માસેરુ : દક્ષિણ આફ્રિકામાં આવેલા લેસોથો દેશનું પાટનગર તથા એકમાત્ર શહેરી સ્થળ. ભૌગોલિક સ્થાન : 29° 15´ દ. અ. અને 27° 31´ પૂ. રે. તે લેસોથોની વાયવ્યમાં દક્ષિણ આફ્રિકી પ્રજાસત્તાક ઑરેન્જ ફ્રી સ્ટેટની સરહદ નજીક કેલિડૉન નદીના ડાબા કાંઠા પર વસેલું છે. બાસોથો (અથવા સોથો; જૂનું બાસુટોલૅન્ડ) રાષ્ટ્રના વડા મશ્વેશ્વે (મોશેશ) પહેલાએ થાબા બોસિઉના પર્વત નજીક 1869માં આ નગરની સ્થાપના કરેલી. માસેરુ તેની આજુબાજુનાં દક્ષિણ આફ્રિકાનાં શહેરો સાથે રેલમાર્ગથી જોડાયેલું છે. રેલમાર્ગની સગવડને કારણે અહીં આજુબાજુના પ્રદેશમાં ઉત્પન્ન થતી ખેતપેદાશોની હેરફેર માટે, વેપાર તેમજ મજૂરોની અવરજવર માટે ખૂબ અનુકૂળતા પડે છે. તે વહીવટી વડું મથક હોવા ઉપરાંત વેપારી મથક અને હીરા પર કરવામાં આવતી પ્રક્રિયાઓનું કેન્દ્ર બની રહેલું છે. વળી તે બ્લોમકોંટેન, જોહાનિસબર્ગ તથા લેસોથોના પર્વતીય પ્રદેશો સાથે સડકમાર્ગે અને હવાઈ માર્ગે જોડાયેલું છે.

આ શહેરમાં હાઈકૉર્ટની તથા નૅશનલ એસેમ્બ્લીની ઇમારતો આવેલી છે. 19મી સદીની કેટલીક ઇમારતો હજી આજે પણ જોવા મળે છે. આ ઉપરાંત અહીં રેડિયોમથક, હૉસ્પિટલ, સ્થાનિક કલાઓ અને હસ્તકારીગરીની કલાત્મક ચીજવસ્તુઓની જાણકારી આપતી ટૅકનિકલ ટ્રેનિંગ સ્કૂલ તથા 1955માં સ્થપાયેલી લેસોથો કૃષિવિષયક કૉલેજ પણ આવેલી છે. માસેરુથી અગ્નિકોણમાં 24 કિમી. અંતરે આવેલા રોમા (Roma) ખાતે લેસોથોની નૅશનલ યુનિવર્સિટી(સ્થાપના : 1975)નું સ્થળ આવેલું છે.

હસ્તકલા કેન્દ્ર, માસેરુ

માસેરુના મોટાભાગના નિવાસીઓ આફ્રિકી અશ્વેતો છે. તેઓ સોથો (Sotho) નામથી ઓળખાય છે. અન્ય લોકોમાં યુરોપિયનો અને દક્ષિણ આફ્રિકામાંથી આવીને વસેલા અશ્વેત નિરાશ્રિતો છે. 1992 મુજબ માસેરુની વસ્તી આશરે 3,67,000 જેટલી છે.

ગિરીશભાઈ પંડ્યા