માર્સિલિયેસી : વનસ્પતિઓના ત્રિઅંગી વિભાગના લેપ્ટોસ્પૉરેન્જિયૉપ્સિડા વર્ગનું જલજ હંસરાજ ધરાવતું એક વિષમ-બીજાણુક (heterosporous) કુળ. આ કુળમાં ત્રણ પ્રજાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે : (1) Marsilea; (2) Pilularia અને (3) Regnellidium. માર્સિલિયા ઉષ્ણ પ્રદેશોમાં જલજ કે ઉપજલજ (subaquatic) હંસરાજ તરીકે નૈસર્ગિક રીતે ઊગે છે. તેની વિશ્વમાં 53 જાતિઓ, ભારતમાં 9 જાતિઓ અને ગુજરાતમાં 3 જાતિઓ નોંધાઈ છે, તે પૈકી Marsilea minuta, M. hirsuta, M. condensata, M. quadrifolia, M. vestita અને M. aegyptica મુખ્ય છે. M rajasthanensis રાજસ્થાન અને રણપ્રદેશોમાં મળી આવતી જાતિ છે. M. brachypus પંજાબમાં અને M. gracilenta પર્વતીય પ્રદેશોમાં નૈસર્ગિક રીતે ઊગે છે.

Marsileaની બીજાણુજનક (sporophyte) અવસ્થા દ્વિગુણિત (diploid) હોય છે. આ અવસ્થા મુખ્ય હોય છે અને 10 સેમી.થી 15 સેમી. ઊંચી હોય છે. તેનું ભૂમિગત પ્રકાંડ ગાંઠામૂળી પ્રકારનું હોય છે. તેમાંથી ઉત્પન્ન થતી શાખાઓ અશક્ત હોવાથી જમીન ઉપર પ્રસરેલી હોય છે. તેની ગાંઠના નીચેના ભાગમાંથી અસ્થાનિક તંતુમય શાખિત કે અશાખિત મૂળ અગ્રાભિવર્ધી ક્રમ(acropetal succession)માં ઉદભવે છે. પર્ણવિન્યાસ (phyllotaxy) એકાંતરિક દ્વિપંક્તિક (distichous) પ્રકારનો હોય છે. તેનાં પર્ણો સંયુક્ત ચતુષ્પર્ણી (quadrifoliate), પંજાકાર (palmate) પ્રકારનાં જોવા મળે છે. પર્ણદંડ લાંબો, પાતળો અને લીસો હોય છે, જેની ટોચે ચાર પ્રતિઅંડાકાર (obovate) પર્ણિકાઓ આવેલી હોય છે. તેમની કિનારી અખંડિત કે આરાવત્ હોય છે અને બંધ જાલાકાર શિરાવિન્યાસ જોવા મળે છે.

આ કુળમાં બીજાણુઓ ધારણ કરતા અંગને બીજાણુફલિકા (sporocarp) કહે છે. તે સંપુટમય દ્વિકપાટીય રચના છે, અને જમીનથી થોડે ઊંચે એકાકી (solitary) કે 2થી 20ની સંખ્યામાં પર્ણદંડ ઉપર ઉત્પન્ન થાય છે. તેની દીવાલ ત્રિસ્તરીય હોય છે. સંપુટમાં શ્લેષ્મી વલય અને બીજાણુધાનીપુંજો (sori) જોવા મળે છે. બીજાણુધાનીપુંજ બે હરોળમાં એકાંતરિક રીતે ગોઠવાયેલ હોય છે. પ્રત્યેક બીજાણુધાનીપુંજમાં અગ્રભાગ તરફ 4થી 8 જેટલી મહાબીજાણુધાનીઓ અને પશ્ચભાગે લાંબા દંડવાળી 8થી 13 જેટલી લઘુબીજાણુધાનીઓ આવેલી હોય છે. સમગ્ર બીજાણુધાનીપુંજની ફરતે પુંજછદ (indusium) નામનું એક દ્વિસ્તરીય રક્ષણાત્મક આવરણ જોવા મળે છે. પ્રત્યેક મહાબીજાણુધાનીમાં 8થી 16 જેટલા મહાબીજાણુઓ અને લઘુબીજાણુધાનીમાં 32થી 64 જેટલા લઘુબીજાણુઓ ઉદભવે છે. આમ, આ કુળમાં બે પ્રકારના બીજાણુઓ ઉદભવતા હોવાથી તે વિષમબીજાણુક છે. તેઓ અર્ધસૂત્રી ભાજનથી ઉત્પન્ન થતા હોવાથી એકગુણિત (haploid) હોય છે. લઘુબીજાણુના અંકુરણથી અલ્પવિકસિત નરજન્યુજનક(male gametophyte)નું અને મહાબીજાણુના અંકુરણથી માદાજન્યુજનક(female gametophyte)નું નિર્માણ થાય છે. આ જન્યુજનકો ઉપર લિંગી પ્રજનનાંગો અને જન્યુઓ ઉત્પન્ન થાય છે. તેમના ફલનથી ઉદભવતા યુગ્મનજ(zygote)ના વિકાસથી બીજાણુજનક અવસ્થાનું નિર્માણ થાય છે.

માર્સિલિયેસી : (અ) Pilularia globulifera, (આ) Regne llidium diphyllum, (ઇ) Marsilea minuta.

Regnellidium diphyllum બ્રાઝિલમાંથી શોધાયેલી જાતિ છે અને વનસ્પતિઉદ્યાનોમાં ઉછેરવામાં આવે છે. તેનો બીજાણુજનક પ્રવૃંત (root stock) ધરાવે છે. તેમાંથી હવાઈ પ્રરોહ વિકાસ પામે છે. તેનું પ્રકાંડ અશક્ત અને ભૂપ્રસારી હોય છે. તેના નીચેના ભાગમાંથી અસ્થાનિક તંતુમય મૂળો ઉદભવે છે. પ્રકાંડ ઉપર પર્ણો બે ઊભી હરોળમાં ગોઠવાયેલાં અને દ્વિખંડી હોય છે. પર્ણદંડના તલસ્થ ભાગમાંથી બીજાણુફલિકા ઉત્પન્ન થાય છે. તેમાં લઘુબીજાણુધાનીઓ અને મહાબીજાણુધાનીઓ આવેલી હોય છે.

Pilularia યુરોપ, અમેરિકા અને ઑસ્ટ્રેલિયામાંથી મળી આવે છે. આ પ્રજાતિની લગભગ 6 જેટલી ઘાસ જેવી જાતિઓ થાય છે. તે કાદવવાળી ભીની માટીમાં ઊગે છે. તેનું ભૂમિગત પ્રકાંડ પ્રવૃંત પ્રકારનું હોય છે. ક્યારેક પાણીમાં તે મુક્ત રીતે તરતી હોય છે. ભૂપ્રસારી પ્રકાંડમાંથી ટટ્ટાર, લીલા રંગના તંતુઓ જેવા પત્રાક્ષ વિકાસ પામે છે, પરંતુ પર્ણિકાઓ ઉત્પન્ન થતી નથી. પત્રાક્ષ રંગે લીલા હોવાથી તે પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરી શકે છે. જમીનને લગોલગ પ્રકાંડ પરથી બીજાણુફલિકાઓ ઉદભવે છે.

જૈમિન વિ. જોશી