માર્સિલિયો ઑવ્ પદુઆ (જ. 1275; અ. 1342) : ઇટાલીના વિદ્વાન અને રાજકીય ચિંતક. તેમના પિતા પદુઆના નૉટરી હતા. પ્રારંભે તેમણે યુનિવર્સિટી ઑવ્ પદુઆમાં અને ત્યારબાદ યુનિવર્સિટી ઑવ્ પૅરિસમાં તત્વજ્ઞાન અને મેડિસિનનો અભ્યાસ કર્યો. 1312માં તેઓ આ જ પૅરિસ યુનિવર્સિટીના રેક્ટર બન્યા. ઉત્તર મધ્યકાલીન ચિંતકો અને ચર્ચસુધારકો પર તેમનો ભારે પ્રભાવ રહ્યો.
રાજા લૂઈ ચોથો જ્યારે 22મા પોપ જૉન સાથે રાજ્ય અને ચર્ચની સત્તા બાબતે સંઘર્ષ કરી રહ્યો હતો ત્યારે પોતાના સમર્થન માટે વિદ્વાન ચિંતકની શોધમાં હતો અને તેણે માર્સિલિયોને આમંત્રિત કર્યા. આ અરસામાં તેમણે ‘ટ્રૅક’ (Tract) અને ‘ડિફેન્સર પેસિસ’ (Defensor Pacis) ગ્રંથોની રચના કરી. 1324માં આ ગ્રંથોનું કાર્ય પૂર્ણ થયેલું. આ ગ્રંથોમાં, રાજ્ય ધર્મથી પણ ઉપરવટનું સ્થાન ધરાવે છે તેમ માનનાર મુસ્લિમ વિચારક જૉન ઑવ્ જાનદુને તેમને ભારે મદદ કરી હતી. 1326માં આ ગ્રંથો પ્રકાશિત થયા અને લેખકોનાં નામ જાહેર થયાં ત્યારે તેમને નાસીને નુરેમ્બર્ગ ચાલ્યા જવું પડેલું, કારણ, આ ગ્રંથ મધ્યયુગનો ક્રાંતિકારી દસ્તાવેજ પુરવાર થયો. એમાં (1) રાજકીય સત્તાના સ્રોતની અને (2) રાજ્યની અને ચર્ચની સત્તામાં સર્વોચ્ચ સત્તા કોની – આ બે બુનિયાદી મુદ્દાઓની ચર્ચા કરી છે. આ ગ્રંથોમાં તેમણે દર્શાવ્યું કે તમામ સત્તા મૂળભૂત રીતે લોકો પાસેથી મેળવવામાં આવે છે અને શાસક લોકોનો પ્રતિનિધિ છે. કાયદો શાસકની નહિ, પરંતુ લોકોની ઇચ્છાની અભિવ્યક્તિ છે. ચર્ચને પણ લોકોની ઇચ્છાથી અલગ કોઈ સત્તા હોતી નથી તેમજ તે રાજકીય શાસક હેઠળ કામ કરતું હોવું જોઈએ. ચર્ચનું કાર્યક્ષેત્ર માત્ર ભક્તિ કે પ્રાર્થનાનું જ છે. ચર્ચ રાજ્યને અધીન છે અને રાજ્ય પાસેથી આધ્યાત્મિક અને ધાર્મિક ક્ષેત્રની સત્તા પ્રાપ્ત કરે છે. ચર્ચમાં સુધારાઓ કરવાનું કાર્ય લોકોનું પ્રતિનિધિત્વ કરતાં નિયતકાલિક મંડળોને સોંપાવું જોઈએ, આમ કહી ચર્ચના નિયમોમાં સુધારાઓની ભલામણ કરેલી. રાજ્ય, ચર્ચ સહિત સમાજની વિવિધ સંસ્થાઓને જોડે છે, આથી ચર્ચ પણ રાજ્યની જ એક સંસ્થા હોવાથી રાજ્યને અધીન હોવું જોઈએ.
મધ્યયુગમાં પોપની સત્તા વિરુદ્ધ તેમનાં આ દસ્તાવેજી લખાણોએ પ્રચંડ વિરોધવંટોળ પેદા કર્યો. પોપે તેમનાં લખાણો દૂષિત ગણાવ્યાં અને તેમનો બહિષ્કાર કરવામાં આવ્યો. આમ છતાં સમ્રાટના રક્ષણ હેઠળ તેમણે પોતાનું કાર્ય ચાલુ રાખ્યું અને 1326માં તેમણે બવેરિયા જવાનું પસંદ કર્યું. આ પછીનાં લખાણો(1342)માં લગ્નવિષયક બાબતો પણ શાસકનું કાર્યક્ષેત્ર છે તેમ તેમણે જણાવેલું. તેઓ અસાધારણ મૌલિક શક્તિ અને ચિંતન ધરાવતા વિચારક હોવા છતાં તેમનાં લખાણોમાં અતિશયોક્તિપૂર્ણ સામ્રાજ્યવાદી ર્દષ્ટિબિંદુ વ્યક્ત થયું છે એમ કેટલાક વિચારકોનો અભિપ્રાય છે.
રક્ષા મ. વ્યાસ