માલની હેરફેર (material handling) : કોઈ પણ પ્રકારના માલને તેની જરૂરિયાત પ્રમાણેની જગ્યાએ લઈ જવો તે. વસ્તુઓના ઉત્પાદનમાં કે બાંધકામકાર્યોમાં માલની હેરફેર, માલનું પરિવહન તે એક મહત્વની ક્રિયા બની રહે છે; દા.ત., રસ્તા, પુલ કે મકાનો બાંધવામાં વપરાતાં રેતી, સિમેન્ટ, પથ્થર, ઈંટો, લાકડું, લોખંડના સળિયા જેવા કાચા માલને જ્યાં બાંધકામ થતું હોય ત્યાં પહોંચાડવો પડે. તેવી જ રીતે કારખાનાંમાં – પછી તે રસાયણો બનાવતું કારખાનું હોય કે એન્જિનિયરિંગ કે વીજળીની મોટરો, ઘડિયાળો, બૉઇલરો, રેફ્રિજરેટરો વગેરે વપરાશી માલ બનાવતું કારખાનું હોય, ત્યાં – કાચો માલ અનેક સ્વરૂપમાં જરૂરી બને છે. કાચા માલની તેના મૂળ કે ઉત્પાદનના સ્થાનેથી જ્યાં વપરાવાનો હોય ત્યાં સુધીની હેરફેરને તેમજ કાચા માલમાંથી તૈયાર થઈ ગયેલ વસ્તુઓને ઉપભોક્તા સુધી લઈ જવાની હેરફેરને માલની બાહ્ય હેરફેર (external material handling) કહેવાય. આવી બાહ્ય હેરફેર માટે મુખ્યત્વે રેલગાડીઓ અને નાનામોટા ટ્રક વપરાય છે.

કાચા માલને પ્રથમ વપરાવાના સ્થળે યોગ્ય જગ્યાએ મૂકવામાં આવે અને પછી જરૂરિયાત પ્રમાણે તેને કાર્યસ્થળે લઈ જઈ તેના પર એક કે તેથી વધુ જગ્યાએ પ્રક્રિયા થાય. આ પ્રકારની માલની હેરફેરને કાર્યસ્થળ કે કારખાનામાંની આંતરિક માલ હેરફેર (internal material handling) કહેવાય.

આકૃતિ 1 : વીજળીથી ચાલતું કેઇજ એલિવેટર

માલની હેરફેરનો ઇતિહાસ માનવ-સંસ્કૃતિ અને વિકાસ સાથે સંકળાયેલ છે. માનવીની સુવિધાઓ તેનાથી ઉપભોગમાં લેવાતી અનેકવિધ વસ્તુઓ અને સાધનો સાથે ગાઢ રીતે સંકળાયેલ છે. વિજ્ઞાન અને ટૅકનૉલૉજીના વિકાસ સાથે માલની હેરફેર માટે વપરાતાં સાધનોનો પણ વિકાસ થતો રહ્યો. પાષાણયુગમાં અને ત્યારબાદ મધ્યયુગમાં વપરાતા માલની હેરાફેરીનાં સાધનોમાં નદી, ટેકરા અને નાળાંનો; ઊંટ, ખચ્ચરો, ઘોડા, હાથી, બળદ વગેરે પશુઓનો ઉપયોગ થતો. આજે બાહ્ય પરિવહનનાં રેલગાડીઓ અને ટ્રકો જેવાં સાધનોમાં પૂરા પ્રમાણમાં યાંત્રિકતા જોવા મળે છે. વળી આંતરિક હેરફેરનાં અનેકવિધ સાધનોમાં પણ મોટા પાયે યાંત્રિક ઉપરાંત સ્વયંસંચાલન (automation) જોવા મળે છે. માલની હેરફેર માટે માનવી શારીરિક શ્રમમાંથી મહદ્અંશે મુક્ત થયો છે. આધુનિક ટૅકનૉલૉજીની આ દેન છે.

