માર્કોસ, ફર્ડિનાન્ડ એફિલિન (જ. 11 સપ્ટેમ્બર 1917, સારાત, ફિલિપાઇન્સ; અ. 28 સપ્ટેમ્બર 1989, હવાઈ, અમેરિકા) : ફિલિપાઇન્સના પ્રમુખ તથા જમણેરી રાજકારણી. તેઓ ફિલિપાઇન્સના ઇતિહાસના સૌથી વિવાદાસ્પદ અને પુન: ચૂંટણીમાં વિજેતા બનનાર એકમાત્ર પ્રમુખ હતા.

યુવાવયે 1935માં પિતાના ખૂનીની હત્યા કરવાનો આરોપ તેમના પર મુકાયેલો, જેનાથી તેઓ 1939માં મુક્ત થયા. આ ખટલા દરમિયાન તેઓ પોતે જ પોતાના બચાવકાર હતા અને મુકદ્દમા દરમિયાન કાયદાની પરીક્ષાઓ પાસ કરતા રહેલા. આથી તેઓ યુવાવયે જ પ્રસિદ્ધ વ્યક્તિ બની ગયા હતા. બીજા વિશ્વયુદ્ધ (1939–45) સમયે ગેરીલા યુદ્ધકાર તરીકે તેમની નામના હતી. સૌથી વધુ પદકો ધરાવનાર સૈનિક તરીકેના તેમના દાવા આ બિનદસ્તાવેજી ગેરીલા યુદ્ધની ઘટનાઓ પર આધારિત હતા.

રાજકીય જીવનના પ્રારંભે તેઓ સંસદમાં પ્રતિનિધિ તરીકે ચૂંટાયા અને ત્યારબાદ ક્રમશ: તેમની રાજકીય તાકાતે વેગ પકડ્યો. સેનેટર, સેનેટ-અધ્યક્ષ અને 1965માં તેઓ રાષ્ટ્રપ્રમુખ બન્યા.

1965માં પ્રમુખપદની ચૂંટણી દરમિયાન ‘ફૉર એવરી ટિયર અ વિક્ટરી’ (For Every Tear a Victory, ન્યૂયૉર્ક, 1964) નામક જીવનચરિત્ર ગણતરીપૂર્વક પ્રગટ કરાવેલું. તેમાં યુદ્ધ દરમિયાનની ઘટનાઓ અને તેમને મળેલા ચંદ્રકો બાબતે પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ દ્વારા તેઓ પ્રજાજીવન પર ધારેલી છાપ પાડવામાં સફળ થયા હતા. આ પ્રતિભાનો ઉપયોગ કરી મોડેથી લશ્કર સાથે સત્તાની ભાગીદારીની ગોઠવણ કરી તેમણે એકહથ્થું સત્તા સ્થાપિત કરી.

પ્રમુખપદની પહેલી મુદત દરમિયાન તેમણે ફિલિપાઇન્સના અર્થતંત્રને મજબૂત બનાવી ર્દઢ નિમ્ન માળખું ઊભું કર્યું. સમાજવાદી દેશો સાથે રાબેતા મુજબના સંબંધો સ્થાપી વિદેશનીતિની પુનર્રચના કરી. અમેરિકા સાથેના સંબંધો સુધાર્યા અને એશિયાના પડોશી દેશો સાથેની કડીઓ મજબૂત કરી, ‘એસિઆન’(ASEAN)ના સભ્ય દેશ બનવાનું પસંદ કર્યું.

