માર્કોસ, ઇમેલ્ડા રૉમૅનુલ્ઝ (જ. 2 જુલાઈ 1931, ટૅક્લૉબૅન, ફિલિપાઇન્સ) : ફિલિપાઇન્સના પ્રમુખ ફર્ડિનાન્ડ ઇ. માર્કોસનાં મહત્વાકાંક્ષી પત્ની અને સત્તાધારી વ્યક્તિ. તે ગર્ભશ્રીમંત પરિવારનાં પુત્રી હતાં. 1953માં તેઓ ‘મિસ મનીલા’નું બિરુદ જીત્યાં હતાં અને 1954માં માર્કોસ સાથે લગ્ન કર્યું હતું. 1966માં તેઓ પ્રમુખના મહેલમાં રહેવા ગયા પછી ઉત્તરોત્તર વધતી જતી તેમની અઢળક સંપત્તિ બદલ તથા સગાંવહાલાંની સરકારમાં અને ઉદ્યોગોમાંના આર્થિક રીતે લાભકારક હોદ્દાઓ પર નિમણૂક કરવા બદલ તેમની વારંવાર ટીકા થવા માંડી.

તેમના પતિએ 1972માં લશ્કરી શાસન અમલમાં મૂક્યા પછી, તેમની સત્તા બેહદ વધી ગઈ. તે ફરતાં એલચી બની રહ્યાં અને બેજિંગ, લિબિયા, ક્યૂબા તથા અમેરિકા જેવા દેશોનો પ્રવાસ કર્યો. 1975થી તેમણે મનીલા મેટ્રોપૉલિટનના ગવર્નરનો હોદ્દો સંભાળ્યો; 1979થી તે માનવ પુનર્વસવાટ તથા પર્યાવરણ વિભાગનાં મંત્રી બન્યાં. તેમના બજેટની મોટાભાગની રકમ હોટલો બાંધવા તથા મધ્યમવર્ગીય ગૃહનિર્માણ માટે વપરાતી.

1983માં વિરોધપક્ષના નેતા બેનિંગ્નો ઍક્વિનોની હત્યા પછી બીમાર ફર્ડિનાન્ડ માર્કોસ માટેનું સમર્થન એટલું બધું ઘટી ગયું કે પતિને પગલે તેમનો હોદ્દો મેળવવાની તેમની મહેચ્છા તેમણે તજી દેવી પડી.

મહેશ ચોકસી