મિંગ હુઆંગ (જ. 685, લોયાંગ, ચીન; અ. 762) : ચીનના તાંગ વંશનો છઠ્ઠો સમ્રાટ. તેનું નામ હસુઆન ત્સુંગ હતું. તે મિંગ હુઆંગ તરીકે જાણીતો થયો હતો. તેનો રાજ્યકાળ 712થી 756 સુધીનો હતો. તેના સમયમાં ચીને ઘણી સમૃદ્ધિ અને સત્તા મેળવ્યાં હતાં. તેણે વહીવટી અને નાણાકીય સુધારા કર્યા. કેન્દ્ર સરકારના માળખામાં ફેરફાર કરીને પ્રાંતોના મુખ્ય પ્રધાનોને વધારે સત્તા આપવામાં આવી. તેના સમયમાં પશ્ચિમ એશિયાના પ્રદેશો અને તિબેટ, તુર્કી વગેરેમાં જીત મેળવવામાં આવી. કરદાતાઓની સંખ્યા વધારીને સામ્રાજ્યની આવક વધારવામાં આવી. ઉત્તરની સરહદે કાયમી મોટું લશ્કર રાખવામાં આવ્યું. આ સમ્રાટ લેખકો-કવિઓ, ચિત્રકારો, સંગીતકારો વગેરેને આશ્રય આપતો. તેથી કલાઓનાં વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ. પોતાની સાઠ વર્ષની ઉંમર પછી, સમ્રાટ તેની એક પુત્રવધૂથી આકર્ષાયો અને તેને પોતાના જનાનખાનામાં દાખલ કરી. તે પછી તેના પ્રભાવ હેઠળ રાજકીય નિમણૂકો થવા લાગી. એ રીતે નિમાયેલા મંચુરિયન લશ્કરી ગવર્નર એન લુશાને 755માં બળવો કર્યો. સમ્રાટ પાટનગરમાંથી નાસી ગયો અને તેના પુત્ર સુઝોંગની તરફેણમાં 756માં ગાદીત્યાગ કર્યો. તેના રાજ્ય-અમલ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં સારો વિકાસ થયો હતો. રાજ્યમાં આંતરિક શાંતિ પ્રવર્તી હતી અને લોકોને કાર્યક્ષમ સરકાર મળતાં દેશની સમૃદ્ધિ પણ વધી હતી.
ઈશ્વરલાલ ઓઝા