માર્ગ : કાવ્યાભિવ્યક્તિની લાક્ષણિક રીતિ. પ્રાચીન આલંકારિકોએ કાવ્યરચનાના અનેક પ્રકારો જોયા પછી બે મુખ્ય માર્ગો ગણાવ્યા છે કે જેમાં (1) વૈદર્ભ માર્ગ અને (2) ગૌડ માર્ગનો સમાવેશ થાય છે. અલબત્ત, આચાર્ય ભામહ વૈદર્ભ અને ગૌડ માર્ગ વચ્ચે કશું ભેદક તત્વ લાગતું નથી તેથી તેને માનવા તૈયાર નથી; પરંતુ આચાર્ય દંડી સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે સૂક્ષ્મ ર્દષ્ટિએ જોતાં કાવ્યરચનાના અનેક માર્ગો છે; પરંતુ તેમાં વૈદર્ભ માર્ગ અને ગૌડ માર્ગ એ બે જ માર્ગો સ્પષ્ટ ભેદરેખા દોરી શકાય તેવા છે. દંડીના મતે શ્લેષ, પ્રસાદ, સમતા, માધુર્ય, સુકુમારતા, અર્થવ્યક્તિ, ઉદારતા, ઓજસ્, કાન્તિ અને સમાધિ – એ દસ ગુણો વૈદર્ભ માર્ગના પ્રાણ છે; જ્યારે તેનાથી વિપરીત કાવ્યરચના ગૌડ માર્ગની છે.

એ પછી આચાર્ય વામન દંડીની વાત તો સ્વીકારે છે; પરંતુ તે ‘માર્ગ’ શબ્દને બદલે ‘રીતિ’ શબ્દને પ્રયોજે છે. તેથી તે શ્લેષ વગેરે બધા ગુણો ધરાવતી કાવ્યરચનાને વૈદર્ભી રીતિની રચના કહે છે; જ્યારે ઓછા ગુણોવાળી કાવ્યરચનાને ગૌડી રીતિની રચના કહે છે અને વામન તો બંનેના મિશ્રણવાળી કાવ્યરચનાને પાંચાલી રીતિની કાવ્યરચના કહે છે. વામન રીતિને જ કાવ્યનો આત્મા કહે છે. આચાર્ય આનંદવર્ધન વગેરે દંડી અને વામનના દસ ગુણોના બદલે ત્રણ જ ગુણો સ્વીકારે છે. તેમના મતે વૈદર્ભી રીતિમાં માધુર્ય અને પ્રસાદ ગુણો હોય છે અને ગૌડી રીતિમાં ઓજસ્ ગુણ મુખ્ય હોય છે.

આચાર્ય કુંતક માધુર્ય, પ્રસાદ, લાવણ્ય અને આભિજાત્ય એ આધારભૂત ગુણો પરથી : (1) સુકુમાર માર્ગ, (2) મધ્યમ માર્ગ અને (3) વિચિત્ર માર્ગ – એ ત્રણ માર્ગોને સ્વીકારે છે. આચાર્ય ભોજ તેને ‘રીતિ’ કહે છે અને એના છ પ્રકારો ગણાવે છે : (1) માધુર્ય અને પ્રસાદ ગુણોવાળી, આછા સમાસવાળી કે સમાસ વગરની લલિત કાવ્યરચના એટલે વૈદર્ભી રીતિ, (2) ઓજસવાળી, આડંબરી, કઠોર અને લાંબા સમાસોવાળી તે ગૌડી રીતિ, (3) શબ્દ અને અર્થ તરફ સમાન ભારવાળી, પાંચ કે છ સમાસોવાળી વૈદર્ભી અને ગૌડીના મિશ્રણવાળી તે પાંચાલી રીતિ, (4) વૈદર્ભી અને પાંચાલીની વચ્ચે રહેલી, બધી રીતિઓના મિશ્રણવાળી તે લાટી રીતિ, (5) પહેલાં એક રીતિથી શરૂ કરેલી રચના અંતમાં બીજી રીતિમાં ફેરવી નાખે તે માગધી રીતિ, (6) બેચાર સમાસોમાં આખો શ્લોક હોય તે આવન્તિકા રીતિ. રીતિ રસ વગેરેને ઉપકારક છે અને સમાસ, ગુણ, અલંકાર અને વૈચિત્ર્ય વગેરે તત્વો તેનાં ભેદક છે. તેને શૈલી પણ કહે છે.

પ્ર. ઉ. શાસ્ત્રી