માળવાનું ઇસ્લામી સ્થાપત્ય

May, 2023

માળવાનું ઇસ્લામી સ્થાપત્ય : ધાર અને માંડૂમાં રચાયેલ ઇસ્લામી સ્થાપત્યો. માળવાનાં ઘોરી અને ખલજી સુલતાનોએ પ્રાચીન રાજધાની ધાર અને નવીન રાજધાની માંડૂને ઇમારતોથી સજાવી હતી. આમાં માંડૂની ઇમારતો શુદ્ધ ઇસ્લામી સ્થાપત્યસ્વરૂપ ધરાવે છે, જ્યારે ધારની ઇમારતો પર હિંદુ કલાનો વ્યાપક પ્રભાવ જોવામાં આવે છે. ઇમારતોના ઘુંમટ સારી રીતે બનાવેલા છે તેના પર સજાવટ કરેલી છે. છતોની નીચેના ભાગની સજાવટો મનોહર છે. ઇમારતો ઊંચી પીઠ પર બની છે. તેના પર ચડવાનાં અનેક પગથિયાં ઇમારતોના પ્રભાવમાં વધારો કરે છે. અહીંની ઇમારતોનાં બાંધકામમાં દિલ્હીની ખલજી અને તુઘલુક શૈલીની ઇમારતોનો પ્રભાવ પડ્યો છે. ધારમાં રાજા ભોજના ‘સરસ્વતી મંદિર’ નામના મહાવિદ્યાલયનો વિધ્વંસ કરીને તેને સ્થાને બંધાવેલી મસ્જિદ તેમજ તેની બાજુ આવેલા પરમાર નરેશોના ‘સૂર્ય-મહેલ’ના ભગ્નાવશેષો પર બંધાયેલી ‘લાટમસ્જિદ’ કલાપૂર્ણ છે. આ બંને મસ્જિદોમાં હિંદુ શૈલીના કલાત્મક સ્તંભો છે. અહીંના સૂફી સંત કમાલુદ્દીનના મકબરામાં હિંદુ કલાનો પ્રભાવ નજરે પડે છે.

ધારથી લગભગ 35 કિલોમીટર દૂર આવેલા માંડૂમાં વિશુદ્ધ મુસ્લિમ સ્થાપત્યશૈલીની મનોહર ઇમારતો છે. આ ભવનોમાં જામે મસ્જિદ, હુસેનશાહનો મકબરો, હિંડોળા મહેલ, જહાજ મહેલ, અશરફી મહેલ તેમજ બાજ બહાદુર અને રૂપમતીનો મહેલ પ્રસિદ્ધ છે. આમાં હુસેનશાહનો મકબરો ભારતમાં સૌપ્રથમ સફેદ આરસમાં બંધાયેલો મનોહર મકબરો છે. જહાજ મહેલ તેની કમાનવાળી દીવાલો, છજાયુક્ત મંડપ અને સુંદર હોજને લઈને રમણીય લાગે છે. માંડૂનો મજબૂત દુર્ગ અને તેની અંદરની રમણીય ઇમારતોને લઈને ભારતના તમામ મધ્યકાલીન દુર્ગ-નગરોમાં તે સહુથી શાનદાર નગર ગણાયું છે.

પ્રવીણચંદ્ર પરીખ