માલ્દા : પશ્ચિમ બંગાળના મધ્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે કર્કવૃત્તની ઉત્તર તરફ આવેલો છે અને 24° 40´ 20´´થી 25° 32´ 08´´ ઉ. અ. અને 87° 45´ 50´´થી 88° 28´ 10´´ પૂ. રે. વચ્ચેનો 3,733 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે રાજ્યનો પશ્ચિમ દિનાજપુર જિલ્લો અને બિહારનો કતિહાર જિલ્લો, પૂર્વમાં બાંગ્લાદેશનો દિનાજપુર જિલ્લો અને રાજશાહી જિલ્લો, દક્ષિણમાં મુર્શિદાબાદ જિલ્લો અને પશ્ચિમે બિહારનો સાહિબગંજ જિલ્લો આવેલા છે. આ જિલ્લાનું માલ્દા નામ માલ્દાનગર પરથી અપાયું છે. ‘માલ્દા’ શબ્દ અરબી શબ્દ ‘માલ’ એટલે સંપત્તિ પરથી ઊતરી આવેલો છે. આ ‘માલ્દા’ નામ સંભવત: મધ્યકાલીન યુગ દરમિયાન ઘણું મોટું વેપારી મથક હોવાનું તથા સંપત્તિ અને જાહોજલાલીમાં અગત્યનું સ્થાન ધરાવતું હોવાનું સૂચન કરી જાય છે.

માલ્દા

ભૂપૃષ્ઠજળપરિવાહ : જિલ્લાનું ભૂપૃષ્ઠ દક્ષિણતરફી ઢોળાવવાળા નીચા મેદાની પ્રકારનું છે, જોકે ઈશાન તરફ નદીસપાટીથી 30 મીટર જેટલા થોડાક ઊંચાણવાળા ભાગો પણ છે. આ ઊંચાણવાળા ભાગો પણ ઝરણાંઓથી ઊંડા છેદાયેલા હોવાથી તે ટેકરીઓ જેવા દેખાય છે. આ જિલ્લામાં થઈને ગંગા અને મહાનંદા જેવી બે મુખ્ય નદીઓ વહે છે. બાકીની બધી જ નદીઓ હિમાલયમાંથી નીકળીને દક્ષિણ તરફ વહે છે. કાલ્કોસ, કંકર, કોસ અને બારોમાસિયા જેવી સહાયક નદીઓ સહિતની કાલિન્દ્રી મહાનંદાને મળે છે. આ ચારેય સહાયક નદીઓમાં ચોમાસામાં પૂર આવે છે.

ખેતીપશુધન : જિલ્લાનું અર્થતંત્ર મુખ્યત્વે ગ્રામીણ કક્ષાનું છે અને ખેતી પર નિર્ભર છે. જિલ્લાની 4 લાખ એકર જમીનમાં ખાદ્યાન્ન થાય છે. અહીંના મુખ્ય કૃષિપાકોમાં ચોખા (ડાંગર) અને ઘઉં છે, આ ઉપરાંત શણ, જવ અને કઠોળ પણ થાય છે. ખેતી અમુક પ્રમાણમાં તળાવોની સિંચાઈથી જ્યારે બાકીની છીછરા અને ઊંડા નળકૂપો(tubewells)થી અને નદીજળથી થાય છે. જિલ્લાના પશુધનમાં ગાયો, ભેંસો અને બકરાંનો સમાવેશ થાય છે.

ઉદ્યોગવેપાર : જિલ્લામાં મોટા પાયા પરના કોઈ ખાસ ઉદ્યોગો નથી, પરંતુ અહીંના નાના પાયા પરના ઉદ્યોગો જિલ્લાના અર્થતંત્ર માટે મહત્વના છે. પરંપરાગત ચાલ્યો આવતો રેશમનો ઉદ્યોગ અહીં આગળ પડતો છે. અગાઉ અહીં રેશમનાં માત્ર આઠ જ કારખાનાં હતાં; પરંતુ હવે 1,256 કારખાનાં થયાં છે. અહીંની મુખ્ય નિકાસી વસ્તુઓમાં રેશમ, કપાસ, કેરી, ચોખા, શણ, ફળો અને બીડીઓનો તથા આયાતી વસ્તુઓમાં ઘઉં, કોલસો, કઠોળ, ખાંડ અને સરસિયાનો સમાવેશ થાય છે.

પરિવહન-પ્રવાસન : આ જિલ્લામાં રસ્તા સારી રીતે વિકસેલા છે. 108 કિમી. લંબાઈ ધરાવતો રાષ્ટ્રીય ધોરી માર્ગ અહીંથી પસાર થાય છે. તે કલકત્તા અને સિલિગુડી ધોધને જોડે છે. જિલ્લામાં ત્રણ રાજ્ય ધોરી માર્ગો પણ છે. અહીં 32 કિમી. લંબાઈનો માણિકચક-ઇંગ્લિશ બજાર માર્ગ છે. 26 કિમી. લાંબો માર્ગ અદીના અને પાંડવા નજીકથી પસાર થાય છે. 32 કિમી. લંબાઈનો ત્રીજો માર્ગ ગાજોલને પશ્ચિમ દિનાજપુર જિલ્લાના બનિયાદપુર સાથે જોડે છે. અન્ય માર્ગો પૈકી 53 કિમી. લંબાઈનો માર્ગ ગાજોલ-શમ્શી-ચંચલ-હરિશ્ચંદ્રપુરને જોડે છે તથા 42 કિમી. લંબાઈનો માર્ગ ગાજોલ-બામનગોલા-હબીબપુર-બુલબુલચંડીને અને 16 કિમી. લાંબો માર્ગ માણિકચક-રાતુઆને જોડે છે. માલ્દા ઈશાન વિભાગીય રેલમાર્ગથી પણ જોડાયેલું છે. તે આ વિભાગનું મુખ્ય રેલમથક પણ છે. આ જિલ્લામાં પ્રવાસ-મથકો તરીકે ગૌડ અને પાંડવાનું વિશેષ મહત્વ છે.

