માહિતી તાંત્રિકી (Information Technology) : માહિતીના પ્રચાર, પ્રસાર અને ઉપયોગ (આપ-લે) સાથે સંકળાયેલ તાંત્રિકી (ટૅકનૉલૉજી). માહિતીની આપ-લે માનવવ્યવહારનું અવિભાજિત અંગ છે. માનવ-વિકાસ સાથે તે ગાઢ રીતે સંકળાયેલ છે. જ્ઞાન અને વિચારો એ વિકાસના હાર્દરૂપ છે અને વિકાસમાં ભૌતિક વસ્તુઓ કરતાં તેનું મહત્વ સતત વધતું રહ્યું છે. સ્થાનિક કે વૈશ્વિક સ્તરની માહિતી સતત મેળવવી અને તેનો અનેકવિધ કાર્યો અને નિર્ણયો લેવામાં ઉપયોગ કરવો એ દરેક વ્યક્તિ, સંસ્થા અને રાજ્ય માટે જરૂરી છે. વળી વિકાસ માટે પણ તે સૌથી સહેલી અને શક્ય બને તેવી વ્યૂહાત્મક બાબત (strategy) છે.
આંકડાકીય તેમજ શાબ્દિક વિગતોમાંથી માહિતી તૈયાર થાય અને માહિતીથી પુષ્ટ થતો તર્ક જ્ઞાન બની રહે. ઉત્પાદકતા તેમજ કાર્યની અસરકારકતા વધારવા માટે માહિતી અને જ્ઞાન જરૂરી છે.
વિકસિત કે વિકાસશીલ દેશોમાં સેવાવિભાગ(service sector)નું રાષ્ટ્રીય ઉત્પાદન(national output)માં પ્રદાન સતત વધતું જાય છે. આનું કારણ એ છે કે કાર્ય કેવી રીતે કરવું, કેવી રીતે માહિતીની અને વિચારોની આપ-લે કરવી, બીજાંની સાથે કેવી રીતે વ્યવહાર રાખવો વગેરે બાબતો બહુ મહત્વની છે. માનવ-ઇતિહાસમાં આર્થિક વિકાસ અને સત્તા વધારવામાં માહિતીજ્ઞાને અગત્યનો ભાગ ભજવ્યો છે, પરંતુ આજે તેનું મૂલ્ય ઘણું વધુ છે. માહિતીજ્ઞાન સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે મોટા અસરકારક પરિબળ તરીકે ઊભરી રહ્યું છે. માહિતી પ્રૌદ્યોગિક વિજ્ઞાન(IT)નો અર્થકારણ (economy) ઉપર એટલો વ્યાપક અને ઝડપી પ્રભાવ પડ્યો છે કે તેને બીજી ઔદ્યોગિક ક્રાંતિ તરીકે ગણવામાં આવે છે. વ્યક્તિ, સમાજ અને દેશના વિકાસ માટે તેને મુખ્ય પરિબળ તરીકે સ્વીકારવામાં આવે છે. IT એ દુનિયામાં આજે સૌથી ઝડપથી વિકસતા તેમજ સૌથી મોટા વૈશ્વિક સ્તરના ઉદ્યોગ તરીકે નામાંકિત છે. ITની રોજગારી, વ્યક્તિની કુશળતા, ઉત્પાદકતા, અન્વેષણ જેવી બાબતો કે જે આર્થિક વિકાસ સાથે સંકળાયેલ છે, તેના પર ઘણી વિધાયક અસર પડે છે અને તે કારણે તેને વ્યૂહાત્મક (strategic) ઉદ્યોગ ગણવામાં આવે છે.
