માલેવિચ, કાઝિમિર સેવેરિનૉવિચ (જ. 23 ફેબ્રુઆરી 1878, કીવ, યુક્રેન, રશિયા; અ. 15 મે 1935, લેનિનગ્રાડ, રશિયા) : અમૂર્ત ચિત્રકલાની સુપ્રેમેટિસ્ટ શાખાના પ્રણેતા અને પ્રસિદ્ધ ચિત્રકાર. કીવ સ્કૂલ ઑવ્ આર્ટ તથા મૉસ્કો એકૅડેમી ઑવ્ ફાઇન આર્ટ્સમાં માલેવિચે ચિત્રકલાનું શિક્ષણ લીધું હતું. તેમનાં શરૂઆતનાં ચિત્રો પ્રભાવવાદી અને ફૉવવાદી શૈલીમાં છે. 1912માં પૅરિસયાત્રા દરમિયાન તેમના પર પિકાસો તથા ઘનવાદનો ઊંડો પ્રભાવ પડ્યો. સ્વદેશ પાછા ફરી 1912માં તેમણે રશિયન ઘનવાદી ચળવળ શરૂ કરી. હવે તેમનાં ચિત્રોમાં માત્ર અમૂર્ત ભૌમિતિક આકારોના વિષયનો પ્રભાવ રહ્યો. ઘનવાદમાંથી ઉદભવેલી આ નવી શૈલીને તેમણે ‘સુપ્રેમેટિઝમ’ નામ આપ્યું. ચિત્રવિષયમાંથી વાસ્તવજગતનાં નિરૂપણો તથા લાગણીઓનો છેદ ઉરાડી તેમણે ભૌમિતિક આકારો અને રંગોનાં શુદ્ધ સંયોજનો આપ્યાં.
છેક 1913માં તેમણે સંપૂર્ણપણે ઍબ્સ્ટ્રૅક્ટ ચિત્ર, સફેદ પાર્શ્વભૂમિકા પર કાળા ચોરસની આકૃતિથી દોર્યું હોવાનો દાવો કર્યો હતો. ખરેખર તેઓ 1915 સુધીમાં તો આવાં ચિત્રોનાં પ્રદર્શન પણ યોજવા લાગ્યા હતા. વળી ‘વ્હાઇટ ઑન વ્હાઇટ’ શીર્ષકથી તેમણે આવાં શ્રેણીબદ્ધ ચિત્રોનું સર્જન કર્યું હતું.
1919થી 1921 દરમિયાન તેમણે મૉસ્કો અને લેનિનગ્રાડમાં ચિત્રકલાનું અધ્યાપન કર્યું. 1926માં તેમણે જર્મનીના વાઇમર નગરમાં બાઉહાઉસ કલાશાળાની મુલાકાત લીધી અને પ્રસિદ્ધ ચિત્રકાર વાસિલી કૅન્ડિન્સ્કીને મળ્યા. રશિયા પાછા ફરી 1927માં તેમણે પોતાના સિદ્ધાંતોનું પ્રતિપાદન કરતો ગ્રંથ ‘ધ નૉનઑબ્જેક્ટિવ વર્લ્ડ’ પ્રસિદ્ધ કર્યો. (મૂળમાં આ ગ્રંથ જર્મન ભાષામાં પ્રસિદ્ધ થયો હતો.)
1927માં સોવિયેત સત્તાધીશોએ મૉડર્ન કલાના વિરોધરૂપે તેમની પર પ્રતિબંધક નિયમો લાદ્યા. માલેવિચ તેથી નોધારા બની ગયા અને ગરીબી અને ઉપેક્ષાનો ભોગ બની મૃત્યુ પામ્યા.
અમિતાભ મડિયા