માલવો : પ્રાચીન ભારતના લોકોની એક જાતિ. મહાભારતમાં માલવોનો ઉલ્લેખ આવે છે. માલવો મહાભારતના યુદ્ધમાં કૌરવોની તરફેણમાં લડ્યા હતા. ઈ. પૂર્વેની ચોથી સદીમાં સિકંદરે ભારત પર ચડાઈ કરી ત્યારે માલવો રાવી અને ચિનાબ નદીઓના દોઆબના પ્રદેશ પંજાબમાં રહેતા હતા અને ક્ષુદ્રકો સાથે જોડાયેલા હતા. બંનેનાં લશ્કરો સિકંદરની સામે બહાદુરીથી લડ્યાં હતાં, પરંતુ માલવોનો પરાજય થયો હતો. સમય જતાં ક્ષુદ્રકો માલવોમાં ભળી ગયા. ઈ.સ. પૂર્વેની બીજી સદીમાં માલવો પંજાબ છોડીને ફીરોજપુર, લુધિયાણા વગેરે પ્રદેશમાં રહ્યા. તે પછી અજમેરના અગ્નિભાગમાં આવેલા ટોંક-મેવાડમાં જઈને સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું. ટોંકથી આશરે 40 કિમી.ના અંતરે કકોર્ટ નગર નામના સ્થળેથી તેમના વિવિધ સમયના સેંકડો સિક્કાઓ મળ્યા છે. આ પ્રદેશ માલવા તરીકે જાણીતો બન્યો હતો. પશ્ચિમી ક્ષત્રપોએ ઉજ્જૈન જીતીને માલવો પર આધિપત્ય સ્થાપ્યું હતું; પરંતુ સ્વાતંત્ર્યપ્રેમી માલવો ક્ષત્રપો સામે સતત બળવા કરતા હતા. આખરે માલવોના સહકારથી ગૌતમીપુત્ર શાતકર્ણીએ ક્ષત્રપોનો સંહાર કર્યો.

માલવોના ગણરાજ્યમાં ચૂંટાયેલો પ્રમુખ વહીવટ ચલાવતો હતો. ઈ.સ.ની ચોથી સદીમાં સમુદ્રગુપ્તે માલવોનું ગણરાજ્ય જીતી લીધું હતું. બે મુખ્ય વિભાગોમાં વહેંચાયેલા માલવાને માલવોએ એકતા પ્રદાન કરી. સ્વાતંત્ર્યપ્રેમ અને લોકશાહી ભાવના તેમની સંસ્કૃતિમાં એકરૂપ થઈ ગયેલી વિશિષ્ટતાઓ છે. યશોધર્મન, મુંજ અને ભોજ રાજાઓએ તેમની શ્રેષ્ઠ પરંપરાઓ નિભાવી હતી. તેમણે શરૂ કરેલ માલવ સંવત ભવિષ્યમાં વિક્રમ સંવત નામથી સમગ્ર ભારતમાં પ્રચલિત થયો. ઈ.સ.ની ત્રીજી સદીના પૂર્વાર્ધથી રાજસ્થાન, માલવા તથા આસપાસના પ્રદેશોમાંથી મળેલા શિલાલેખોમાં ‘કૃત સંવત’ના નામથી આનો જ ઉલ્લેખ મળે છે. ઈ.સ.ની દસમી સદી પછી આ સંવત ‘વિક્રમ સંવત’ નામથી પ્રચલિત થયો.

જયકુમાર ર. શુક્લ