નવી વૈશ્વિક આર્થિક રચનામાં ભૌતિક પદાર્થોમાંથી અભૌતિક પદાર્થો (intengible) તરફનો ઝોક એ મોટી બાબત છે અને તે ITને આભારી છે. તેમાં ચાવીરૂપ બાબતો તે ‘સૉફ્ટવેર’, ‘હાર્ડવેર’, ‘પેરિફેરલ્સ’, ‘ટ્રેનિંગ’ અને ‘નેટવર્કિંગ’ મુખ્ય છે. આ બધાંમાં ‘સૉફ્ટવેર’ સૌથી અગત્યનું છે, કારણ કે તે બધી પ્રક્રિયાઓ માટેનું મોટું ચાલકબળ છે. માહિતી પ્રૌદ્યોગિક વિજ્ઞાનમાં કમ્પ્યૂટરનો ઉપયોગ થાય છે. માટે શરીરમાં જેટલું મગજનું તેટલું જ કમ્પ્યૂટર-કાર્યમાં સૉફ્ટવેરનું મહત્વ છે. માહિતીનો પ્રસાર, માહિતીવિશ્લેષણ, માહિતી-નિરૂપણનું સ્વરૂપ વગેરે કાર્ય તે માટેના ખાસ તૈયાર કરાયેલ સૉફ્ટવેરથી થાય છે. આ માટે જ સૉફ્ટવેર તૈયાર કરવો એ મોટો ઉદ્યોગ બની રહ્યો છે. આ એવો ઉદ્યોગ છે જ્યાં કોઈ કાચા માલ પર ક્રિયાઓ કરી વસ્તુ તૈયાર થતી નથી; પરંતુ વ્યક્તિ પોતાની બુદ્ધિશક્તિ વડે ‘તર્કસંગતતાનું માળખું’ તૈયાર કરે છે, જેના દ્વારા ચોક્કસ ક્રમમાં સૂચનાઓ આપવામાં આવે છે. કમ્પ્યૂટર સાથે જોડાયેલાં ઉપકરણો આવી સૂચના મુજબ કામ કરે છે અને છેવટે માહિતીનું તે પ્રમાણે પ્રસારણ, વિશ્લેષણ અને નિરૂપણ થાય છે.
માહિતીની આપ–લે માટે વપરાતી પ્રૌદ્યોગિક રીતો અને સાધનો : (1) ઇલેક્ટ્રૉનિક મેઇલ (ઈ-મેઇલ) : ઈ-મેઇલે માહિતી આપ-લેમાં મોટી ક્રાંતિ સર્જી છે. તે પ્રમાણમાં સરળ, સોંઘી અને ઝડપી છે અને તેથી ઑફિસો તેમજ ઘરમાં તેનો ઉપયોગ ખૂબ વધ્યો છે. આ રીતમાં (ઈ-મેઇલમાં) હકીકતે એક કમ્પ્યૂટરની ફાઇલ બીજા કમ્પ્યૂટરમાં મોકલવામાં આવે છે, મેઇલ કરવામાં આવે છે અને તે રીતે ફાઇલમાં રહેલો સંદેશો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. ઇન્ટરનેટ સર્વિસની માફક અહીં પણ ગ્રાહક-વિતરક અભિગમ (client-server paradigm) વપરાય છે, જેમાં એક મોટું કમ્પ્યૂટર વિતરક(server)નું કામ કરે છે. ગ્રાહકોનાં કમ્પ્યૂટરો આ વિતરક સાથે જોડાયેલ હોય છે. વિતરક કમ્પ્યૂટર જે તે ફાઇલ (સંદેશો) એક ગ્રાહક પાસેથી લઈને બીજાને મોકલાવી આપે છે. એટલે કે સંદેશાની આપ-લે કરવા ઇચ્છનાર બે કમ્પ્યૂટરોને જોડી આપે છે. બધા ગ્રાહક કમ્પ્યૂટરોને વિતરક કમ્પ્યૂટરમાં પોતાનાં ખાતાં હોય છે. આ ખાતાં જે તે નામથી નિશ્ચિત થાય છે. આ ખાતાનું નામ એટલે ઈ-મેઇલ એડ્રેસ કહેવાય. ઈ-મેઇલ-એડ્રેસમાં ખાતેદાર(વપરાશકાર)નું નામ @ કમ્પ્યૂટર-નેટવર્ક. દા.ત., [email protected] ઈ-મેઇલ એડ્રેસ હોય તો વપરાશકારક Umang છે, જેને hotmail.com કમ્પ્યૂટર(વિતરક–server)માં ખાતું છે.
