મા શારદામણિદેવી

January, 2002

મા શારદામણિદેવી (જ. 1853, બાંકુડા, જયરામવાડી, પં. બંગાળ; અ. 20 જુલાઈ 1920, કોલકાતા) : આધુનિક ભારતનાં અગ્રણી મહિલા-સંતોમાંનાં એક. રામકૃષ્ણ પરમહંસનાં સહધર્મચારિણી. પિતાનું નામ રામચંદ્ર મુખોપાધ્યાય. માતાનું નામ શ્યામસુંદરીદેવી. દંપતી ધનની બાબતે દરિદ્ર હતાં, પણ સંસ્કાર તથા ધર્મભાવનામાં અતિસમૃદ્ધ હતાં.

કહે છે કે દંપતીને સ્વપ્નમાં એક સુંદર બાલિકાએ દેખા દઈને મધુર વાણીમાં કહ્યું કે, ‘‘હું તમારે ઘેર આવી રહી છું.’’ ભાવનાશાળી દંપતીએ દીકરીના જન્મને માતાના આગમન-સ્વરૂપે વધાવી લીધો. નામ પાડ્યું શારદામણિ.

બાળકી શારદા મળતાવડી, કામગરી અને ધર્મભાવનાવાળી નીવડી. દીનદુખિયાંની સેવામાં તેને અપૂર્વ આનંદ મળતો.

આ બાજુ વયસ્ક થતાં રામકૃષ્ણ પરમહંસ માટે કન્યાની શોધ ચાલી. રામકૃષ્ણને કાલીભક્ત અને વૈરાગી સ્વભાવના જાણી કોઈ પિતા તેમને કન્યા આપવા ઇચ્છતું નહિ. ત્યારે રામકૃષ્ણે સહજભાવે વડીલોને કહ્યું, ‘‘મારે સારુ કન્યા માટે આમતેમ દોડાદોડ કરવાની જરૂર નથી. જયરામવાડીમાં રામચંદ્ર મુખોપાધ્યાયને ત્યાં તમે ઇચ્છો છો તેવી કન્યા મળશે……’’ અને, આમ બે દિવ્ય આત્માનાં સાંસારિક લગ્ન થયાં. વય હજુ અપક્વ હોવાથી વરકન્યા પોતપોતાના પિતાને ત્યાં જુદાં રહ્યાં. શારદામણિ તેર વર્ષની વયે સાસરે આવ્યાં, પણ ત્યારે રામકૃષ્ણ કાલીની પૂજા અર્થે ગયેલા; તેથી શારદામણિ પિયર પાછાં આવ્યાં. પણ રામકૃષ્ણને તે જ સમયે ઉદરપીડા ઊપડવાથી શારદામણિને સાસરે તેડાવ્યાં. આ વેળા તેમણે પહેલી વાર પતિદર્શન કર્યાં. પતિ વિશે આડીઅવળી વાતો સાંભળેલી તેથી શારદામણિ ચિત્રવિચિત્ર શંકાસભર નેત્રે તેમને જોઈ રહ્યાં; પણ બન્યું કંઈક એવું કે તેમના હૃદયમાંથી બધો કિલ્મિષભાવ નીકળી ગયો અને તેમને રામકૃષ્ણમાં સ્નેહાર્દ્ર આત્મસ્વરૂપ જોવા મળ્યું. ‘મારા પતિ સાચેસાચ પરમેશ્વર છે’ એવું તેમણે અનુભવ્યું.

દંપતીના વાર્તાલાપમાં દેવ, બ્રાહ્મણ, ગુરુ, વડીલ, અતિથિ આદિ પ્રત્યેનો શિષ્ટાચાર; દેશકાલ તથા પાત્ર પરત્વે વિવેક; મનની શાંતિ; સર્વને પ્રસન્ન રાખવાની કળા જેવા વિષયો વિશેષ રહેતા. રામકૃષ્ણ એ રીતે શારદામણિને પ્રશિક્ષિત કરવા પ્રયત્નશીલ રહેતા. શારદામણિ પતિની વાતો હૈયામાં સંઘરી લેતાં. છ-સાત મહિના સાથે રહ્યા પછી રામકૃષ્ણ પાછા દક્ષિણેશ્વર ઊપડી ગયા. શારદામણિદેવી પિયર આવ્યાં. અહીં તેમનું રહેવું અસહ્ય બન્યું, કારણ કે રામકૃષ્ણના સહજ વર્તનમાં વર્તાતી વિચિત્રતાઓ સમાજમાં ભારે ટીકાપાત્ર બનતી રહી. જયરામવાડીથી દક્ષિણેશ્વર લાંબા અંતરે હતું. ત્યારે પ્રવાસનાં સાધનોની ઊણપ હતી. ભારે તાપની ઋતુ હતી. શારદામણિ માર્ગમાં પડેલા કષ્ટને લીધે માંદાં પડ્યાં. કહે છે કે આ સમયે મા કાલીએ તેમને દર્શન આપીને અભયદાન કર્યું. રાત્રે નવ વાગ્યે દક્ષિણેશ્વર પહોંચ્યાં. પતિનું પ્રસન્ન મુખ જોતાં અને સ્નેહનીતરતા આવકારના શબ્દો સાંભળતાં શારદામણિનો સઘળો સંતાપ જતો રહ્યો. ‘મારા પતિ સાચે જ પરમેશ્વર છે’ – એ ભાવ ર્દઢ થયો.

