માલ્પિગિયેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. આ ઉષ્ણકટિબંધીય કુળ લગભગ 60 પ્રજાતિઓ અને 850 જેટલી જાતિઓ ધરાવે છે. તે મુખ્યત્વે અમેરિકાના ઉષ્ણ અને અધોષ્ણ પ્રદેશોમાં થાય છે. અમેરિકામાં થતી 5 પ્રજાતિઓની 7 જાતિઓ સ્થાનિક (indigenous) છે અને દેશના વધારે ગરમ પ્રદેશોમાં થાય છે : Brysonima (100–1) દક્ષિણ ફ્લોરિડામાં; Malpighia (35–1) અને Thryallis (8–1) ટેક્સાસ અને Aspicarpa (13–3) અને Janusia (12–1) પશ્ચિમ ટેક્સાસથી દક્ષિણ ઍરિઝોના સુધી થાય છે. લગભગ 16 પ્રજાતિઓની જાતિઓ મેક્સિકોમાં સ્થાનિક છે; તે પૈકી Banisteria (100 જાતિઓ) કુળની એક સૌથી મોટી પ્રજાતિ છે.
આ કુળની જાતિઓ વૃક્ષ કે ક્ષુપ અથવા સામાન્યત: કઠલતા (linaous) સ્વરૂપે જોવા મળે છે. કેટલીક જાતિઓ દંશી રોમ (stinging hairs) અને વિવિધ રીતે શાખિત અથવા મધ્યલગ્ન (medifixed) એકકોષી રોમ ધરાવે છે. પર્ણો સંમુખ, કેટલીક વાર એકાંતરિક અથવા ત્રિપર્ણકી (ternate) અને સાદાં હોય છે અને પર્ણદંડીય (petiolar) ગ્રંથિઓ, સંધિત (jointed) પર્ણદંડ અને વિવિધ પ્રકારનાં ઉપપર્ણો (stipules) ધરાવે છે. પુષ્પો મોટેભાગે નિયમિત અથવા ક્વચિત્ અનિયમિત, દ્વિલિંગી, સુંદર, વિવિધ રીતે ગોઠવાયેલાં, અધોજાયી (hypogynous) અને નિપત્રી (bracteate) હોય છે. ઘણી વાર પુષ્પની સંવત પુષ્પી (cleistogamous) સ્થિતિ પણ જોવા મળે છે. વજ્ર 5 વજ્રપત્રોનું બનેલું, ઘણે ભાગે મુક્ત અને કોરછાદી (imbricate) હોય છે. બધાં અથવા કેટલાંક વજ્રપત્રો મોટી અદંડી કે સદંડી ગ્રંથિઓ ધરાવે છે. દલપુંજ 5 દલપત્રોનો બનેલો, અસમાન, મુક્ત નહોરદાર (clawed), ઝાલરદાર (fringed), દંતુર (toothed) અને સંવલિત (convolute) હોય છે. પુંકેસરો 10, બે ચક્રમાં ગોઠવાયેલાં, કેટલાંક અથવા ઘણી વાર અડધાં પુંકેસરો વંધ્ય, અધોજાયી અને તલસ્થ ભાગેથી સામાન્ય રીતે જોડાયેલાં હોય છે. પરાગાશાય દ્વિખંડી અને અંતર્મુખી (introrse) હોય છે અને પરાગાશાયનું સ્ફોટન લંબવર્તી પ્રકારે થાય છે. યોજી (connective) મોટી હોય છે. સ્ત્રીકેસરચક્ર સામાન્યત: 3 (ભાગ્યે જ 2, 4 કે 5) સ્ત્રીકેસરોનું બનેલું હોય છે અને ઊર્ધ્વસ્થ (superior) બીજાશય ધરાવે છે. જરાયુવિન્યાસ અક્ષવર્તી (axile) પ્રકારનો જોવા મળે છે. પ્રત્યેક કોટરમાં એક જ લટકતું, અર્ધઅધોમુખી (semianatropous) અંડક આવેલું હોય છે. પરાગવાહિનીઓ મુક્ત અને સ્ત્રીકેસરોની સંખ્યા જેટલી હોય છે. તે ભાગ્યે જ યુક્ત હોય છે. પરાગાસન અખંડિત અથવા સૂક્ષ્મપણે ખંડિત હોય છે. ફળ સપક્ષ (samara), ભિદુર (schizocarpic), પ્રાવર (capsule), અનષ્ઠિલ (berry) કે ક્વચિત્ અષ્ઠિલ પ્રકારનું હોય છે. બીજ અભ્રૂણપોષી (non- endospermic) હોય છે અને મોટો ભ્રૂણ ધરાવે છે.
તેનાં ઓળખ-લક્ષણોમાં મધ્યલગ્ન (medifixed) એકકોષી રોમ (કેટલીક વાર દંશી રોમ), કઠલતાઓ, ગ્રંથિમય વજ્ર, નહોરદાર દલપત્રો, વિશિષ્ટ પરાગાશયો અને સપક્ષ કે ખંડમય (lobed) ફળોનો સમાવેશ થાય છે.
મોટાભાગના વર્ગીકરણ-વિજ્ઞાનીઓ આ કુળને જિરાનિયેલ્સ ગોત્રમાં મૂકે છે. હચિન્સન ઇરિથ્રોઝાયલેસી સાથે માલ્પિગિયેલ્સ ગોત્રમાં મૂકે છે; જેનો ઉદભવ ટિલિયેશિયસ સમૂહમાંથી થયો છે. હેલિયર આ કુળને પૉલિગેલેલ્સ ગોત્રમાં મૂકે છે.
આ કુળની આર્થિક ઉપયોગિતા ઘણી ઓછી છે. Malpighia glabra, M. coccigera અને Stigmaphyllon ciliatum શોભન-વનસ્પતિઓ તરીકે ઉદ્યાનોમાં ઉગાડવામાં આવે છે.
બળદેવભાઈ પટેલ