દરેક ઈ-મેઇલ સર્વિસ બે ‘પ્રોટોકૉલ’નો ઉપયોગ કરે છે : Simple Mail Transfer Protocol (SMTP) કે જે મેઇલ (ફાઇલ) મોકલવામાં વપરાય છે, જ્યારે Post Office Protocol (POP), જેનો ઉપયોગ મેઇલ-બૉક્સમાં રાહ જોતી મેઇલ(ફાઇલ)ને પકડવા (લઈ આવવા) માટે થાય છે. વ્યક્તિગત ધોરણે ઈ-મેઇલ માટે વપરાતા પ્રોગ્રામોને ‘ઈ-મેઇલ ક્લાયન્ટ’ કહેવાય છે. ઈ-મેઇલ ક્લાયન્ટમાં ‘Eudora’, ‘MS Outlook Express’, ‘MS Outlook’ અને ‘Pegarus’ પ્રોગ્રામો જાણીતા છે; જે માત્ર લખાણ (text message) મોકલાવવા માટે વપરાય છે. જોકે હવે તો લખાણ ઉપરાંત ચિત્રો, વીડિયો, અવાજ વગેરે ‘Multipurpose Internet Mail Extensions’નામની ટૅકનૉલૉજી (MIME) દ્વારા ઈ-મેઇલ કરી શકાય છે. outlook express પ્રકારના પ્રોગ્રામ વડે e-mail લખાણ (text) સાથે ર્દશ્યો તેમજ અવાજ પણ મોકલાવી શકાય છે. મિત્રને જન્મદિન-વધાઈકાર્ડ સાથે ગીત-સંગીત પણ મોકલી શકાય છે.
(2) ઇન્ટરનેટ (Internet) : માહિતીની આપલે માટે કમ્પ્યૂટરોનું અરસપરસ જોડાણ એટલે ઇન્ટરનેટ. વેપાર-ઉદ્યોગ માટે જરૂરી વિગતો મેળવવા, આપ-લે કરવા ઇન્ટરનેટનો મોટા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. ઇન્ટરનેટે આ ક્ષેત્રે મોટી ક્રાંતિ સર્જી છે તેમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. નવા નવા ઉદ્યોગો અને નવા નવા ઢાંચાઓ (models) દરેક જગ્યાએ દરરોજ તૈયાર થઈ રહ્યા છે. વેપાર-ધંધો કરવાની રીતમાં, માહિતીની આપ-લેમાં, કોઈ પણ પ્રકારની માહિતી મેળવવામાં ઇન્ટરનેટ દ્વારા જબરદસ્ત ફેરફારો થઈ રહ્યા છે. દુનિયાના કોઈ પણ ખૂણે રહેલ કોઈ પણ પ્રકારની માહિતી સહેલાઈથી મળી શકે છે. આની લાંબા ગાળાએ માનવજાતની જીવનની રહેણી-કરણી, ધંધો કરવાની રીત, માહિતીની આપ-લેની રીત ઉપર મોટી અસર થશે. ત્વરિત માહિતી આપ-લેને લીધે નિર્ણય લેવામાં પણ વિલંબ ઘટશે, માહિતી-ચોકસાઈ વધશે અને સમગ્રતયા તેની અસર કાર્યપદ્ધતિ, કાર્ય-અસરકારકતા અને કાર્યક્ષમતા પર થશે અને છેવટે આર્થિક વિકાસ થશે.
દુનિયામાં ઇન્ટરનેટ જોડાણોમાં જબરદસ્ત વધારો થઈ રહ્યો છે.
