માલ્કમ એક્સ (જ. 19 મે 1925, ઓમાહા, નેબ્રૅસ્કા; અ. 21 ફેબ્રુઆરી 1965, ન્યૂયૉર્ક) : અશ્વેત અમેરિકનોના રાષ્ટ્રીય મુસ્લિમ નેતા અને અશ્વેત રાષ્ટ્રવાદના પ્રખર હિમાયતી. શ્વેત અમેરિકનોની જોરદાર હિંસક લાગણી અને અત્યાચાર વિરુદ્ધ તેટલો જ ઉગ્ર વ્યવહાર આચરવા માટેની તરફેણ કરનારા એમના પિતા ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં ચાલેલી અશ્વેતોના હક્કો માટેની ચળવળના નેતા અને પાદરી હતા. તેઓ અશ્વેત નેતા માર્કસ ગાર્વીના અનુયાયી હતા. કૂ ક્લકસ ક્લૅનની ટોળી દ્વારા તેમનું ખૂન થયા બાદ માત્ર છ વર્ષની વયે, આઠ ભાઈ-ભાંડુ સાથે તેઓ અનાથાશ્રમમાં ઊછર્યા. માતા તો માનસિક રીતે અસ્વસ્થ હતાં. માલ્કમ વિદ્યાર્થી તરીકે તેજસ્વી કારકિર્દી ધરાવતા હતા. આઠમું ધોરણ પસાર કર્યા બાદ મૅસેચૂસેટ્સ રાજ્યના બૉસ્ટન શહેરમાં રહીને તેમણે જાતજાતની નોકરીઓ કરી. અહીં તેમનો ગુના આચરતી ટોળી સાથે કુસંગ થયો. ઘરફોડ ચોરીના આરોપસર તેમને જેલવાસ ભોગવવો પડ્યો. જેલમાં તેમણે મુસ્લિમ નેતા ઇલાઇઝા મુહમ્મદના વિચારોનો અભ્યાસ કર્યો. ‘નેશન ઑવ્ ઇસ્લામ’ ચળવળ દ્વારા પોતે અશ્વેત મુસ્લિમોના પ્રશ્નો વિશે વધુ ને વધુ માહિતી મેળવી. અમેરિકામાં મુસ્લિમોના અલગ રાષ્ટ્ર તરીકેના સ્વીકારની આ વાત હતી. જેલવાસમાંથી મુક્ત થયા ત્યારે તેમની ઉંમર સત્તાવીસ વર્ષની હતી. ડેટ્રૉઇટના અશ્વેત મુસ્લિમોના સંગઠનમાં તેઓ દાખલ થયા. હવે ‘માલ્કમ લિટલ’ના નામને બદલે તેમણે પોતાની જાતને ‘માલ્કમ એક્સ’ તરીકે ઓળખાવવી શરૂ કરી. 1958માં તેમણે બેટી શબાઝ સાથે લગ્ન કર્યું. તેમને છ પુત્રીઓ થઈ.

1964માં માલ્કમ એક્સ મક્કાની હજે ગયા. આ ઉપરાંત આફ્રિકા અને યુરોપના દેશોની યાત્રાથી તેમના વિચારોમાં પરિવર્તન આવ્યું. હવે બધા શ્વેત અમેરિકનો તેમને મન જુલ્મીઓ ન હતા. તેમણે મુસ્લિમ એકતાની વાત જોરશોરથી કરવા માંડી. તેમણે પોતાનું નામ અલ્-હાજી મલિક અલ્ શબાઝ રાખ્યું. 1965માં ન્યૂયૉર્ક શહેરમાં એક સભાને સંબોધન કરતા હતા ત્યારે કેટલાક અશ્વેત મુસ્લિમોએ તેમને ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધા. ત્યાર સુધીમાં તેમણે ઑર્ગેનાઇઝેશન ઑવ્ આફ્રો-એશિયન યૂનિટી(ઓએએયુ)ની સ્થાપના કરી હતી. ‘નેશન ઑવ્ ઇસ્લામ’ના તેઓ પ્રવક્તા થયા હતા. ઍલેક્સ હેલીએ તેમની સાથેની પ્રત્યક્ષ મુલાકાતો ઉપરથી ‘ધી ઑટો-બાયૉગ્રાફી ઑવ્ માલ્કમ એક્સ’ (1965) પ્રસિદ્ધ કરી છે.

વિ. પ્ર. ત્રિવેદી