માર્ટિન, રિચાર્ડ (જ. 1754, ડબ્લિન; અ. 1834) : આયર્લૅન્ડના કાનૂની નિષ્ણાત અને માનવતાપ્રેમી. તેમણે કેમ્બ્રિજ ખાતે અભ્યાસ કર્યો હતો. 1801થી 1826 દરમિયાન તેઓ ગાલ્વૅના પાર્લમેન્ટ-સભ્ય તરીકે રહ્યા અને તે સભ્યપદ દરમિયાન તેમણે પ્રાણીઓ પ્રત્યેનો હિંસક વર્તાવ ગેરકાયદે ઠરાવવાનું બિલ પેશ કર્યું. આ પ્રકારનો આ સર્વપ્રથમ કાયદો હતો. તેમના ખંતીલા પ્રયત્નો અને ઝુંબેશના પરિણામે જ ‘ધ રૉયલ સોસાયટી ફૉર ધ પ્રિવેન્શન ઑવ્ ક્રૂઅલ્ટી ટુ ઍનિમલ્સ’ની સ્થાપના થઈ શકી હતી.

મહેશ ચોકસી