માર્ગ્રાફ, ઍન્ડ્રિયાસ સિગ્સિમંડ (જ. 1709, બર્લિન; અ. 1782) : જર્મનીના રસાયણવિજ્ઞાની. બર્લિનમાં તેમના પિતા દવાના વેપારી હતા. તેમની સાથે તેઓ કામ કરતા હતા. તેમણે જર્મનીનાં અનેક શહેરોમાં અભ્યાસ કર્યો.
1754થી ’60 સુધી તેમણે બર્લિનમાં આવેલી જર્મન એકૅડેમી ઑવ્ સાયન્સિઝના ડિરેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળ્યો. રસાયણ-વિષયક સંશોધનકાર્યમાં તેમણે સૂક્ષ્મદર્શકનો ઉપયોગ પ્રયોજ્યો. તેમની મહત્વની વૈજ્ઞાનિક કામગીરી તો સફેદ બીટ(sugar beet)માં શર્કરા (sugar) રહેલી છે એની શોધ (1747) અંગેની હતી. એ રીતે તેમણે શુગર-બીટના ઉદ્યોગ માટે માર્ગ ચીંધી આપ્યો.
મહેશ ચોકસી