માર્ગારેટ કઝિન્સ (જ. 1878, અ. 1954) : ભારતને વતન તરીકે સ્વીકારનાર મહિલાવાદી નેત્રી. ભારતીય સંસ્કૃતિ પ્રત્યેના લગાવને કારણે તેઓ શ્રીમતી ઍની બિસેન્ટના કાર્યમાં જોડાતાં તેમને ભારત આવવાની તક સાંપડી. ભારતમાં આવી ઍની બિસેન્ટના જમણા હાથ બની તેઓ મહિલા-ઉત્કર્ષના કાર્યમાં જોડાયાં. તેમના પતિ જેમ્સ કઝિન્સે – ‘જયરામ કઝિન્સ’ તરીકે જાણીતા પણ આ કાર્યમાં પૂરો સહયોગ આપ્યો. મહિલા-ઉત્કર્ષના કાર્યમાં ખૂંપ્યા બાદ આ દંપતીએ ભારતને માતૃભૂમિ તરીકે સ્વીકાર્યું. માર્ગારેટ પોતે સંગીત વિષયનાં ડૉક્ટરેટ હતાં અને પ્રારંભે ‘જનગણમન’ – જે એ સમયે રાષ્ટ્રગીત બન્યું નહોતું – ગીતની સંગીતના સૂરોમાં બાંધણી કરી હતી, તેની જાણ બહુ ઓછા લોકોને છે.
ભારતમાં સ્થાયી થવાના વિચાર સાથે તેમણે સમગ્ર ભારતનો પ્રવાસ ખેડ્યો અને દેશની સંસ્કૃતિ તથા રીતરિવાજોને આત્મસાત્ કર્યાં. આ પ્રવાસ અને પૂર્વ અનુભવોને આધારે તેઓ એક નિષ્કર્ષ પર આવ્યાં કે ભારતીય મહિલાઓની સાચી સ્વતંત્રતા શિક્ષણ દ્વારા જ સિદ્ધ કરી શકાય. આથી તેઓ મહિલાઓને ભારતની સ્વાતંત્ર્ય-લડતમાં જોડાવા પ્રોત્સાહિત કરતાં. આ માટે જરૂર જણાઈ ત્યારે મૂળ બ્રિટિશ શિક્ષણને પ્રયત્નપૂર્વક ભૂલીને ભારતીય શિક્ષણને જીવનમાં ઉતાર્યું.
1918થી ’20ના ગાળામાં ભારતના વાઇસરૉય સમક્ષ તેમણે મહિલા-શિક્ષણ અંગે સબળ રજૂઆત કરી અને બ્રિટિશ સરકારે 1920માં મહિલા-શાળાઓ ખોલવાની શરૂઆત કરી. ભારતમાં મહિલાઓ માટે અલાયદી શિક્ષણની શાળાઓ ખોલવાનો યશ તેમને હિસ્સે જમા કરી શકાય. તેમણે આંધ્રપ્રદેશના ચિતૂર જિલ્લાના મદનપલ્લેમાં મહિલાલક્ષી શિક્ષણને ઉત્તેજન આપતી સંસ્થા શરૂ કરી, જે ‘દક્ષિણ ભારતના શાંતિનિકેતન’ તરીકે જાણીતી બનેલી. આ વિસ્તાર પછાત હતો પણ તેની આરોગ્યદાયક હવા માટે જાણીતો હતો. તેમના પતિ કઝિન્સ આ સંસ્થાના આચાર્ય અને માર્ગારેટ પોતે કન્યા છાત્રાવાસનાં વૉર્ડન અને સુપરિન્ટેન્ડેન્ટ તરીકે કામ કરતાં હતાં. ‘સાદગીભર્યું જીવન અને ઉચ્ચ વિચારો’ તેમનો આદર્શ હતો અને છાત્રાવાસની કન્યાઓનું આવા આદર્શો સાથે ઘડતર કરવા સર્વધર્મની પ્રાર્થનાથી આરંભીને મહિલા-સ્વાતંત્ર્યના પાઠો તેઓ શીખવતાં હતાં. એ સાથે ગૃહસંભાળ, ફૂલોની ગોઠવણી, મહિલા-સન્માન, વિવિધ વિષયોનું શિક્ષણ, વસ્તીની સમસ્યાની સમજ, કચરા-ટોપલીનું મહત્વ, ખોરાક, સ્વાસ્થ્ય, પહેરવેશ, સૌંદર્ય, આંગળીઓ અને નખની સફાઈ, પ્રેમ અને માયાળુ વર્તન – એમ વ્યાપક, જીવનલક્ષી અને વિષયવૈવિધ્ય ધરાવતી કેળવણી-પદ્ધતિની તેમણે રચના કરી હતી. આ તમામ વિષયોની કેળવણીમાં સતત ભારતીયતાનો આગ્રહ રાખી આ પતિ-પત્ની સવાયાં ભારતીય બની રહ્યાં હતાં. ભૂલો સ્વીકારવાનું કાર્ય માત્ર મહાન અને શાણા લોકો જ કરે છે, તેવી તેમની માન્યતાને કારણે આભાર અને દિલગીરી માત્ર શબ્દોથી જ નહિ, પણ દિલથી પ્રગટ કરવાનો તેઓ આગ્રહ રાખતાં હતાં. આગળ જતાં ઑલ ઇન્ડિયા વિમેન્સ કૉન્ફરન્સ તરીકે આ સંસ્થા વિકસી અને 250 શાખાઓમાં પ્રસ્તાર પામી.
સરોજિની નાયડુના કંઠે ગીતો સાંભળી તેમણે તેમને ‘ભારતનાં બુલબુલ’ તરીકે ઓળખાવ્યાં અને સરોજિનીના ગ્રામોફોન રેકૉર્ડના સંગ્રહ દ્વારા લોકોને તેમની પહેચાન કરાવી.
‘વી ટુ’ (We two together) તેમની આત્મકથા છે.
રક્ષા મ. વ્યાસ