માલવીય, મદનમોહન (પંડિત) (જ. 25 ડિસેમ્બર 1861, અલ્લાહાબાદ, ઉત્તર પ્રદેશ; અ. 1946) : બનારસ હિંદુ યુનિવર્સિટીના સ્થાપક, કૉંગ્રેસપ્રમુખ, વરિષ્ઠ પત્રકાર. માળવાથી સ્થળાંતર કરીને પંદરમી સદીથી અલ્લાહાબાદમાં રહેતા શ્રીગૌડ પરિવારમાં મદનમોહનનો જન્મ થયો હતો. તેમના પૂર્વજો સંસ્કૃતમાં પારંગત, સમાજમાં પ્રતિષ્ઠા ધરાવનાર પરંતુ સાધારણ આર્થિક સ્થિતિના હતા. તેમના દાદા પ્રેમધર અને પિતાશ્રી વ્રજનાથ સંસ્કૃતના પંડિત હતા. તેઓ વૈષ્ણવ સંપ્રદાયમાં રાધાકૃષ્ણના ભક્ત હતા. રેવા, દરભંગા અને વારાણસી સહિત કેટલાંક રાજ્યોના મહારાજાઓ વ્રજનાથને પોતાના ગુરુ સમાન માનતા હતા અને તેમનો આદર-સત્કાર કરતા હતા. રામાયણ અને ભાગવતના લોકભોગ્ય કથાકાર તરીકે તેઓ પ્રસિદ્ધ હતા.
બાળપણમાં મદનમોહન સંસ્કૃતના અનેક શ્લોક શીખ્યા હતા. અભ્યાસની શરૂઆત પાઠશાળામાં કરીને તેઓ જિલ્લાની શાળામાં દાખલ થયા. તેમણે 1879માં મેટ્રિકની પરીક્ષા પસાર કરી અને મ્યુરની સેન્ટ્રલ કૉલેજમાં દાખલ થઈ, 1884માં કોલકાતા યુનિવર્સિટીના ગ્રૅજ્યુએટ થયા. માસિક ચાલીસ રૂપિયાના પગારથી શાળાના શિક્ષકની નોકરી સ્વીકારી. તેમને જાહેર જીવનનું આકર્ષણ હોવાથી 1886માં કોલકાતામાં ભરાયેલ કૉંગ્રેસની બેઠકમાં હાજર રહી, ભાષણ કર્યું. કૉંગ્રેસના મહામંત્રી એ. ઓ. હ્યૂમે વાર્ષિક હેવાલમાં તેમની પ્રશંસા કરી. તેમના આ પ્રવચનથી પ્રભાવિત થઈને ઔધ(અવધ)ના તાલુકદાર રાજા રામપાલ સિંહે તેમને માસિક રૂ. 200/-ના પગારથી ‘હિન્દુસ્તાન’ નામના હિંદી સાપ્તાહિકના તંત્રી તરીકે જોડાવા જણાવ્યું. તેમાં તેમણે બે વર્ષ કામ કર્યું અને તેને દૈનિક પણ બનાવ્યું. ‘ઇન્ડિયન યુનિયન’ સાપ્તાહિકના તંત્રી તરીકે પણ તેમણે કામ કર્યું હતું. દેશની સેવા માટે પોતાનું સમગ્ર જીવન સમર્પણ કરવાની તેમની મહેચ્છા હતી, પરંતુ એ. ઓ. હ્યૂમ, પંડિત અજોધ્યા નાથ, રાજા રામપાલ સિંહ વગેરેના આગ્રહથી 1891માં તેમણે એલએલ.બી.ની પરીક્ષા પસાર કરી. 1893થી વડી અદાલતના વકીલ બન્યા. થોડા સમયમાં આખા પ્રાંતના નામાંકિત વકીલ બની ગયા.
તેમણે 1886થી 1936 સુધીની લગભગ બધી, કૉંગ્રેસની વાર્ષિક બેઠકોમાં હાજરી આપી. તેમાં ખાસ કરીને તેઓ દેશની પરાધીનતા, કરોડો લોકોની ગરીબી તથા ઉચ્ચ હોદ્દાની નિમણૂકોમાં અંગ્રેજોની ઇજારાશાહીનો વારંવાર ઉલ્લેખ કરતા હતા. કૉંગ્રેસના પ્રમુખ તરીકે 1909, 1918, 1932 અને 1933 – એમ ચાર વાર તેમની વરણી થઈ હતી. પરંતુ 1932 અને 1933માં કૉંગ્રેસની બેઠક પરના સરકારના પ્રતિબંધને કારણે તેમની ધરપકડ થઈ અને તેઓ પ્રમુખપદ સંભાળી શક્યા નહોતા. તેઓ કૉંગ્રેસના મજબૂત સમર્થક હોવા છતાં, બ્રિટિશ સરકારની ‘ભાગલા કરીને રાજ કરો’ની નીતિનો વિરોધ કરવા માટે 1906માં તેમણે હિંદુ મહાસભાની સ્થાપના કરવામાં સહકાર આપ્યો. વકીલાતમાં પૂરતો પૈસો અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થવા છતાં, જાહેર સેવા માટે તેમને પક્ષપાત હતો. 1909માં તેમણે વકીલાત છોડી દીધી; તેમ છતાં અસહકારની ચળવળ (1920–22) દરમિયાન ગોરખપુર જિલ્લાના ચૌરીચૌરાના બનાવમાં ભાગ લેનાર 225 માણસોને મૃત્યુદંડની સજા થવાથી તેની અપીલના કેસમાં ભાગ લઈ, તેમાંના 153 માણસોને મોતની સજામાંથી છોડાવ્યા હતા.
