માલ ઔર મઆશિયાત : ઉર્દૂ લેખક ઝફર હુસેનખાનનો તત્વચિંતનનો ગ્રંથ. લેખકને લાગ્યું કે ઉર્દૂ સાહિત્ય કેવળ થોડા તરજુમા અને ટીકા-ટિપ્પણ પૂરતું જ મર્યાદિત રહ્યું હતું અને તત્વચિંતનના ગહન વિષયોની તેમાં ઊણપ હતી. સાહિત્યની આ ખામી નિવારવાની કોશિશરૂપે આ ગ્રંથ લખાયો છે. ઉર્દૂ જગતને પશ્ચિમની ચિંતનસમૃદ્ધિથી પરિચિત કરવાના ઉમદા આશયથી આ ગ્રંથમાં તેમણે પાશ્ચાત્ય તત્વજ્ઞાનના લગભગ તમામ સમકાલીન પ્રવાહોનો વિસ્તૃત ઉલ્લેખ કર્યો છે.

લેખક ભારપૂર્વક જણાવે છે કે માનવોનાં ઉદ્દેશો તથા યોજનાઓ અંગે દૈવી શક્તિ તથા પ્રારબ્ધ હંમેશાં વિક્ષેપ કરે છે. દૈવી શક્તિ અત્યંત રહસ્યમય કોયડારૂપ છે અને માનવમન તેનો તાગ પામી શકતું નથી. માણસના બધા જ પ્રયાસો નિરર્થક નીવડે છે ત્યારે તે આવી અબાધિત સર્વોપરી દૈવી શક્તિ કે તાકાતમાં માનતો થાય છે. મૃત્યુ પણ એક એવી ઘટના છે, જેમાં માનવ સૌથી વિશેષ લાચારી અને નિ:સહાયતા અનુભવે છે. આ રીતે માનવ નિયતિવાદ તથા પ્રારબ્ધવશતામાં માનતો થાય છે અને એમાં માનવની સ્વતંત્રતાને અવકાશ કે મોકળાશ રહેતાં નથી. વસ્તુત: આ નિયતિવાદ અને પ્રારબ્ધવાદ તેમજ માનવનાં સ્વતંત્રતા અને અહંનાં બંને ર્દષ્ટિબિંદુનો સમન્વય સાધવામાં આવે તો જ વ્યવહારજગતનો યથાર્થ પરિચય મળી શકે એમ વક્તવ્ય છે.

ભારતીય તત્વચિંતનના આ ગ્રંથને સાહિત્ય અકાદમીનો 1955ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો.

મહેશ ચોકસી