* વર્ષ 1995માં 40 મિલિયન જોડાણો હતાં, તેની સામે આજે (2001) 300 મિલિયન જોડાણો છે.
* દર વર્ષે 1,50,000 જોડાણો વધી રહ્યાં છે.
* વર્ષ 1999માં 3.6 મિલિયન વેબ-જોડાણો હતાં, જેમાં દર વર્ષે 4,000નો વધારો થતો જાય છે.
* વર્ષ 1999ના અંતે 1,500 મિલિયન વેબ-પેજ હતાં તે સામે આજે (2001) દરરોજના 1.9 મિલિયન ઉમેરાઈને બે વર્ષમાં 8000 મિલિયન વેબ-પેજ થઈ ગયાં છે. વૈશ્વિક સ્તરે ઇન્ટરનેટ સૌથી ઝડપી ગતિએ વધતું લોક-માહિતી-માધ્યમ છે. 50 મિલિયનનો આંકડો વટાવતાં રેડિયોને 30 વર્ષ, ટેલિવિઝનને 12 વર્ષ અને ઇન્ટરનેટને માત્ર 4 વર્ષ લાગ્યાં.
* વર્ષ 2005માં વૈશ્વિક ઇન્ટરનેટ વ્યાપાર $ 28,00,000 મિલિયને પહોંચશે અને તે વિશ્વનો ત્રીજા ક્રમનો મોટામાં મોટો વ્યાપાર હશે.
* નવી convergence technologyને લીધે ઇન્ટરનેટનો ઉપયોગ વધશે. તે દ્વારા ઇન્ટરનેટ, ટેલિફોન, ટી.વી., ફૅક્સ વગેરે એક જ જોડાણથી વાપરી શકાશે અને પાણી, વીજળી, ગૅસ વગેરેની જેમ ઇન્ટરનેટ સહજ વપરાશી ચીજ બની જશે.
ઇન્ટરનેટ દ્વારા ઘેરબેઠાં દુનિયાભરની કોઈ પણ માહિતી સહેલાઈથી અને જરૂરિયાત પ્રમાણે મળી શકે છે. ઇન્ટરનેટે સ્થળ, સમય અને સમાજનાં બંધનો તોડી નાખ્યાં છે. ઘેરબેઠાં માત્ર માહિતી નહિ, પરંતુ અનેકવિધ સંસ્થાઓ સાથે સંકળાઈને અભ્યાસ અને ચર્ચા પણ કરી શકાય છે.
(3) ઇ-બિઝનેસ (e-business or e-biz) : આ પ્રવૃત્તિ પણ ઇન્ટરનેટ અને ઈ-મેઇલ પ્રકારની છે. તેના દ્વારા ખરીદી-વેચાણ, બિલ-ચુકવણી, ટેન્ડર-પૂછપરછ, ટેન્ડર ભરવાં, ભાવની આપ-લે, વસ્તુ-સાધનની જાણકારી (euqipment specification) જેવી વ્યાપારની માહિતીને લગતી અનેક પ્રકારની કાર્યવહી કરી શકાય છે.
ઈ-બિઝનેસના ચાર મુખ્ય પ્રકારો છે : (i) ‘બિઝનેસ ટુ બિઝનેસ’ (B to B) : આ રીતમાં એક વ્યાપારી વસ્તુ કે સેવા (dupplies or service) માટે માંગણી (order) મુકાય છે. બંનેનાં કમ્પ્યૂટરો જોડાય છે અને ઘણી વખતે તો અગાઉ મુકાયેલ પ્રોગ્રામને લીધે કમ્પ્યૂટરો જ નિર્ણય લઈ કામ પૂરું કરે છે. ઈ-બિઝનેસ દ્વારા થતા કુલ વ્યાપારમાં 80% વ્યાપાર B 2 B રીતથી જ થાય છે.
