાંથી તંતુજાલનો અમુક ભાગ ઉદભવે છે અને બાકીનો ભાગ નલિકામય રસધાનીઓના જાલમય તંત્રમાંથી ઉત્પન્ન થાય છે.
તંતુજાલનું કાર્ય બીજાણુ-વિકિરણનું છે. ફળકાયનું રક્ષકસ્તર તૂટતાં તંતુજાલ ખુલ્લી થાય છે, અને કમાનની જેમ ખેંચાવાથી અંદર રહેલા બીજાણુઓ બહાર આવે છે અને પવન દ્વારા દૂર દૂર ફેલાય છે.
2. એથેલિયમ : તે ઘણું મોટું, કેટલીક વાર સ્થૂળ અને સામાન્યત: ગાદી જેવું ફળકાય છે. તે કેટલીક બીજાણુધાનીઓના એકત્રીકરણથી બનતી રચના છે. જુદી જુદી જાતિઓમાં તેમના જોડાણની માત્રા જુદી જુદી હોય છે. કેટલાંક ઍથેલિયમમાં વ્યક્તિગત બીજાણુધાનીની દીવાલ સ્પષ્ટપણે જુદી પડે છે; કેટલાંકમાં દીવાલો સ્પષ્ટપણે ઓળખી શકાતી નથી તો અન્યમાં બીજાણુધાનીની દીવાલોનો કોઈ અંશ પણ જોવા મળતો નથી. સમગ્ર ફળકાયની ફરતે રક્ષકસ્તર આવેલું હોય છે. Lycogala epidendrum, Tubifera ferruginosa અને fuligo septicaમાં આ પ્રકારનું ફળકાય જોવા મળે છે. F. septicaનું ઍથેલિયમ શ્લેષી ફૂગનું સૌથી મોટું ફળકાય છે, જેનું કદ લગભગ 70 × 54×3 સેમી. જેટલું હોય છે.
3. પ્લાસ્મોડિયોકાર્પ : આ ફળકાય દૈહિક પ્લાસ્મોડિયમ જેવો આકાર ધારણ કરે છે. તે અદંડી બીજાણુધાની સાથે સામ્ય દર્શાવે છે. તે પ્લાસ્મોડિયમનું શાખાયુક્ત સ્વરૂપ જાળવે છે. પ્લાસ્મોડિયમની કેટલીક મુખ્ય શિરાઓની આસપાસ જીવરસ કેન્દ્રિત થઈ તેની ફરતે પટલનો સ્રાવ કરે છે અને ફળકાયમાં રૂપાંતર પામે છે. Hemitrichia serpulaમાં આ પ્રકારનું ફળકાય જોવા મળે છે.
બીજાણુની કોષદીવાલના બંધારણમાં સૅલ્યુલોસ હોય છે અને તે જાડી હોવાથી તેમજ જીવરસની ભૌતિક અને રાસાયણિક વિશિષ્ટતાઓને લીધે પ્રતિકૂળ સંજોગોનો સામનો કરી જીવંત રહી શકે છે. અનુકૂળ સંજોગો પ્રાપ્ત થતાં તેનું અંકુરણ થાય છે. અંકુરણ-સમયે તેની દીવાલમાં ફાટ પડે છે અથવા છિદ્ર ઉત્પન્ન થાય છે અને તેમાંથી જીવરસ બહાર આવે છે. વાતાવરણમાં પાણી હોય તો આ જીવરસ ચલકોષ(swarm cell)માં રૂપાંતર પામે છે અને જો પાણીનું પ્રમાણ ઓછું હોય તો તે શ્લેષી અમીબા(myxamoeba)માં પરિણમે છે.
ચલકોષ દ્વિકશાધારી હોય છે. બંને કશાઓ અસમાન અને પ્રતોદ (whiplash) પ્રકારની હોય છે. તેમની મદદથી તે પાણીમાં તરે છે. થોડાક સમય પછી તે તેની કશાઓ જીવરસમાં પાછી ખેંચી લે છે અને શ્લેષી અમીબામાં રૂપાંતર પામે છે. શુષ્ક વાતાવરણમાં શ્લેષી અમીબાની ફરતે આવરણ રચાતાં તે મહાકોષ્ઠ(macrocyst)માં પરિણમે છે. અનુકૂળ સંજોગો પાછા ફરતાં મહાકોષ્ઠમાંથી ચલકોષ કે શ્લેષી અમીબા ઉદભવે છે. સામાન્ય રીતે ખોરાકનું પ્રમાણ વધારે હોય ત્યારે શ્લેષી અમીબા વિભાજનો પામી અનેકશ્લેષી અમીબા ઉત્પન્ન થાય છે.
બે ચલકોષો અથવા બે શ્લેષી અમીબાના સંયોગ દ્વારા લિંગી પ્રજનન થાય છે. Stemonitis fuscaમાં યુગ્મનની ક્રિયા ચલકોષ અને શ્લેષી અમીબા વચ્ચે થાય છે અને કશાધારી યુગ્મનજ (zygote) ઉત્પન્ન થાય છે. Physarum polycephalum અને Didynium iridis વિષમસુકાયક (heterothellic) અને Fuligo cinerea સમસુકાયક (homothallic) જાતિઓ છે.
લિંગી પ્રજનનથી ઉદભવતો યુગ્મનજ અસંખ્ય સમસૂત્રીભાજનો (mitosis) પામી બહુકોષકેન્દ્રી અમીબીય રચનામાં પરિણમે છે, જેને પ્લાસ્મોડિયમ કહે છે. કેટલીક જાતિઓમાં પ્લાસ્મોડિયમ ઘણા યુગ્મનજના જોડાવાથી ઉદભવે છે. એક જ યુગ્મનજથી ઉત્પન્ન થતું પ્લાસ્મોડિયમ તે જ જાતિનું હોય છે.
પ્રમોદ રતિલાલ શાહ
બળદેવભાઈ પટેલ