માસ્કિન, એરિક સ્ટાર્ક

January, 2002

માસ્કિન, એરિક સ્ટાર્ક (જ. 12 ડિસેમ્બર 1950, ન્યૂયૉર્ક સિટી, ન્યૂયૉર્ક) : વર્ષ 2007ના અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારના સહવિજેતા અમેરિકન અર્થશાસ્ત્રી. યહૂદી માતાપિતાના સંતાન. ન્યૂજર્સીમાં ઉછેર. ત્યાંથી 1968માં સ્નાતકની પદવી મેળવી. ત્યાર બાદ અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં ગણિતશાસ્ત્રમાં એ.બી.ની પદવી તથા પ્રયુક્ત ગણિતશાસ્ત્રમાં ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. 1976માં તેઓ અમેરિકાની કેમ્બ્રિજ યુનિવર્સિટીની જિસસ કૉલેજમાં રિસર્ચ ફેલો તરીકે જોડાયા. 1977–84ના ગાળામાં તેમણે મૅસેચ્યૂસેટસ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી(MIT)માં તથા 1985–2000ના ગાળામાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં અધ્યાપનકાર્ય કર્યું. વર્ષ 2000માં તેઓ પ્રિન્સ્ટનની ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઍડવાન્સ્ડ સ્ટડીઝમાં જોડાયા.

એરિક સ્ટાર્ક માસ્કિન

માસ્કિનોએ અર્થશાસ્ત્રના સિદ્ધાતોનાં વિવિધ પાસાંઓમાં અધ્યયન, અધ્યાપન અને સંશોધન કર્યું છે; જેમાં ઇકૉનૉમિક્સ ઑવ્ ઇન્સેન્ટિવ્ઝ અને કૉન્ટ્રૅક્ટ થિયરીનો પણ સમાવેશ થાય છે. તેમના 2008ના વર્ષના સંશોધન-પ્રકલ્પોમાં સામાન્ય ચૂંટણીઓના નિયમોનું તુલનાત્મક અધ્યયન, આર્થિક વિષમતાનાં કારણો તથા રાજકીય જોડાણોનો સમાવેશ થાય છે. તેઓ અમેરિકન અકાદમી ઑવ્ આર્ટ્સ ઍન્ડ સાયન્સીઝ, ઇકૉનૉમેટ્રિક સોસાયટી તથા યુરોપિયન ઇકૉનૉમિક ઍસોસિયેશનના ફેલો તથા બ્રિટિશ અકાદમીના કૉરસ્પૉન્ડિંગ ફેલો છે. વર્ષ 2003માં તેમની ઇકૉનૉમેટ્રિક સોસાયટીના અધ્યક્ષપદે વરણી થઈ હતી.

સૉફ્ટવેર પેટન્ટ્સના ક્ષેત્રમાં તેમણે કરેલ સંશોધન અને તેના પર આધારિત તેમની વિચારસરણી સર્વત્ર પ્રચલિત થઈ છે. તેમની એવી દલીલ છે કે સૉફ્ટવેર ક્ષેત્રમાં પેટન્ટ્સ આપવાથી પ્રગતિને પ્રોત્સાહન મળવાને બદલે પ્રગતિ રૂંધાય છે. પેટન્ટ જેવા ગતિશીલ ઉદ્યોગને સંરક્ષણ આપવાથી ઇનૉવેશન (innovation) તથા સામાજિક પ્રગતિની પ્રક્રિયા રૂંધાય છે એવી તેમની દૃઢ માન્યતા છે.

વર્ષ 2007માં તેમને એનાયત થયેલ અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારના તેમના સહવિજેતા હતા લિયૉનાર્ડ હરવિઝ અને રોજર માયરસન.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે