માર્શલ યોજના : 1948–52 દરમિયાન, બીજા વિશ્વયુદ્ધને કારણે ભાંગી પડેલા યુરોપને બેઠું કરવા માટે, યુનાઇટેડ સ્ટેટ્સે અપનાવેલા યુરોપિયન રિકવરી પ્રોગ્રામનું લોકપ્રચલિત નામ.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1941ના લૅન્ડ લીઝ ઍક્ટ હેઠળ યુનાઇટેડ સ્ટેટ્સે મિત્રરાજ્યોને ભરપૂર સહાય કરી હતી. બ્રિટન ને અન્ય મિત્રરાજ્યને લશ્કરી સામગ્રી આપવાની તેમાં જોગવાઈ હતી. આ રકમની ચુકવણી યુદ્ધ પછી તેઓ કરી શકે એમ હતું. યુદ્ધ પૂરું થયું ત્યારે પ્રમુખપદે નવાસવા આવેલા ટ્રુમેને આ ગોઠવણની સમાપ્તિ જાહેર કરી દીધી.
યુદ્ધે યુરોપમાં ભારે વિનાશ વેર્યો હતો. તેમાં સંડોવાયેલા દેશોમાં અર્થતંત્ર, ખેતી ને ઉદ્યોગ છિન્નભિન્ન થઈ ગયાં હતાં. અર્થતંત્રને બેઠું કરવાનું મોટું કામ તેમની સામે હતું, મૂડીના ઉદ્યોગોને ફરી ધમધમતા કરવાના હતા અને આ માટે જરૂરી પર્યાપ્ત નાણાકીય સાધનો તો તેમની પાસે હતાં નહિ. વિદેશથી જાતજાતની સાધનસામગ્રી મંગાવવી પડે તેમ હતું, પરંતુ તે માટે જરૂરી વિદેશી મુદ્રા તેઓ કમાઈ શકે એમ નહોતાં. આ પરિસ્થિતિમાં લૅન્ડ લીઝ ગોઠવણની સમાપ્તિ તેમને માટે ભારે આઘાતરૂપ હતી. વિશ્વબૅંક અને આંતરરાષ્ટ્રીય નાણાભંડોળની સ્થાપના તો થઈ હતી, પરંતુ લાંબા ગાળા માટે મોટા પાયા પર જુસ્સાભેર સહાય કરવાના ભગીરથ કાર્ય માટે તે પૂરતાં સક્ષમ નહોતાં.
વળી યુરોપના આ દેશોની સ્થિતિ સુધરવા ન માંડે તો રાજકીય અશાંતિ ને અસંતોષ સર્જાય, સામ્યવાદી પક્ષો અને ચળવળ મજબૂત બને, ચૂંટણી કે વિદ્રોહ દ્વારા સત્તા કબજે કરવાનો તેઓ પ્રયત્ન કરે એવો પણ સંભવ હતો. સોવિયેત રશિયા તો આ તકનો લાભ લેવા તત્પર જ હતું. સામ્યવાદના વિસ્તારનો ભય પણ આ રીતે મિત્રરાજ્યોને સતાવતો હતો. લોકતંત્રની સંસ્થાઓ વિકસી શકે તે માટે આ દેશોમાં સ્થિરતાનું વાતાવરણ સર્જાય તે જરૂરી હતું.
આ પરિસ્થિતિનું આકલન યુનાઇટેડ સ્ટેટ્સના તત્કાલીન સેક્રેટરી ઑવ્ સ્ટેટ જ્યૉર્જ માર્શલે પોતાના 5 જૂન, 1947ના હાર્વર્ડ યુનિવર્સિટી વ્યાખ્યાનમાં કર્યું. તેમના વક્તવ્યનો સાર આ હતો : આવતાં ત્રણચાર વર્ષમાં યુરોપને વિદેશોનાં ને ખાસ તો યુનાઇટેડ સ્ટેટ્સનાં અન્ન ને અન્ય આવશ્યક માલસામાનની ભારે જરૂર રહેશે; આજે આ સર્વ માટે ચુકવણી કરવાનું કામ તેની શક્તિ બહારનું છે; તેને આથી ગણનાપાત્ર સહાય મળવી જોઈએ; નહિતર ગંભીર પ્રકારની આર્થિક, સામાજિક અને રાજકીય અવનતિનો સામનો તેણે કરવો પડશે. આના અનુસંધાને તેમણે યુરોપિયન રિકવરી પ્રોગ્રામનો પ્રસ્તાવ મૂક્યો. માર્શલ યોજના તરીકે તે જાણીતો બન્યો. એમાં પ્રથમવાર મહાસત્તાએ ખુલ્લંખુલ્લી રીતે આર્થિક સહાયને પોતાનાં રાજકીય ને લશ્કરી હિત સુર્દઢ કરવાના કામ સાથે જોડી હતી.
એપ્રિલ 1948માં યુનાઇટેડ સ્ટેટ્સની કૉંગ્રેસે ઇકોનૉમિક કો-ઑપરેશન ઍક્ટ પસાર કરી માર્શલની યોજનાને નક્કર રૂપ આપ્યું. તદનુસાર સહાય અંગેના નિર્ણયો માટે ઇકોનૉમિક કો-ઑપરેશન એડ્મિનિસ્ટ્રેશન રચાયું. પૉલ. જી. હૉફમૅન તેના વડા હતા. આ તંત્ર દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સે યુરોપને આર્થિક પુનર્નિર્માણ માટે સહાય કરી.
સહાય મેળવવા ઇચ્છુક પશ્ચિમ યુરોપના દેશોએ, તેમનાં અર્થતંત્ર યુદ્ધ પૂર્વેની ઉત્પાદકતાની સપાટીએ પહોંચે તે લક્ષ્યને કેન્દ્રમાં રાખીને રાષ્ટ્રીય આર્થિક કાર્યક્રમ તૈયાર કર્યા. તેમાં પોતે વધુમાં વધુ કેટલાં સંસાધન આંતરિક રીતે આ કાર્ય માટે એકત્રિત કરી શકશે તેનોય ક્યાસ આપ્યો હતો. સહાય માગનાર આ સર્વ દેશોના કાર્યક્રમોનું સંકલન કરવાનું કામ પૅરિસ-સ્થિત ઑર્ગનિઝેશન ઑવ્ યુરોપિયન ઇકોનૉમિક કો-ઑપરેશને (O.E.E.C.) કર્યું હતું ને સહાય માટેનો સુસંકલિત પ્રસ્તાવ તેણે યુનાઇટેડ સ્ટેટ્સના ઇકોનૉમિક કો-ઑપરેશન એડ્મિનિસ્ટ્રેશન સમક્ષ મૂક્યો હતો. વાટાઘાટોના અંતે ન્યૂનતમ જરૂરિયાત અને મહત્તમ આંતરિક પ્રયત્ન વચ્ચેના તફાવતની પૂર્તિ માટે દરેક દેશને કેટકેટલી સહાય આપવી તે ઠરાવાતું. સહાય ઓઈઈસી મારફતે અપાતી ને તેના ઉપયોગ પર દેખરેખ રાખવાનું કામ પણ તેનું હતું.
યુરોપનાં યોજકો ને કંપનીઓ યુનાઇટેડ સ્ટેટ્સમાંથી આ યોજના-અન્વયે જે ચીજ-સેવાઓ ખરીદતાં તેનાં નાણાં પોતાના ચલણમાં તેઓ સરકારને ચૂકવતા. આ રીતે એકત્રિત થતાં ભંડોળોમાંથી જે તે દેશની સરકારો, ઇકોનૉમિક કો-ઑપરેશન એડ્મિનિસ્ટ્રેશનની સંમતિ મેળવ્યા બાદ જાહેર સેવાઓ વિકસાવવા પાછળ ખર્ચ કરી શકતી.
માર્શલ યોજના આમ તો યુરોપના તમામ દેશો માટેની હતી; પરંતુ સહાયની પૂર્વશરત તરીકે જરૂરી માહિતી પૂરી પાડવાની ને અન્ય દેશોના પુનરુત્થાન અંગેના કાર્યક્રમો સાથે સંકલન સાધવાની પ્રત્યેક દેશની ફરજ હતી. આ અસ્વીકાર્ય હોવાને કારણે સોવિયેત રશિયા ને અન્ય સામ્યવાદી દેશો તેમાં જોડાયા નહોતા. ફિનલૅન્ડ પણ અલિપ્ત રહ્યું હતું. સ્પેનને તે ફાસીવાદી હોવાને કારણે બાકાત રાખવામાં આવ્યું હતું. પશ્ચિમ જર્મની સહિતના યુરોપના સત્તર દેશો આ યોજનામાં જોડાયા હતા.
યોજનાનાં ચાર વર્ષ દરમિયાન પશ્ચિમ યુરોપને આશરે 17 અબજ ડૉલર અમેરિકન સહાય તરીકે મળ્યા હતા એવો એક અંદાજ છે. મોટાભાગની સહાય ગ્રાન્ટ તરીકે અપાઈ હતી. લોનનું પ્રમાણ ઓછું હતું.
તેની પાછળના ઉદ્દેશ મહદ્અંશે પરિપૂર્ણ થયા હતા. સહાય મેળવનાર દેશોમાં સમગ્ર રીતે એકંદર રાષ્ટ્રીય ઉત્પાદન (GNP) 25% વધ્યું, ઔદ્યોગિક ઉત્પાદનમાં 35%ની વૃદ્ધિ થઈ, ખેત-ઉત્પાદન પણ 10% વધ્યું. યુરોપીય પુનરુત્થાન વાસ્તવિક હકીકત બની. વળી યુરોપમાં સામ્યવાદ ફેલાવાનો ડર પણ દૂર થયો, ખાસ કરીને ઇટાલી ને ફ્રાન્સમાં. આ ર્દષ્ટિએ સ્થિતિ સુધરી. અન્યત્ર પણ સામ્યવાદી પક્ષોનું જોર ઘટ્યું. સામ્યવાદને ખાળવાની ટ્રુમેન-નીતિ આ યોજનાને કારણે પરિપૂર્ણ થઈ.
માર્શલ યોજના પર બે પ્રકારની ટીકા થઈ છે. એક તો તેને કારણે શીતયુદ્ધની તાણ વધી એમ ઘણા યુરોપવાસીઓને લાગ્યું. યુરોપના અનેક દેશોને, મહાસત્તાઓ વચ્ચેની સ્પર્ધાને કારણે, યુનાઇટેડ સ્ટેટ્સના નેતૃત્વ હેઠળનાં લશ્કરી જોડાણોમાં સામેલ થવાની લગભગ ફરજ પડી. બીજું, યોજનાના કારણે યુરોપ આર્થિક ર્દષ્ટિએ સુર્દઢ સંકલન સાધશે ને એક બનશે એવી માર્શલની અપેક્ષાને તેના અમલ વખતે અવગણવામાં આવી હતી, એમ કેટલાક સમવાયતંત્રના પુરસ્કર્તાઓ માને છે.
માર્શલ યોજના પાછળ સ્વ–પ્રયત્ન કરનારને સહાય કરવાનો સિદ્ધાંત હતો. યોજનાની સફળતાથી પ્રેરાઈને વિકાસશીલ દેશોને સહાય કરવા અંગેની પોતાની નીતિમાં –પૉઇન્ટ ફોર પ્રોગ્રામમાં– પ્રમુખ ટ્રુમેને એને ગૂંથી લીધો. ગરીબ દેશ પોતાના વિકાસ માટે શું આવશ્યક છે તે વિચારે, તે અંગે પોતે શું કરવા ધારે છે તે ઠરાવે, ને આ બે જોઈને ક્યાં ને કેટલી સહાય કરવા જેવી છે તેનો નિર્ણય મદદ કરનાર દેશ લે. આ કાર્યપદ્ધતિને વિશ્વસંસ્થાઓ ને ધનિક દેશો આજે પણ અનુસરે છે.
બદરીપ્રસાદ મ. ભટ્ટ