(ii) ‘બિઝનેસ ટુ કન્ઝ્યુમર’ (B 2 C) : આ રીતમાં ઉત્પાદક કે વેપારી પોતાનો માલ ઉપભોક્તા પાસે ઇન્ટરનેટ દ્વારા મૂકે છે. પોતાના માલની કિંમત, ગુણવત્તા તેમજ અન્ય વિગતો આપેલી હોય છે. ઉપભોક્તા આ વિગતથી ખરીદી અંગે નિર્ણય લે છે. વેપારી જેમ દુકાનમાં પોતાનો માલ કિંમત દર્શાવી રાખે છે તેમ તે ઇન્ટરનેટ દ્વારા 24 કલાક ગ્રાહક સામે, પોતાના માલની બધી વિગત રજૂ કરે છે. B 2 C રીત વેચનારને માટે પોતાના માલની જાહેરાત માટેનું અસરકારક સાધન બની રહે છે.
(iii) કન્ઝ્યુમર ટુ બિઝનેસ (C 2 B) : અહીં ગ્રાહક પોતાને જે વસ્તુ (કે સેવા) જેટલી કિંમતે જોઈએ છે તે વિગત સાથે ઇન્ટરનેટ દ્વારા priceline.com,ebay.com જેવી કોઈ ‘ડૉટ કૉમ’ કંપની પાસે જાય છે. આ ડૉટ કૉમ દ્વારા વસ્તુ કે સેવા આપનાર કંપની(સંસ્થા)નો સંપર્ક સધાય છે અને ગ્રાહકને કોણ આપી શકશે તેની જાણ થાય છે. રેલવે/ઍર લાઇનબુકિંગ, હોટલ-બુકિંગ, કોઈ ખાસ વસ્તુ અમુક ચોક્કસ ભાવે મેળવવી વગેરે કામો આ રીતથી થાય છે.
(iv) કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર (C 2 C) : આ ‘auction house’નું એક પ્રકારનું ‘cyber version’ છે. વેચનાર વ્યક્તિ જે તે માલ કે સેવાની વિગત જણાવે છે અને તેની અપેક્ષિત કિંમત પણ દર્શાવે છે અને જેને રસ હોય તેવી વ્યક્તિ માંગણી કરે તેની રાહ જુએ છે.
ઈ. બિઝનેસમાં કોઈ પત્રવ્યવહાર કે કાગળ પર લખાણ થતું નથી. વળી જે માહિતી આપવાની હોય તે ખૂબ ઝડપી હોઈ ઈ-બિઝનેસ બહુ ઝડપી બને છે. સમય અને પૈસાનો વ્યય થતો નથી. બધું on-line થાય છે. દુનિયાભરમાંથી સારો અને કિફાયત ભાવવાળો વિક્રેતા ખોળી શકાય છે. નેટ (ઇન્ટરનેટ) એ ખરીદનારાઓનું સ્વર્ગ (net is shopper’s heaven) કહેવાય છે. કારણ કે આ રીતમાં લેનાર વેચનારના સીધા સંપર્કમાં આવે છે. વચેટિયાઓ નીકળી જાય અને એ રીતે માલ સસ્તો મળે. બહુ નજીકના ભવિષ્યમાં મોબાઇલ કૉમર્સ (m-commerce) શરૂ થશે; જેમાં મોબાઇલ ફોન ઉપર જાહેરાત, ભાવ-તાલ, વેચાણ શરૂ થશે.
