માલિકરામ બવેજા (જ. 1906, ફાલિયર, ગુજરાત પ્રાંત, પાકિસ્તાન; અ. 1993, દિલ્હી) : ઉર્દૂ સાહિત્યકાર. ઉર્દૂ સાહિત્યમાં તેઓ માલિકરામ તરીકે પ્રસિદ્ધ છે. તેમના જન્મના માંડ 10થી 12 દિવસ પછી તેમના પિતા લાલા નિહાલચંદનું 35 વર્ષની યુવાન વયે અવસાન થયું હતું. તેમની માતાએ તેમનો ઉછેર કર્યો. બાળપણથી જ સતેજ બુદ્ધિપ્રતિભા અને યાદશક્તિને લીધે તેમણે શિક્ષણમાં ત્વરિત પ્રગતિ સાધી. પંજાબી, ઉર્દૂ, ફારસી અને અરબીમાં તેમણે નિપુણતા પ્રાપ્ત કરી. 1930માં ગવર્નમેન્ટ કૉલેજ, લાહોરમાંથી ઇતિહાસ સાથે એમ.એ. થયા.

1924થી તેમણે ઉર્દૂમાં લેખનકાર્ય શરૂ કર્યું અને સૌપ્રથમ રવીન્દ્રનાથ ટાગોરની પ્રસિદ્ધ કૃતિ ‘ગીતાંજલિ’ના કેટલાક ભાગનો ઉર્દૂ અનુવાદ કર્યો તે લાહોરથી પ્રકાશિત થતા ‘નિરંગે ખયાલ’ નામના માસિક દ્વારા પ્રકાશિત થયો. સરકારી સેવાને કારણે ઘણોખરો સમય પરદેશ રહેવા છતાં તેમણે ‘ઝિક્રે ગાલિબ’, ‘તિલમઝાએ ગાલિબ’, ‘દીવાને ગાલિબ’, ‘ખુતૂતે ગાલિબ’ અને ‘ઔરત ઔર ઇસ્લામી તઆલીમ’ જેવી કૃતિઓનાં સંકલન અને સંપાદન કર્યાં. 1965માં સેવા-નિવૃત્તિ પછી સાહિત્ય એકૅડેમીના પ્રમુખે તેમને ઉર્દૂનું સંપાદનકાર્ય સોંપ્યું. 3 વર્ષના ટૂંકા ગાળામાં મૌલાના અબુલકલામ આઝાદના ‘તરજુમાનુલ કુરઆન’, ‘ગુબારે ખાતિર’, ‘તઝકેરા’ અને ‘ખુતબાતે આઝાદ’નું નવેસર સંપાદન-સંકલન કરી પ્રગટ કર્યાં. તેમણે ઉચ્ચ પ્રકારનું સંશોધન-વિવેચનનું ‘તેહરીર’ નામે ત્રિમાસિક પત્ર 1967માં દિલ્હીથી પ્રકાશિત કર્યું.

માલિકરામ ઉર્દૂ સાહિત્યના એક પ્રખર વિવેચક, લેખક, સંશોધક અને અનુવાદક હતા. તેમનાં લખાણોમાં સાહિત્યના ઊંડા જ્ઞાન અને અધ્યયનનું પ્રતિબિંબ પડે છે. તેમનું લખાણ આધારભૂત અને ઉચ્ચકોટિનું હોય છે. તેમનું વ્યક્તિત્વ સરળ અને ઉદાર હતું. જરૂરતમંદ લોકોને તે હંમેશાં ઉપયોગી થતા.

માલિકરામે ખાસ કરીને મિર્ઝા ગાલિબનું ઊંડું અધ્યયન કરી તેમની અનેક કૃતિઓનું સંકલન-સંપાદન અને વિવેચન કર્યું. ગાલિબ ઉપરાંત મૌલાના અબુલ કલામ આઝાદની રચનાઓનું પણ ઊંડું અધ્યયન અને વિવેચન તથા સંશોધન કર્યું છે તેમજ અનેક કૃતિઓની પ્રસ્તાવનાઓ લખી છે.

ઇસ્લામ અંગેની ‘ઇસ્લામિયત’, ‘ઔરત ઔર ઇસ્લામી તઆલીમ’ જેવી કૃતિઓ તેમની ઇસ્લામ અંગેની દિલચસ્પી તથા તેના જ્ઞાનની સાખ પૂરે છે. આ ઉપરાંત તેમણે ઇતિહાસ, જીવનચરિત્રો અને ‘નઝર’ના શીર્ષક હેઠળ કેટલીક વિશેષ વ્યક્તિઓ વિશે પણ કૃતિઓ લખી છે.

ઈસ્માઈલ કરેડિયા