ફર્ડિનાન્ડ એફિલિન માર્કોસ

બીજી વાર 1969માં તેઓ પ્રમુખ બન્યા ત્યારે ફિલિપાઇન્સનું નવું બંધારણ ઘડી સંસદીય પદ્ધતિની સરકાર સ્થાપવા પ્રયાસ કર્યો, પરંતુ વિવિધ રાજકીય દબાણો હેઠળ સપ્ટેમ્બર 1972માં માર્શલ લૉ લાદ્યો અને તેથી એકાએક વિકાસ-પ્રયાસો રૂંધાવા લાગ્યા. 1978માં તેમણે પ્રમુખ અને વડાપ્રધાનનો હોદ્દો ધારણ કર્યો અને તમામ સત્તા હસ્તગત કરી. એથી ધીમે ધીમે લોકશાહી રાજકીય સંસ્થાઓ મૃતપ્રાય બનવા લાગી અને ફિલિપાઇન્સમાં લશ્કરી પ્રભુત્વનો યુગ શરૂ થયો. અતિસત્તા નીચે અર્થતંત્ર ખરાબે ચઢ્યું, મુસ્લિમ અલગતાવાદ ફાલ્યો, ગરીબી અને હિંસાનો આલેખ ઊંચો જતો ગયો. પ્રેસ-સ્વાતંત્ર્યનો અંત લાવવામાં આવ્યો હોવાથી સત્તાનો દુરુપયોગ વ્યાપક બન્યો. આર્થિક વિકાસ માટે વિદેશી નાણાકીય મદદ મળતી હતી તે નાણાં રાષ્ટ્રીય વિકાસ કાર્યો માટે ઉપયોગમાં લેવાને બદલે તેમના વ્યક્તિગત ખાતામાં જમા થવા લાગ્યાં અને વ્યાપક નાણાકીય ઉચાપત કરી તેઓ ધનવાન રાજકારણી બની ગયા. આ નાણાકીય ઉચાપત એવી વ્યાપક અને એટલા મોટા પાયા પરની હતી કે તેને કારણે તેમનો શાસનકાળ ‘ચૌરકર્મી શાસનવ્યવસ્થા’ માટે કુખ્યાત બની ગયો તથા તેઓ તેજસ્વી, શક્તિશાળી પરંતુ દાવપેચ ખેલનાર કઠોર અને નિર્દયી શાસક તરીકે ઉઘાડા પડ્યા.

તેમના વિશ્વાસુ સાથી અને લશ્કરી વડા જનરલ ફેબિયન સી. વેરે માર્કોસના પ્રતિસ્પર્ધી સેનેટર બેનિગ્નો એક્વિનોને ખતમ કરવાનું કાવતરું ઘડેલું, જે 21 ઑગસ્ટ 1983ના રોજ ખુલ્લું પડી જતાં દેશમાં પ્રચંડ વિરોધ જન્મ્યો. 1986માં પ્રમુખપદની ચૂંટણીઓમાં તેમના પક્ષે વ્યાપક ગેરરીતિઓ આચરેલી તે બાબત પણ જાહેર થઈ ગઈ. પરિણામે ફેબ્રુઆરી 1986માં તેમને સત્તા પરથી ઉથલાવી મૂકવામાં આવ્યા, તેમજ દેશનિકાલ થવાની ફરજ પાડવામાં આવી. તેઓ તેમનાં પત્ની ઇમેલ્ડા ફર્ડિનાન્ડ સાથે હવાઈ, અમેરિકા નાસી ગયાં.

અમેરિકામાં તેમની જીવનશૈલી અત્યંત વૈભવી હતી. તેમનાં પત્ની પણ ઉડાઉ અને સંપત્તિનું પ્રદર્શન કરનાર મહિલા તરીકે કુખ્યાત બન્યાં. 1988માં તેમના બંને પર અમેરિકી સરકારે ગેરરીતિના આરોપ મૂક્યા. વિશેષે ફિલિપાઇન્સનાં જાહેર નાણાંમાંથી અમેરિકામાં મિલકતો ખરીદવાના આક્ષેપો તેમના પર મુકાયા. આ દરમિયાન તેઓ ગંભીર માંદગીમાં પટકાયા, આક્ષેપો પડતા મુકાયા અને તેઓ અમેરિકામાંના નિવાસ દરમિયાન અવસાન પામ્યા અને તેમનાં પત્ની ઇમેલ્ડા ફર્ડિનાન્ડ ફિલિપાઇન્સ પાછાં ફર્યાં.

રક્ષા મ. વ્યાસ