ઇન્ફર્મેશન ટૅકનૉલૉજી – ભારતને વિજય અપાવતો ઉદ્યોગ :
(1) છેલ્લાં ઘણાં વર્ષોમાં ભારતમાં IT ઉદ્યોગે જેટલો સાતત્યપૂર્ણ વિકાસદર આપ્યો છે તેટલો બીજા કોઈ ઉદ્યોગે આપ્યો નથી. આ ઉદ્યોગની વાર્ષિક ઊપજ (revenue) વર્ષ 1994–95માં જે રૂ. 6,345 કરોડ હતી તે વધીને વર્ષ 1999–2000માં આશરે રૂ. 35,700 કરોડ થઈ. ભારતીય IT ઉદ્યોગમાં વિકાસલક્ષી સૉફ્ટવેર એ એનું મોટું જમા પાસું છે. દેશના સમગ્ર IT ઉદ્યોગમાં નિકાસ થતા સૉફ્ટવેરનો ફાળો તે 1994–95માં 41 % હતો તે 1999–2000માં 70 % થયો. વર્ષ 1990–99ના ગાળા દરમિયાન તેનો 50 % વિકાસદર એ વિશ્વના ઘણા બધા દેશોની સરખામણીમાં ઊંચો ગણાય.
સૉફ્ટવેર તેમજ ઇલેક્ટ્રૉનિક ડેટા-પ્રોસેસિંગ ક્ષેત્રમાં વર્ષ 1999–2000માં આશરે 3,00,000 તજ્જ્ઞો કામ કરે છે. વિશ્વમાં અમેરિકા પછી બીજા ક્રમે ભારત છે, જ્યાં આટલી સંખ્યામાં કમ્પ્યૂટર સૉફ્ટવેર ક્ષેત્રમાં તજ્જ્ઞો કામ કરતા હોય. સૉફ્ટવેરના વિકાસ માટે ભારત એક મહત્વના દેશ તરીકે નામના કાઢી રહ્યો છે. વર્ષ 1998–99માં Fortune 1000 કંપનીઓમાંથી 200 કંપનીઓએ (જેમાં અમેરિકન એક્સપ્રેસ, સિટી બક, મૉર્ગન સ્ટેનલે, વૉલ-માર્ટ, જનરલ ઇલેક્ટ્રિક, જનરલ મોટર્સ વગેરેનો સમાવેશ થાય છે તે) ભારતમાંથી સૉફ્ટવેર ખરીદેલ છે. સૉફ્ટવેર ક્ષેત્રની આઇ. બી. એમ., માઇક્રોસૉફ્ટ, નૉવેલ, ઑરેકલ, કમ્પ્યૂટર એસોસિયેટ્સ, એટી ઍન્ડ ટી, મોટો રોલા જેવી દુનિયાની મોટી કંપનીઓએ ભારતમાં પોતાનાં ડેવલપમેન્ટ-સેન્ટરો ખોલ્યાં છે. દુનિયાની 19માંથી 12 કંપનીઓ કે જેઓએ SEI-CMM Level 5 મેળવ્યું છે (કે જે સૉફ્ટવેરમાં ગુણવત્તાનું સર્વોચ્ચ સ્તર ગણી શકાય), તે ભારતમાં આવેલી છે. બીજી બાબતો ગણીએ તો :
* ‘સિલિકન વેલી’(દુનિયાનું હાઈ-ટેક ક્ષેત્રે હાર્દરૂપ સ્થળ)ની 25 %થી વધુ કંપનીઓના પુરસ્કર્તા (start-ups) ભારતીયો છે.
* સિલિકન વેલીની હાઈ-ટેક ક્ષેત્રની 40 % જેટલી જગ્યાઓ પર ભારતીય અમેરિકન નાગરિકો છે.
* માઇક્રોસૉફ્ટના 35 %, આઇ. બી. એમ.ના 28 %, સીસકોના 25 %, અને ઇન્ટેલના 17 % તજ્જ્ઞો ભારતીય છે.
* અમેરિકામાં ICની વ્યાખ્યા Integrated Circuitsની જગ્યાએ Indians and Chinese એમ થાય છે!
* IT ઉદ્યોગને પ્રોત્સાહિત કરી તેના દ્વારા ભારતના ઔદ્યોગિક અને આર્થિક વિકાસમાં હરણફાળ ભરવી એ બાબત રાષ્ટ્રીય એજન્ડામાં મહત્વની છે અને તે કારણે IT ઉપર વિશેષ ભાર મુકાઈ રહ્યો છે.
