માસીન, લેયોનીડ (જ. 8 ઑગસ્ટ 1895, મૉસ્કો; અ. 15 માર્ચ 1979) : રશિયાના નામી નૃત્યનિયોજક. એક લાક્ષણિક નર્તક તેમજ નૃત્ય-નિયોજક તરીકે તેઓ વિશ્વવ્યાપી ખ્યાતિ પામ્યા. નૃત્યની તાલીમ તો તેમણે પીટર્સબર્ગ ખાતેની મૉસ્કો ઇમ્પીરિયલ બૅલે સ્કૂલમાં લીધી હતી, પરંતુ નિપુણ કલા-કસબી તરીકે તેમની કારકિર્દી તેજસ્વી ન હતી અને નૃત્યક્ષેત્રનો ત્યાગ કરી તેઓ અભિનયક્ષેત્રે જવાની તૈયારીમાં હતા; ત્યાં જ સર્જ ડિયેજિલેફે ફૉકિન-રચિત ‘લિજેન્ડ દ જૉસેફ’માં તેમને પ્રમુખ ભૂમિકા સોંપી; તેમણે 1914માં પૅરિસમાં એ ભૂમિકામાં એવી નિષ્ઠા અને તન્મયતાથી નર્તન રજૂ કર્યું કે તેઓ એકદમ ખ્યાતનામ બની ગયા. 1915માં તેમણે ડિયેજિલેફના માર્ગદર્શન હેઠળ ‘સૉલેલ દ ન્યૂટ’ નામક સર્વપ્રથમ બૅલે તૈયાર કર્યું, 1917માં ‘ધ ગુડ-હ્યૂમર્ડ લેડિઝ’ તથા ‘પરેડ’ના નિર્માણ દ્વારા એક નામાંકિત નૃત્ય-નિયોજક તરીકે નામના કાઢી. બે વર્ષ પછી ‘ધ થ્રી-કૉર્નર્ડ હૅટ’ અને ‘ધ ફૅન્ટૅસ્ટિક ટૉયશૉપ’ તેથીય વિશેષ ખ્યાતિ પામ્યાં. 1921માં તેઓ ‘બૅલેઝ રુસે દ સર્ગ ડિયેજિલેફ’માંથી છૂટા પડ્યા અને 1925થી 1928 દરમિયાન પ્રસંગોપાત્ત, તેમાં પાછા પણ ફરતા રહ્યા. 1933થી 1938 દરમિયાન, તેઓ કર્નલ ડબ્લ્યૂ. દ બેસિલની સંસ્થામાં મુખ્ય નૃત્ય-નિયોજક અને બૅલેના પ્રમુખ નિયામક બની રહ્યા. 1938થી 1941 દરમિયાન તેમણે બૅલે રુસ દ મૉન્ટે કાર્લોમાં એ જ પદ પર કાર્યભાર સંભાળ્યો. આ સમગ્ર ગાળા દરમિયાન, પશ્ચિમી યુરોપ તથા અમેરિકા સમસ્તમાં એક સૌથી મેધાવી નૃત્ય-નિયોજક તરીકે છવાઈ રહ્યા. ચાઇકૉવસ્કી, બ્રામ્ઝ, બેરિલૉઝ, બીથોવન, શૉસ્તકોવિચ તથા શુબર્ટ જેવા નામી સર્જકોની રચનાઓ પરથી સંગીતબદ્ધ બૅલેનાટિકાઓ રજૂ કરીને તેઓ બહોળી કીર્તિ કમાયા.

બીજા વિશ્વયુદ્ધ પછી તેમની ખ્યાતિમાં ભારે ઓટ આવી. તેમની જૂજ રચનાઓ જ નૃત્યક્ષેત્રે જળવાઈ રહે તેમ લાગે છે. અલબત્ત, મૌલિક તેમજ હાસ્યરસિક રચનાઓના સર્જક તરીકે બૅલેના ઇતિહાસમાં તેમનું નામ અને સ્થાન અફર છે.

મહેશ ચોકસી