માલપલ્લી (1922–1923) : ઉન્નવ લક્ષ્મીનારાયણે લખેલી તેલુગુ સાહિત્યની સર્વપ્રથમ સામાજિક નવલકથા. આ કૃતિ દ્વારા તેમણે તેલુગુ સાહિત્ય તથા ખાસ કરીને તેલુગુ નવલકથાને બંગાળીમાંથી રૂપાંતરિત કરાયેલ પરીકથાઓ તથા રહસ્યકથાઓમાંથી મુક્ત કરી અને સાંપ્રત વિષયવસ્તુની પસંદગી કરીને તેલુગુ નવલકથાના વિકાસ માટે નવી દિશા ખોલી આપી. બાળ ગંગાધર ટિળક તથા ગાંધીજીના નેતૃત્વ હેઠળના સ્વાતંત્ર્ય-આંદોલનમાં તેમણે સક્રિય ભાગ લીધો હતો. તેઓ વ્યવહારુ સમાજ-સુધારક હતા. મહાન સુધારક કંડુકુરી વીરેશલિંગમના થોડા સહયોગમાં રહ્યા પછી ઉન્નવે ‘શારદા નિકેતન’ નામની સંસ્થા સ્થાપી અને તેમાં તેઓ વિધવા-પુનર્લગ્ન તથા કહેવાતી અછૂત જાતિ સાથે સમૂહભોજન યોજતા હતા.
આ નવલમાં કર્તાની સામાજિક અને રાજકીય વિચારસરણીનું તેમજ માન્યતાઓનું કલ્પનાપરક ચિત્રણ છે. 1921થી 1922ના વેલોર ખાતેના તેમના જેલવાસ દરમિયાન આ કથા લખાઈ છે. પ્રથમ ભાગ 1922માં અને બીજો ભાગ 1923માં પ્રગટ થયો. તત્કાલીન કાનૂન-સભ્ય સી. પી. રામસ્વામી ઐયરના નેતૃત્વ હેઠળ મદ્રાસ સરકારે 14 મે 1923ના રોજ આ નવલકથા પર પ્રતિબંધ મૂક્યો. આ પ્રશ્ન વિશે વિધાનસભામાં જોરદાર ચર્ચા થઈ. જમીનદારોના શોષણ સામે મજૂરોને તેમનાં હિતોનું રક્ષણ કરવા સંગઠિત પગલાં લેવાની મજૂરોને હાકલ કરતા કેટલાક ફકરા લેખક રદ કરે તો પ્રતિબંધ ઉઠાવી લેવાની સંમતિ સધાઈ હતી. 1935માં કૃતિની સુધારેલી આવૃત્તિ પ્રગટ થઈ હતી અને એ જ વર્ષે આંધ્ર યુનિવર્સિટીએ તેને પાઠ્યપુસ્તક તરીકે માન્ય રાખી હતી. પરંતુ 1936માં સરકારે ફરીથી આ નવલકથા પર પ્રતિબંધ મૂક્યો હતો અને સરકારના દબાણના કારણે તે અભ્યાસક્રમમાંથી પણ રદ કરાઈ હતી. ટી. પ્રકાશમના તંત્રીપદ હેઠળના સામયિક ‘સ્વરાજ્ય’માં પ્રતિબંધનો ઉગ્ર વિરોધ કરાયો હતો. રાજાજીના નેતૃત્વ હેઠળ કૉંગ્રેસ મંત્રીમંડળની રચના થતાં પ્રતિબંધ પૂરેપૂરો ઉઠાવી લેવાયો હતો. 1974માં નગ્નમુનિએ તેનું નાટ્ય-રૂપાંતર કરી તેના અનેક વાર સફળતાપૂર્વક પ્રયોગો કર્યા. 1976માં ભારતીય સાહિત્ય અકાદમીએ તેની સંક્ષિપ્ત આવૃત્તિ પ્રગટ કરી હતી.
કર્તાએ કૃતિ માટે 2 શીર્ષક પ્રયોજ્યાં છે – ‘માલપલ્લી’ (અછૂતોનું ગામ) અને ‘સંઘવિજયમ્’ (સંઘની જીત). વાસ્તવમાં આ કૃતિમાં 2 નવલકથાઓનું એક કથારૂપે એકત્રીકરણ કરવાનો પ્રયાસ કરાયો છે અને કર્તાને તેમાં સર્વત્ર સફળતા મળી નથી. આ કૃતિમાં નાયકની અને ભૂમિની કથા છે એમ પણ કહેવાયું છે. એક શ્રદ્ધાળુ ‘દસારી’ (અછૂત જાતિના ધર્મોપદેશક) રામદાસ તથા તેમના 2 પુત્રો સંઘદાસુ તથા વેંકટદાસુને અનુલક્ષીને નિરૂપાયેલી આ પરિવાર-કથા છે. 2 પુત્રો નિમિત્તે સામાજિક તથા રાજકીય સમસ્યા પરત્વેના 2 અભિગમો નિરૂપાયા છે – એક સહજ વિકાસક્રમનો અને બીજો ક્રાંતિનો. દ્વિધાભાવના અનેક અનુભવો પછી પોતાની નવલકથાના ‘સંઘવિજયમ્’ શીર્ષક દ્વારા પોતાની શ્રદ્ધા ગાંધીજીની અસહકારની ભાવનામાં ઠેરવી છે.
પાત્રોના અને તેમાંયે ખાસ કરીને સ્ત્રી-પાત્રોના ચિત્રણમાં લેખકે ઉત્તમ કૌશલ્ય દર્શાવ્યું છે. ગ્રામવિસ્તારના સમાજનું આલેખન અધિકૃત અને અર્થપૂર્ણ બન્યું છે. એમ પણ કહેવાયું છે કે ‘માલપલ્લી’ મહાન નવલકથા છે, પણ ઉન્નવ મહાન નવલકથાકાર નથી. વસ્તુસંકલન તથા સુગ્રથિતતામાં આ લેખકની શિથિલતા વરતાય છે. સાહિત્યિક તેમ બોલચાલની ભાષાના મિશ્રણના પરિણામે કૃતિની શૈલી ક્યાંક કૃત્રિમ અને ક્યાંક અવાસ્તવિક લાગે છે. આવા કેટલાક દોષો છતાં, ‘માલપલ્લી’ એક મહત્વાકાંક્ષી કૃતિ છે; કારણ કે લેખકે તે દ્વારા તેલુગુ સાહિત્યલેખનની કેટલીક રૂઢ પ્રણાલીઓ-પરંપરાઓની પકડમાંથી નવલકથાને મુક્ત કરવાનું તાક્યું છે. આ કથામાં સંઘ એટલે કે સમાજનો વિજય બતાવાયો છે.
ચન્દ્રકાન્ત મહેતા