* વિદ્યાર્થીઓ/યુવાનો પોતાની કારકિર્દીમાં કમ્પ્યૂટર અને સૉફ્ટવેરને વિશેષ મહત્વનું ગણે છે.
* વર્ષ 1998થી ઇન્ટરનેટ-ક્ષેત્રે પણ ભારતે સારો વિકાસ સાધ્યો છે, કારણ કે 2001ના વર્ષથી ‘ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડ’ (ISP) માટે ખાનગી ક્ષેત્ર ખુલ્લું મુકાયું છે. વર્ષ 2000માં 300થી વધુ ISPOને ઇન્ટરનેટ સર્વિસ આપવા માટે પરવાના અપાયા છે. એશિયા-પૅસિફિક ક્ષેત્રમાં વર્ષ 1999માં ઇન્ટરનેટ વપરાશકારોમાં થયેલ વૃદ્ધિદરમાં ભારત મોખરે છે. વર્ષ 2000ની ગણતરીએ ઇન્ટરનેટ વાપરનારાઓની સંખ્યા 12 લાખથી વધુ છે, તેમ છતાં આંકડાની ર્દષ્ટિએ જોઈએ તો માત્ર 0.1 % લોકો જ ઇન્ટરનેટ વાપરે છે અને દુનિયામાં ઇન્ટરનેટ વાપરનારાઓમાં ભારતના લોકોની સંખ્યા માત્ર 0.4 % છે. ભારતમાં ઇન્ટરનેટના ઉપયોગને અવરોધતાં બળો ઘણાં છે :
* ટેલિફોન અને કમ્પ્યૂટરનો ઉપયોગ હજુ પણ મર્યાદિત છે : અનુક્રમે 2 % અને 0.4 % છે.
* ‘બૅન્ડવિડ્થ’ ઘણી ટૂંકી છે. ભારતની 32.5 gbps છે, જ્યારે ચીનમાં 55 gbps છે.
* ક્રેડિટ-કાર્ડનો ઉપયોગ ઓછો છે.
* ભારતીય ભાષામાં ઇન્ટરનેટ સર્વિસ બહુ મર્યાદિતપણે છે.
* ઇન્ટરનેટમાંથી જુદાં જુદાં ક્ષેત્રની પ્રજાને ઉપયોગી થાય તેવી માહિતી બહુ ઓછી મળી રહે છે.
આ બધી મર્યાદાઓને પહોંચી વળવા અનેકવિધ કાર્યવહી થઈ રહી છે. કેબલ દ્વારા નેટ(Net over-cable)નું કામ મોટા પાયે શરૂ થયું છે. આનાથી વધુ મોટી (પહોળી) ‘બૅન્ડવિડ્થ’ મળી રહેશે, જે કારણે ડાયલ-અપ સુવિધા કરતાં 1000 ગણી ઝડપથી કામ થશે અને 24 કલાક સેવા ઉપલબ્ધ થશે. સૌથી અગત્યની બાબત એ બનશે કે પર્સનલ કમ્પ્યૂટર(PC)ને બદલે ટીવીમાં સેટ-બૉક્સ મૂકી ટીવી દ્વારા ઇન્ટરનેટનો ઉપયોગ થઈ શકશે. દેશમાં બધાં મોટાં શહેરોમાં કેબલ દ્વારા ઇન્ટરનેટ જોડાણો મળી રહે તે માટે મોટા પાયે ખાનગી ક્ષેત્રે કામ થઈ રહ્યું છે. NASSCOM દ્વાર થયેલ સર્વેક્ષણ પ્રમાણે ભારતમાં વર્ષ 2002માં 1 કરોડ અને વર્ષ 2003માં 1.8 કરોડ વ્યક્તિઓ ઇન્ટરનેટનો ઉપયોગ કરતી થઈ ગઈ હશે. ઇન્ટરનેટ અને ઈ. બિઝનેસમાં વર્ષ 2001માં 90,000થી વધુ વ્યક્તિઓ કામ કરે છે તે વર્ષ 2003માં 5 લાખથી પણ વધુ થઈ જશે.
