માર્ટિન, ગ્લેન લ્યૂથર (જ. 1886, મૅક્સબર્ગ, આયોવા; અ. 1955) : વિખ્યાત વિમાન-ઉત્પાદક. તેમણે કૅન્સાસ વેસ્લિન યુનિવર્સિટી, સલિના ખાતે અભ્યાસ કર્યો હતો.

1905માં તેમણે કૅલિફૉર્નિયા ખાતે પોતાનું પ્રથમ ગ્લાઇડર–એન્જિન વિનાનું વિમાન–બનાવ્યું. 1909માં તેમણે સૌપ્રથમ વાર વિદ્યુત-ચાલિત (powered) વિમાનનું નિર્માણ કર્યું અને તેમાં ઉડ્ડયન કર્યું. 1912માં તેમણે પોતાના સી-પ્લેન એટલે કે પાણી પરથી ઊડી શકનારા અને પાણી પર ઊતરી શકનારા વિમાનમાં લૉસ ઍન્જેલસથી કૅટેલિના અને ત્યાંથી વળતો પ્રવાસ કર્યો. 1913માં તેમણે ફ્રી-ફૉલ પૅરેશૂટની શોધ કરી.

ગ્લેન લ્યૂથર માર્ટિન

1918માં તેમણે ક્લીવલૅન્ડની તેમની ફૅક્ટરી ખાતે એમબી-1 બૉમ્બરનું ઉત્પાદન કર્યું અને એ સાથે તેઓ અમેરિકાના લશ્કરી સરંજામના અગ્રણી ઉત્પાદક બની રહ્યા. 1929માં તેઓ બાલ્ટિમૉર ગયા અને ત્યાં બી-10 બૉમ્બર જેવું વિખ્યાત બૉમ્બર તેમજ ‘ચાઇના ક્લિપર ફ્લાઇંગ બોટ’ જેવી ઉડ્ડયન-નૌકાનું ઉત્પાદન શરૂ કર્યું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમની ફૅક્ટરીમાં બી-26 મરૉડર, મૅરિનર તથા માર્સ નામક ફ્લાઇંગ બોટનું સર્જન-ઉત્પાદન કરવામાં આવ્યું હતું.

મહેશ ચોકસી