માયોગ્લોબિન : સસ્તન પ્રાણીઓના સ્નાયુઓની પેશીમાં આવેલ લાલ રંગનું એક શ્વસનરંજક (respiratory pigments). હીમોગ્લોબિનની જેમ માયોગ્લોબિન પણ લોહ (Fe++) યુક્ત હીમ-અણુ અને પ્રોટીન-અણુનું સંયોજન છે. પરંતુ માયોગ્લોબિનમાં માત્ર એક હીમનો અણુ આવેલો હોય છે અને હીમોગ્લોબિન-અણુના પ્રમાણમાં તેનું વજન અને કદ જેટલું હોય છે.

હીમોગ્લોબિનની જેમ માયોગ્લોબિન પણ ઑક્સિજન સાથે એક અસ્થાયી સંયોજનમાં રૂપાંતર પામે છે.

માયોગ્લોબિન + ઑક્સિજન ⇄ ઑક્સિ માયોગ્લોબિન

સસ્તન પ્રાણીઓના કંકાલતંત્રમાં શ્વેત અને લાલ આમ બે પ્રકારના સ્નાયુતંતુઓ આવેલા છે. લાલ તંતુઓમાં શ્વેત તંતુઓના પ્રમાણમાં માયોગ્લોબિનનું પ્રમાણ અત્યંત વધુ હોય છે.

વ્હેલ પ્રાણીના સ્નાયુતંતુમાં આવેલ માયોગ્લોબીન અણુની પ્રતિકૃતિ : (અ) અણુની સામાન્ય રચના, (આ) બેવડી લીટીઓ (અણુની સર્પિલ રચના દર્શાવે છે અને તે બે સાંકળની બનેલી છે. એક લીટી અણુનો એક જ સાંકળનો બનેલો ભાગ દર્શાવે છે. આંકડા એમિનો એસિડના એકમની સંખ્યા બતાવે છે.

હીમોગ્લોબિનના પ્રમાણમાં માયોગ્લોબિનનું ઑક્સિજન પ્રત્યેનું આકર્ષણ (affinity) વધુ તીવ્ર હોય છે. તેથી સ્નાયુતંતુમાં વહેતા રુધિરમાંથી તે ઑક્સિજનને તરત જ આકર્ષે છે અને તેને સંઘરી રાખે છે. લાલ તંતુઓના સ્નાયુકોષોમાં થતી શ્વસનપ્રક્રિયા દરમિયાન ઑક્સિજનની હાજરીને લીધે સતત, અનાયાસે અને પૂરતા પ્રમાણમાં કાર્યશક્તિ ઉપલબ્ધ થતાં, લાલ સ્નાયુતંતુઓનું સંકોચન લાંબા સમય સુધી સાચવે છે. પરિણામે એકીસાથે વધારે અંતર કાપવામાં લાલ સ્નાયુતંતુઓ અગત્યનો ભાગ ભજવે છે. આથી ઊલટું, શ્વેતતંતુઓનું સંકોચન ઝડપી હોય છે. પરંતુ પૂરતા ઑક્સિજનને લીધે આ સ્નાયુઓ જલદી થાકે છે.

ટૂંકી દોડ જેવા ‘track events’માં શ્વેત તંતુઓ કાર્યરત હોય છે; જ્યારે લાંબી દોડ જેવા ‘marathon events’માં લાલ સ્નાયુ-તંતુઓ કાર્યરત હોય છે. ઉરોદર પટલ (diaphragm), શ્વસનતંત્ર અને શરીરની અંગસ્થિતિ (posture) જાળવવામાં ઉપયોગી તેવા સ્નાયુઓ, માયોગ્લોબિનને લીધે થાકયા વગર સતત/લાંબા સમય સુધી કાર્ય કરતા હોય છે.

મ. શિ. દૂબળે