મા યૂઆન (કાર્યકાળ : 1190–1225) : ચીની ચિત્રકાર. શિયા કુઈના સહયોગમાં લૅન્ડસ્કેપ ચિત્રકલાની કહેવાતી મા-શિયા શૈલીના સ્થાપક. સધર્ન સુંગ રાજ્યકાળ (1127–1279) દરમિયાન, સુંગ લૅન્ડસ્કેપ ચિત્રણાની ઊર્મિસભર નિરૂપણરીતિની પરાકાષ્ઠા સિદ્ધ કરવાનું શ્રેય મા યૂઆનના ફાળે જાય છે.

તેમનો જન્મ અને ઉછેર જે પરિવારમાં થયો હતો તેમાં તેમની પૂર્વેની 5 પેઢીમાં બધા ચિત્રકારો હતા અને કેટલાક પૂર્વજોએ હેંગ ચો ખાતેની રાજ્યની ચિત્રકલા એકૅડેમીમાં કામગીરી બજાવી હતી.

તેમણે લી તાંગની પરંપરામાં ચિત્રો કરવાની શૈલી અપનાવી. પ્રમાણસરતાને તિલાંજલિ આપતાં સંયોજનો, આકાર-આકૃતિની સાદગી અને સરળતા તેમજ શાહીનો સૂક્ષ્મ તેમ નાજુક માત્રાફેર જેવી લાક્ષણિકતાઓથી વિશિષ્ટ બનેલી ચિત્રશૈલીના તે અગ્રેસર પ્રયોજક હતા. તેમનાં ચિત્રોમાં તે ઊર્મિસભર અને કાવ્યોચિત મનોભાવ આલેખવાનો વિશેષ ઝોક દર્શાવે છે; તેનું લાક્ષણિક ઉદાહરણ તે રેશમ પર આલેખેલું અને સંવેદના જગાવતું ચિત્ર ‘બૅક્વિટ લૅમ્પલાઇટ’. તેમની આ અનોખી ચિત્રશૈલીની લોકપ્રિયતામાં યૂઆન રાજ્યકાળ (1279–1368) દરમિયાન ખાસ્સી ઓટ આવી, પરંતુ પંદરમી સદીના એ ચિત્રશૈલીના ચિત્રકારોએ તેને પુનર્જીવિત કરી હતી અને તે પછીના સમયગાળામાં ઘણા ચિત્રકારોએ તે શૈલી અપનાવી હતી.

મહેશ ચોકસી