માસાનોબુ, ઑકુમારા

January, 2002

માસાનોબુ, ઑકુમારા (જ. 1690, જાપાન; અ. 1768, જાપાન) : કાષ્ઠકલાના જાપાની ચિત્રકાર. બાલવયથી જ તેમનામાં કલાશક્તિ પ્રૌઢ બની હતી. અગિયાર વરસની ઉંમરે તેમણે રાજદરબારીઓનાં સુંદર ચિત્રો આલેખેલાં. 1701 અને 1711 વચ્ચે તેમણે પોતાનાં કાષ્ઠકલાનાં ચિત્રોનાં 30થી પણ વધુ આલબમ પ્રસિદ્ધ કર્યાં. આ વર્ષો દરમિયાન તેમણે ચિત્રકાર તોરી કિયોનોબુના સ્ટુડિયોમાં પણ કામ કર્યું. ચિત્રો પર ઘણી વાર તેઓ ‘બેઇઓ’ અને ‘બેઇગિન’ એવાં ઉપનામોથી સહી કરતા હતા. તેમના મહત્વના શિષ્યોમાં બુન્શી માસાફુસા, ગેમ્પાચી અને પુત્ર તોશીનોબુનો સમાવેશ થાય છે.

અમિતાભ મડિયા