લોકોની સેવા કરવાના અને તેમને જાગ્રત કરવાના હેતુથી તેમણે 1907માં હિંદી ભાષામાં ‘અભ્યુદય’ સાપ્તાહિક શરૂ કર્યું અને 1915માં તેને દૈનિક કર્યું. તેમણે 1910માં હિંદી માસિક ‘મર્યાદા’ શરૂ કર્યું. ઔધ(અવધ)ના ખેડૂતોના પ્રશ્ર્નો ઉપસ્થિત થયા ત્યારે 1921માં તેમણે ‘કિસાન’ નામનું હિંદી માસિક શરૂ કર્યું. 24 ઑક્ટોબર 1909થી તેમણે ‘લીડર’ નામનું અંગ્રેજી દૈનિક શરૂ કર્યું. ‘અભ્યુદય’ અને ‘લીડર’ બન્ને અખબારોએ લગભગ અડધી સદી સુધી રાષ્ટ્રીય સ્વાતંત્ર્યના કામમાં અમૂલ્ય સેવા આપી. આ અખબારો ચાલુ રાખવા માટે આવશ્યક નાણાં ભેગાં કરી આપવાનું મહત્વનું કાર્ય તેઓ સંભાળતા હતા. તેઓ 1924થી 1946 દરમિયાન ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ના નિયામકમંડળના અધ્યક્ષ હતા.
1902માં તેઓ પ્રાંતિક ધારાકીય સમિતિમાં અને 1909માં ઇમ્પીરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલમાં ચૂંટાયા અને તેમાં તેમણે ફરજિયાત પ્રાથમિક શિક્ષણ, રેલવેનું રાષ્ટ્રીયકરણ, બ્રિટિશ સંસ્થાનોમાં ભારતીય મજૂરોની ભરતીનો પ્રતિબંધ વગેરે મહત્વના ઠરાવો પરની ચર્ચામાં ભાગ લીધો હતો. તેમણે અખબારી ધારો અને રાજદ્રોહી સભાઓના ધારાનો વિરોધ કર્યો હતો. દેશના ઔદ્યોગિક વિકાસમાં તેમણે ઊંડો રસ લીધો હતો. તેથી 1916માં નિમાયેલા ઇન્ડિયન ઇન્ડસ્ટ્રિયલ કમિશનના સભ્ય તરીકે તેમની નિમણૂક થઈ. તેમાં તેમણે કરેલાં મહત્વનાં સૂચનોમાં વિજ્ઞાન અને ટૅકનૉલૉજીના ઉચ્ચ શિક્ષણ માટે ઇમ્પીરિયલ પૉલિટૅકનિક ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવાનો સમાવેશ થતો હતો. તેમણે રોલૅટ ખરડાનો વિરોધ કર્યો હતો. તેમનાં પ્રવચનોથી લોકો પ્રભાવિત થતા હતા.
1924થી તેઓ કેન્દ્રની ધારાસભાના સભ્ય હતા. ગાંધીજીએ સવિનય કાનૂનભંગની ચળવળ શરૂ કરવાથી એપ્રિલ 1930માં રાજીનામું આપીને તેઓ તેમાં જોડાયા. આ સમય દરમિયાન એક દેશભક્ત અને ક્રિયાશીલ ધારાસભ્ય તરીકેની કામગીરી તેમણે બજાવી. 1931માં લંડનમાં ભરાયેલી બીજી ગોળમેજી પરિષદમાં તેમણે હાજરી આપી હતી.
તેમને ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મની આધ્યાત્મિક વિચારસરણી માટે અપાર પ્રેમ હતો. તે સાથે વિજ્ઞાન અને ટૅકનૉલૉજીના વિકાસમાં તેમને રસ હતો. તેથી તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીની સ્થાપના કરી. તે માટે 1939 સુધીમાં તેમણે રૂપિયા 155 લાખ ભેગા કર્યા, જે નોંધપાત્ર સિદ્ધિ ગણાય. તેમણે ત્યાં ઇજનેરી, ખેતીવાડી, માઇનિંગ, મેટૅલર્જી અને જિયૉલૉજી તથા આયુર્વેદિક કૉલેજો સ્થાપી. આ યુનિવર્સિટીના ઉપકુલપતિ તરીકે તેમણે 1919થી 1938 સુધી કામ કર્યું. તેમના પ્રયાસોથી ઉત્તરપ્રદેશની અદાલતોમાં ઉર્દૂને બદલે હિંદી ભાષાનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો.
માલવીયજી વર્ણાશ્રમવ્યવસ્થામાં માનતા હોવા છતાં હિંદુ ધર્મમાં સુધારાના હિમાયતી હતા. દલિતોના મંદિરપ્રવેશમાં તેઓ માનતા હતા અને 1936માં તેની તરફેણમાં બનારસના જાણીતા પંડિતો સહિત સરઘસ કાઢ્યું હતું. ધર્માન્તર કરેલાને શુદ્ધિ દ્વારા હિંદુ ધર્મમાં પુન:-પ્રવેશની તેઓ તરફેણ કરતા હતા. તેઓ મહિલાઓના ઉત્કર્ષમાં માનતા હતા અને આંતરજ્ઞાતીય લગ્નોના સમર્થક પણ હતા. તેમનું અંગત જીવન ઘણું સાદું અને શુદ્ધ હતું. અસહકારની ચળવળ (1920–22) દરમિયાન ગાંધીજીએ આપેલ કાર્યક્રમ–શાળા-કૉલેજોનો તથા પ્રિન્સ ઑવ્ વેલ્સની મુલાકાતનો બહિષ્કાર અને વિદેશી કાપડની હોળી કરવી–નો માલવીયજીએ વિરોધ કર્યો હતો.
જયકુમાર ર. શુક્લ