આંતરિક હેરફેર માટેનાં સાધનો : અનેક પ્રકારનાં સાધનો આંતરિક હેરફેર માટે વપરાય છે. હેરફેરનો માર્ગ, જે વસ્તુઓની હેરફેર કરવાની છે તેનાં પ્રકાર કદ, વજન, સંખ્યા, હેરફેરની રીત (જેમ કે, તૂટક-તૂટક સમયે કે એકધારી લાંબા સમય માટે સતત હેરફેર કરવાની હોય – તે અંગેની) વગેરે બાબતો ધ્યાનમાં રાખીને હેરફેરનાં સાધનોની પસંદગી કરાય છે. આંતરિક હેરફેર માટે વપરાતાં મુખ્ય સાધનો નીચે પ્રમાણે છે :

(1) લિફ્ટો (lifts)/એલિવેટરો (elevators) : એક જ સ્થળે વ્યક્તિઓને/વસ્તુઓને ઉપર-નીચે લઈ જવા માટે વપરાય છે. તેમાં પાંજરા(કૅબિન)નું ઉપર-નીચે થતું ચલન ચોક્કસ પ્રયુક્તિથી નિશ્ચિત મર્યાદામાં રહે છે. કદ, વજન, ગતિ, ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રૉનિક અંકુશ વગેરે બાબતોને લીધે અનેક પ્રકારની લિફ્ટો ઉપલબ્ધ છે. બહુમાળી મકાનોમાં લિફ્ટનો ઉપયોગ સામાન્ય બની ગયો છે.

આકૃતિ 2 : પૅસેન્જર લિફ્ટ

(2) ક્રેનો (ઊંટડાઓ) : ઉપર-નીચે, આજુબાજુ એમ બધી દિશાઓમાં માલવહન માટે ક્રેનોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. સ્થાયી પ્રકારની (stationary) કે કોઈ પણ જગ્યાએ લઈ જઈ શકાય તેવી (portable/mobile) ક્રેનો હોય છે. મુખ્ય પ્રકારની ક્રેનોમાં (i) વૉલ જિબ ક્રેન, (ii) રોટરી પિલર સાથેની જિબ ક્રેન, (iii) ડેરિક ક્રેન, (iv) કેન્ટિલીવર જિબ ક્રેન, (v) મૉનોરેલ ક્રેન, (vi) ઓવરહેડ ટ્રાવેલિંગ ક્રેન, (vii) ટ્રક કે ટ્રૅક્ટર પર મુકાયેલ ફરતી ક્રેન વગેરે.

આકૃતિ 3 : A-ફ્રેમ ડેરિક ક્રેન

આકૃતિ 4 : ડબલ ગર્ડર ઓવરહેડ ટ્રાવેલિંગ ક્રેન

આકૃતિ 5 : ગેન્ટ્રી ક્રેન

આકૃતિ 6 : ટ્રક પર મુકાયેલ ક્રેન

(3) કન્વેયરો (conveyours) : માલની હેરફેર માટે કન્વેયરોનો પણ બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. બેલ્ટ-કન્વેયર અને ચેન-કન્વેયર એ મુખ્ય પ્રકારો છે. જ્યાં માલનું વહન સતત કરવાનું હોય અને કોલસો, પથ્થરની કપચી, બાટલીઓ જેવો નાનું કદ-પ્રમાણ ધરાવતો માલ હોય ત્યાં કન્વેયરોનો ઉપયોગ થાય છે.

(4) જમીન પર ચાલતાં વાહનો : ઉપરના ત્રણેય પ્રકારમાં જે વસ્તુઓની હેરફેર કરવાની છે તેમને ઊંચે અથવા ઊંચે લઈને પછી આજુબાજુ લઈ જવામાં આવે છે. જ્યારે આ ચોથા પ્રકારમાં હાથથી ચાલતી કે પાવરથી ચાલતી નાની ટ્રૉલી, ટ્રક અને સ્ટેકરમાં મૂકી વસ્તુઓની હેરફેર કરાય છે.

પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ

ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