માલકાંગણી : દ્વિદળી વર્ગમાં આવેલા સિલેસ્ટ્રેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Celastrus paniculatus Willd. (સં. જ્યોતિષ્મતી; હિં. માલકંગની; બં. લતાફટકી; મ. માલકોંગોણી; ત. વલુલુવઈ; ક. કૈગુએરડું; તે. વાવંજી; અં. સ્ટાફ ટ્રી) છે. તે પીળાં ફળ ધરાવતી મોટી આરોહી ક્ષુપ પ્રકારની વનસ્પતિ છે અને 1,200 મી.ની ઊંચાઈ સુધી ભારતમાં પહાડી પ્રદેશોમાં બધે જ થાય છે. તે પુષ્પો વડે લદાયેલી હોય ત્યારે ઝૂકેલી હોય છે. પર્ણો સાદાં એકાંતરિક, 5 સેમી.થી 10 સેમી. લાંબાં અને 2.5 સેમી.થી 7.5 સેમી. પહોળાં હોય છે. તેની પર્ણકિનારી છીછરી, દંતુર અને પર્ણાગ્ર અણીદાર હોય છે. પુષ્પો નાનાં, પીળાશપડતાં લીલાં અને સુગંધિત હોય છે. પુષ્પનિર્માણ એપ્રિલ-મેમાં થાય છે. જૂન-જુલાઈમાં ફળ પાકે છે. બીજ બદામી રંગનાં હોય છે અને સિંદૂરી લાલ રંગનાં બીજોપાંગ (aril) વડે આવરિત હોય છે.

માલકાંગણીની પુષ્પ સહિતની શાખા
તેનાં પર્ણો આર્તવજનક (emmenagogue) હોય છે અને તેમનો રસ અફીણના વિષાક્તન (poisioning) સામે પ્રતિકારક (antidote) તરીકે કાર્ય કરે છે.
આયુર્વેદ અનુસાર રસકાળે તે કિંચિત્ કડવી, કિંચિત્ તીખી, દાહકર, અગ્નિદીપક, અતિઉષ્ણ, મેધા તથા પ્રજ્ઞાને પુષ્ટ કરનારી, વૃષ્ય, તીક્ષ્ણ, વર્ણકર અને તૂરી છે. તે કફ, વાત, વ્રણ, પાંડુ, વિસર્પ અને ઉદરપીડાનો નાશ કરનારી છે. તેનું તેલ કડવું, અતિઉષ્ણ, સારક, તીક્ષ્ણ, પિત્તલ, સ્મૃતિ-બુદ્ધિ-મેધાને વધારનારું, લેખન, રસાયન અને અગ્નિદીપક છે અને વાયુ, ત્રિદોષ અને કફનો નાશ કરનાર છે. તેનું તેલ 2થી 10 ટીપાંની માત્રામાં આપવામાં આવે છે.
અફીણના વિષ ઉપર માલકાંગણીના પર્ણનો રસ પાવામાં આવે છે. ખસ ઉપર તેનાં બીજનું તેલ ચોપડવામાં આવે છે અથવા બીજ ગોમૂત્રમાં વાટી ચોપડવામાં આવે છે. તેનાં બીજ, સૂંઠ અને અજમો સમભાગે લઈ, તેમને તેથી બેગણા જૂના ગોળ સાથે એકઠાં ખાંડી 6 ગ્રા. જેવડી ગોળીઓ તૈયાર કરવામાં આવે છે. એ ગોળી રોજ એક સર્વ વાયુ ઉપર ઘી સાથે આપવામાં આવે છે. તેનું તેલ સાજીખાર અને હિંગ સાથે દૂધમાં પીવાથી ઉદરરોગ મટે છે. તેનાં પર્ણો કાંજી સાથે બાફીને ખાવાથી સ્ત્રીને સાફ આર્તવ આવે છે. રક્તમૂળવ્યાધિ (દૂઝતા હરસ) ઉપર બીજ વાટીને લેપ લગાડવામાં આવે છે. સર્પના વિષ ઉપર તેનાં મૂળ ઘસીને ચોપડવામાં આવે છે.
તેનાં બીજમાંથી સિલેસ્ટ્રીન (C19 H25 NO3) અને પેનિક્યુલેટિન નામનાં બે ઍલ્કેલૉઇડ પ્રાપ્ત થયાં છે. સિલેસ્ટ્રીનની મગજ ઉપર ઉત્તેજક અસર થાય છે.
ભાલચન્દ્ર હાથી
બળદેવભાઈ પટેલ