પ્રારંભે રામકૃષ્ણે સ્ત્રીસંગ બાધક માની પત્નીથી દૂર રહેવા પ્રયત્ન કર્યો, પણ તરત તેમણે સ્વીકાર્યું કે પત્ની વિના પુરુષ અધૂરો છે. સાધનામાં પત્ની બાધક નથી, સહાયક છે. તેમણે સહસા પૂછી નાખ્યું, ‘‘તું મને સંસારમાં જોતરવા આવી છે ?’’ માએ સણસણતો ઉત્તર સ્વાભાવિક ભાવે આપ્યો, ‘‘ના, હું આપના ઇષ્ટપ્રાપ્તિના કાર્યમાં સહયોગ કરવા આવી છું.’’ રામકૃષ્ણ પ્રસન્ન થયા. તે દિવસથી તેમણે તેમને સદા પોતાની સાથે રાખ્યાં. રામકૃષ્ણનો બીજો ઉદ્દેશ પણ હતો. તે એક એવાં દંપતીનો આદર્શ પ્રસ્તુત કરવા ઇચ્છતા હતા, જે સાંસારિક ઘટમાળમાંથી ઊઠીને દિવ્ય જીવનનો માર્ગ સેવવા પ્રયત્નશીલ હોય. અજ્ઞાનના અંધકારમાં અટવાતી માનવજાતનો તેમાં તેમણે ઉદ્ધાર જોયો. પત્નીના સાથ વિનાનો પુરુષ અધૂરો જણાયો. એક વાર માએ રામકૃષ્ણને પૂછી નાખ્યું, ‘‘તમે મને કેવી ર્દષ્ટિથી જુઓ છો ?’’ રામકૃષ્ણે સ્વાભાવિક ઉત્તર આપ્યો, ‘‘આ જે માતા મંદિરમાં વિરાજમાન છે, તેણે જ મને જન્મ આપ્યો છે અને અત્યારે તમારા રૂપે તે જ મારી પડખે બેઠી છે.’’ ત્યારે પરમહંસની વય છત્રીસ વર્ષ અને માની ઓગણીસ વર્ષ હતી. 1872માં 5મી જૂને રામકૃષ્ણે માની વિધિવત્ પૂજા કરી અને મા શારદામણિમાં કાલીમાતાનું આવાહન કર્યું. કહે છે કે તે દિવસથી મા શારદામણિમાં અલૌકિક પરિવર્તન આવ્યું. 1873માં તે જયરામવાડી માતાને ઘેર આવ્યાં. થોડા સમયમાં પિતાનું નિધન થતાં તેમણે વિધવા માતાને મોટી હૂંફ આપી તથા તેમના નિર્વાહ આદિનો પ્રબંધ કર્યો. આ કષ્ટભરી જીવનચર્યા તેમનું શરીર સહી ન શક્યું. તેઓ માંદાં પડ્યાં. રામકૃષ્ણ પણ માંદા પડ્યા; છતાં બેઉએ આ વાત એકબીજાથી છુપાવી. થોડા સમયમાં મા સ્વસ્થ થઈ ગયાં, પણ રામકૃષ્ણની દશા બગડતી ચાલી. તેમણે કહ્યું, ‘‘તમે જો મને ઈશ્વરની જેમ પૂજશો તો મારો અંત વહેલો આવશે.’’ નિદાનમાં કર્કરોગ કે કૅન્સર જણાયું. શારદામણિદેવી સમાચાર જાણતાં જ દક્ષિણેશ્વર દોડી આવ્યાં. પતિની શુશ્રૂષામાં લાગી ગયાં. રામકૃષ્ણે પોતાને છોડીને દરિદ્રોની સેવા કરવા આગ્રહ સેવ્યો. પતિનો અંત વિકટ જાણી માએ મૌન ધર્યું. 1886ના ઑગસ્ટની 15મીએ રામકૃષ્ણ સ્વધામ ગયા. પતિમાં મા કાલીને નીરખનાર શારદામણિને ઊંડો આઘાત લાગ્યો. તેમણે સૌભાગ્યચિહ્નો કાઢવા માંડ્યાં. ત્યાં જાણે પતિએ પ્રગટ થઈ હાથ ઝાલ્યો, ‘‘આ શું કરે છે ? હું મરી ગયો છું ?’’

થોડા સમય પછી મા તીર્થાટને ગયાં. રામકૃષ્ણના જન્મસ્થળે રહેવા ગયાં. પણ સ્થળ ના સદ્યું. શિષ્યોએ તેમને કોલકાતા બોલાવી લીધાં. ત્યાં લોકોની સાંસારિક, આધ્યાત્મિક સેવા કરતાં માતાજી વિશાળ ભક્તગણને રડતો મૂકી પંચત્વ પામ્યાં.

બંસીધર શુક્લ