બંગાળનું તજી દેવાયેલું પાટનગર ગૌડ શહેર ઇંગ્લિશ બજારથી નૈર્ઋત્યમાં 16 કિમી. અંતરે ગંગાના જૂના પટ પર આવેલું હતું. તે આશરે 12 કિમી. ઉત્તર-દક્ષિણ લંબાઈમાં અને 2થી 3 કિમી. પૂર્વ-પશ્ચિમ પહોળાઈમાં વિસ્તરેલું હતું. એમ કહેવાય છે કે મુસ્લિમ આક્રમણ વખતે આ શહેરનું બીજું નામ લક્ષ્મણાવતી કે લખનૌતી હતું. આ શહેરના બે દરવાજાઓ વચ્ચે કિલ્લો આવેલો છે. કિલ્લાની અંદર મહેલની દીવાલોના અવશેષો અને બીજી ઘણી ઇમારતો આવેલી છે. ગૌડ શહેર જળાશયો અને તળાવોથી ભરપૂર છે. આ પૈકી ગ્રેટ સાગર જળાશય 1,463 × 731 મીટર પરિમાણવાળું, છોટા સાગર જળાશય 640 × 384 મીટર પરિમાણવાળું અને ત્રીજું એક જળાશય 402 × 238 મીટર પરિમાણવાળું છે.

પાંડવા અહીંનું ઐતિહાસિક મહત્વ ધરાવતું બીજું અગત્યનું પ્રવાસસ્થળ ગણાય છે. તે જૂના બંગાળમાં બારિન્દ(બારિન્દ્રભૂમ)નું પાટનગર હતું. તે જૂના માલ્દાથી ઈશાન તરફ આશરે 10 કિમી. અંતરે હતું. આજે આ પાંડવા શહેરનાં ખંડિયેર પ્રાચીન હિન્દુ વંશનો પુરાવો પૂરો પાડે છે. મુસ્લિમ કાળ દરમિયાન તે ફીરોઝાબાદ કહેવાતું હતું. તે 3.5 કિમી. અંતરે રહેલા પાંડવા–અદીના નામના બે વિભાગોમાં વહેંચાયેલું હતું.

જૂના માલ્દામાં પ્રવાસી આકર્ષણ ધરાવતી ઘણી ઇમારતો છે. (જોકે માલ્દા પાંડવા અને ગૌડની ઇમારતો કરતાં નવા સમયનું છે.) તે પૈકીની જૂનામાં જૂની ઇમારત ફૂટી (તૂટેલી) મસ્જિદ છે. તેના પર ઈ. સ. 1495ના વર્ષનું લખાણ હોવાનું જણાય છે. અન્ય મોટી ઇમારત જુમામસ્જિદ છે, તેના પર 1596 લખેલું જણાય છે. કાલિન્દ્રી અને મહાનંદા નદીસંગમ ખાતે 17 મીટર ઊંચો ‘નિમાસરાઈ’ નામનો એક મિનાર પણ છે. જિલ્લામાં વારતહેવારે ઘણા જુદા જુદા મેળા ભરાય છે.

વસ્તી : આ જિલ્લાની વસ્તી 1991 મુજબ 26,37,032 જેટલી છે. તે પૈકી 13,60,541 પુરુષો (51 %) અને 12,74,491 (49 %) સ્ત્રીઓ છે તથા ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 24,50,495 (93 %) અને 1,86,537 (7 %)  જેટલું છે. અહીં બંગાળી, હિન્દી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. અહીં ધર્મવિતરણ મુજબ હિન્દુઓ : 13,77,844; મુસ્લિમ : 12,52,292; ખ્રિસ્તી : 5,118; શીખ : 183; બૌદ્ધ : 64; જૈન : 224; અન્યધર્મી 1,130 તથા અનિર્ણીત ધર્મવાળા 177 જેટલા છે. જિલ્લામાં શિક્ષિતોનું પ્રમાણ 7,43,818 જેટલું છે. તે પૈકી 4,92,770 (66 %) પુરુષો અને 2,51,048 (33 %) સ્ત્રીઓ છે તથા ગ્રામીણ અને શહેરી શિક્ષિતોનું પ્રમાણ અનુક્રમે 6,28,672 (84 %) અને 1,15,146 (16 %) જેટલું છે. 1996 મુજબ માલ્દામાં 6 કૉલેજો છે. જિલ્લામાં 11.4 % ગામડાંઓમાં એક કે બીજા પ્રકારની તબીબી સેવાની સંસ્થાઓ આવેલી છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 11 પોલીસ-મથકોમાં અને 15 સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 4 નગરો અને 1,801 (157 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.

ઇતિહાસ : આ જિલ્લો પ્રાચીન કાળથી સમૃદ્ધ ઇતિહાસ ધરાવે છે. ગૌડ અને પાંડવા મધ્યકાલીન યુગ દરમિયાન બંગાળમાં પાટનગરના દરજ્જાનાં શહેરો રહેલાં. આ બંને શહેરો ઇંગ્લિશ બજારથી સરખા અંતરે ઉત્તર-દક્ષિણ તરફ આવેલાં છે. ગૌડ મહાનંદાના પશ્ચિમ અને પાંડવા પૂર્વ કાંઠે આવેલાં છે. અહીં જૂના અવશેષો જળવાયેલા હોવાથી તેમનું મહત્વ છે.

ગિરીશભાઈ પંડ્યા