મેકેન્સીએ તૈયાર કરેલ રિપૉર્ટ પ્રમાણે ભારતનું E-biz ચિત્ર નીચે પ્રમાણે છે :
વર્ષ 2004 | વર્ષ 2008 | |
B 2 B વ્યાપાર | $ 1100mથી 3500m | $ 4600mથી 10,400m |
B 2 B વ્યાપાર | $ 225mથી 475m | $ 900mથી 2500m |
જાહેરખબર | $ 70mથી 190m | $ 180mથી 500m |
$ 1400થી 4200 (Rs. 5600 Cr. to 16,600 Cr.) | $ 5700થી 13,400m (Rs. 22,800 Cr.થી 53,600 Cr.) |
IT આધારિત સેવાક્ષેત્રોમાં આ ક્ષેત્રોને મહત્વનાં ગણાવી શકાય : કૉલ-સેન્ટર (call centres), મેડિકલ ટ્રાન્સ્ક્રિપ્શન, ડેટા-પ્રોસેસિંગ – ડેટા-ડિજિટાઇઝેશન, બૅન્ક/ઑફિસ-કાર્યો, વેબ-ડેવલપમેન્ટ, ઍનિમેશન અને ઑન-લાઇન એજ્યુકેશન.
21મી સદીમાં માહિતી પ્રૌદ્યોગિક ક્ષેત્રે ભારતના અર્થકારણમાં મોટું ‘ચાલક યંત્ર’ (growth engine) બની રહેશે. ભારત IT-આધારિત સેવાક્ષેત્રમાં ખાસ પ્રદાન કરી શકે તે માટે અમુક કારણો છે :
(1) અંગ્રેજી વાંચી, લખી, સમજી શકે એવો મોટો ભણેલ વર્ગ છે, જે પ્રમાણમાં તેટલા જ સ્તરના વિકસિત દેશોની વ્યક્તિઓ કરતાં પ્રમાણમાં ઓછા ખર્ચે ઉપલબ્ધ છે.
(2) વિશ્વની IT-આધારિત સેવાક્ષેત્રનું બજાર અમેરિકા છે અને ભારત-અમેરિકા વચ્ચે સમયગાળો (time zone) 12 કલાકનો છે, જે માહિતી આપ-લે માટે ખૂબ ફાયદારૂપ છે.
(3) ભારતે સૉફ્ટવેર-ક્ષેત્રે વૈશ્વિક સ્તરે નામના મેળવી છે, જે કારણે આ ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે સારું કામ મળી શકે છે.
‘નાસ-કોમ’ (NASSCOM) દ્વારા થયેલ મોજણી (survey) મુજબ 2000 સુધીમાં ભારતનું IT ક્ષેત્રમાં ચિત્ર નીચે મુજબ રહેશે :
* આ ક્ષેત્રમાં રૂ. 36,000 કરોડનો વ્યાપાર (revenue) થશે, જે વર્ષ 1998માં રૂ. 480 કરોડનો હતો.
* આ ક્ષેત્રને લીધે રાષ્ટ્રીય માથાદીઠ ઉત્પાદન(GDP)માં 7.5 % વધારો મળશે.
* સમગ્ર નિકાસના 35 % આ ક્ષેત્રના હશે, જે 1995 –96માં 2.5 % અને 1999–2000માં 10.5 % હતા.
* આશરે 22 લાખ વ્યક્તિઓ આ ક્ષેત્રમાં કામ કરતી હશે.
* આ ક્ષેત્રમાં market capitalization આશરે રૂ. 90,000 કરોડ થશે, કે જે વર્ષ 1999–2000નું સમગ્ર દેશની બજાર-મૂડી કિંમત છે.
ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