માર્સો, માર્સલ (જ. 1923, સ્ટ્રેસબર્ગ, ફ્રાન્સ) : ફ્રાન્સના મૂક-અભિનયના જાણીતા કલાકાર. તેમણે પૅરિસમાં ઇકૉલ દ બોઝાર્ત ખાતે અભ્યાસ કર્યો.
1948માં તેમણે માઇમ માર્સલ માર્સો નામે સંસ્થા સ્થાપી; તેમાં તેમણે મૂક-અભિનયકલાને પદ્ધતિસર વિકસાવી અને તે કલાના તેઓ અગ્રણી પુરસ્કર્તા બની રહ્યા. તેમનું શ્વેતરંગી ચહેરો ધરાવતું ‘બિપ’ નામનું પાત્ર રંગભૂમિ તથા ટેલિવિઝન મારફત તેના દેખાવ વગેરેના કારણે વિશ્વભરમાં પ્રસિદ્ધિ અને લોકચાહના પામ્યું છે. તેમણે સ્વયં સર્જેલાં મૌલિક માઇમ-સર્જનોમાં માઇમ નાટ્ય ‘ડૉન જુઆન’ (1964) તથા બૅલે ‘કૅન્ડિડ’ (1971) મુખ્ય છે. તેમણે આશરે 100 જેટલાં પૅન્ટોમાઇમ તૈયાર કર્યાં છે. તેમાં ‘ધ ક્રિએશન ઑવ્ ધ વર્લ્ડ’ સવિશેષ ધ્યાનપાત્ર છે.
મહેશ ચોકસી