માલેન્કૉવ, જી. એમ.

January, 2002

માલેન્કૉવ, જી. એમ. (જ. 1902, ઑરેનબર્ગ, રશિયા; અ. 1988) : અખંડ સોવિયત રશિયા(1917–91)ના અગ્રણી સામ્યવાદી નેતા. સામ્યવાદી પક્ષના કાર્યકર તરીકે તેઓ સ્ટાલિનનું ધ્યાન દોરી શક્યા હતા અને 1925માં તેના અંગત સચિવ બન્યા હતા. 1946માં તેઓ પક્ષની પૉલિટબ્યૂરોના સભ્ય અને 1952માં પ્રિસિડિયુમના સચિવ બન્યા. માર્ચ, 1953માં સ્ટાલિનના અવસાન બાદ સોવિયેત સંઘનું શાસન ચલાવવા માટે જે ત્રિપુટી નીમવામાં આવી હતી તેમાં મોલોટૉવ અને બેરિયા સાથે તેમનો પણ સમાવેશ થયો હતો, જે 1955માં વિખેરી નાખવામાં આવી હતી. તે અરસામાં તેનો ઔપચારિક હોદ્દો પ્રીમિયર(વડાપ્રધાનની સમકક્ષનો હોદ્દો)નો હતો. પ્રીમિયર તરીકે તેમણે સમાધાનકારક વિદેશનીતિ સ્વીકારી તેમજ ગુપ્ત જાસૂસી તંત્રની સત્તાઓ પર કાપ મૂક્યો.

જી. એમ. માલેન્કૉવ

તેમના નેતૃત્વ હેઠળની સોવિયત સંઘની સરકારની કૃષિનીતિ નિષ્ફળ નીવડી છે એવા આક્ષેપ સાથે ફેબ્રુઆરી, 1955માં તેમને પ્રીમિયરના હોદ્દા પરથી રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી અને તેમના સ્થાને બુલ્ગાનિન પ્રીમિયર બન્યા. જૂન, 1957માં તેમણે નિકિતા ક્રુશ્ચોવને સોવિયત સંઘના સામ્યવાદી પક્ષના સેક્રેટરીપદેથી હઠાવવા પ્રયાસ કર્યો, જેમાં નિષ્ફળ જતાં તેમને કઝાખિસ્તાનમાં એક જાહેર સાહસની સંભાળ લેવા માટે મોકલી દેવામાં આવ્યા. 1961માં તેમને સામ્યવાદી પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

રક્ષા મ. વ્યાસ