માયાવાદ : ભારતીય તત્વજ્ઞાનમાં માયાવાદ નામે ઓળખાતો શંકરાચાર્યના કેવલાદ્વૈત વેદાન્તે ઘડેલો સિદ્ધાન્ત. એના પહેલાં સિદ્ધાન્તરૂપે તે જણાતો નથી. અલબત્ત, તેનાં કેટલાંક અંગો, બીજરૂપે પ્રાચીન કાળમાં આ કે તે વિચારધારામાં પ્રાપ્ત થાય છે. વળી, બધાં જ દર્શનો જગત પ્રત્યેની આસક્તિ દૂર કરવાના એક ઉપાય તરીકે જગત અસાર છે, મિથ્યા છે એવી ભાવના કરવા તો કહે છે જ.
કેવલાદ્વૈત અનુસાર પરમતત્વ એક અને અદ્વિતીય બ્રહ્મ છે. તે ચેતનસ્વરૂપ છે અને તદ્દન પરિવર્તનરહિત (કૂટસ્થનિત્ય) છે. બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. બધાં કાર્યો માયિક છે, અવિદ્યાજન્ય છે. કાર્યો માયિક હોય એટલે એમનું ઉપાદાનકારણ માયા જ હોય.
આપણને દોરડીમાં સાપનું ભ્રાન્ત જ્ઞાન થાય છે. અહીં ભ્રાન્ત સાપનું ઉપાદાનકારણ દોરડી નથી, તેનું ઉપાદાનકારણ તો આપણી અવિદ્યા – આપણું અજ્ઞાન છે. દોરડી ઉપાદાનકારણ ન હોવા છતાં તે જો ત્યાં ન હોત તો ભ્રાન્ત સાપને આપણું અજ્ઞાન ત્યાં ઉપજાવી શક્યું ન હોત. આપણા અજ્ઞાનને ભ્રાન્ત સાપ ઉપજાવવા માટે યોગ્ય ફલક – અધિષ્ઠાનની જરૂર છે. એટલે પ્રસ્તુત ર્દષ્ટાંતમાં દોરડી એ ભ્રાન્ત સર્પનું અધિષ્ઠાનકારણ છે. આપણું અજ્ઞાન (અવિદ્યા) દોરડીને ઢાંકી દે છે અને તેના ઉપર સાપનો આરોપ કરે છે. અજ્ઞાન આ બધું કરી શકે છે, કારણ કે તે અભાવરૂપ નથી પણ ભાવરૂપ છે અને તેનામાં આવરણ અને નિક્ષેપ નામની બે શક્તિઓ છે. આવી જ રીતે વૈશ્વિક માયા બ્રહ્મરૂપ અધિષ્ઠાન ઉપર પ્રપંચરૂપ મિથ્યા જગતને ઉપજાવે છે. માયા બ્રહ્મને ઢાંકી દે છે અને તેના ઉપર જગતનો આરોપ કરે છે. માયામાં પણ આવરણ અને નિક્ષેપશક્તિઓ છે. તે પણ અભાવરૂપ નથી, પણ ભાવરૂપ છે. દીવો આવતાં તેના પ્રકાશથી અજ્ઞાન દૂર થાય છે, પરિણામે દોરડીરૂપ અધિષ્ઠાન તેના ખરા રૂપમાં પ્રગટ થાય છે અને તેના ઉપર ભ્રાન્ત સાપનો આરોપ કરતાં આપણે અટકી જઈએ છીએ. તેવી જ રીતે બ્રહ્મજ્ઞાન થતાં માયા દૂર થાય છે, પરિણામે બ્રહ્મરૂપ અધિષ્ઠાન તેના ખરા રૂપમાં દેખાય છે અને તેના ઉપર મિથ્યા જગતનો આરોપ કરતાં માણસ અટકી જાય છે.
કેવલાદ્વૈતનો કાર્ય-કારણનો સિદ્ધાંત વિવર્તવાદ કહેવાય છે. કારણ વસ્તુત: પોતાના સ્વરૂપમાં જ રહે છે, તેનામાં કોઈ જ ફેરફાર થતો નથી, પરંતુ તેના બદલાઈ જવાનો આપણને કેવળ ભ્રમ થાય છે. દોરડી પોતે સાપમાં ફેરવાઈ જતી નથી, પરંતુ દોરડીમાં માણસને સાપનો ભ્રમ થાય છે. આમ જે બ્રહ્મ કારણ છે તે જગતના રૂપમાં ફેરવાઈ જતું નથી; પરંતુ માયાને કારણે માણસને બ્રહ્મમાં જગતની પ્રતીતિ થાય છે. જેવી રીતે દોરડીમાં દેખાતો સાપ મિથ્યા છે તેવી જ રીતે બ્રહ્મમાં દેખાતું જગત પણ મિથ્યા છે. જગત બ્રહ્મનું પરિણામ નથી, પણ વિવર્ત છે. આ સિદ્ધાન્તને વિવર્તવાદ કે માયાવાદ કહેવામાં આવે છે.
જગતની ભ્રાન્તિ વૈયક્તિક નથી, પણ વૈશ્વિક છે – બધાં જ સામાન્ય પ્રાણીઓને એકસરખી છે. એટલે એની જનક માયા પણ વૈયક્તિક નથી, પણ વૈશ્વિક છે. આવી માયાનો ધારક એક ઈશ્વર છે. તે માયિન્ છે. ઈશ્વર પોતાની શક્તિરૂપ માયાથી જગતરૂપી માયાજાળ રચે છે. માયા જગતને ઉત્પન્ન કરે છે અને જગતનો આદિ ન હોવાથી માયા પણ અનાદિ ઠરે છે. ઈશ્વરની સર્જનશક્તિરૂપ માયા ઈશ્વરનું નિત્ય લક્ષણ નથી. તેનું ખરું સ્વરૂપ માયોપહિત નથી. જેઓ ભ્રાન્તિરૂપ જગતથી છેતરાતા નથી અને માયાથી પ્રભાવિત થતા નથી તેમને માટે માયા પણ નથી, ઈશ્વર પણ નથી અને જગત પણ નથી. તેમને માટે કેવળ (શુદ્ધ) બ્રહ્મ જ છે.
શંકરાચાર્ય સત્ની ત્રણ કોટિ સ્વીકારે છે – પારમાર્થિક, વ્યાવહારિક અને પ્રાતિભાસિક. ત્રિકાલ-અબાધિત કૂટસ્થનિત્ય બ્રહ્મ ચેતન જ પરમાર્થ સત્ છે, કારણ કે તે ત્રિકાલસ્થાયી છે. ઘટ, પટ આદિ વ્યાવહારિક સત્ છે; કારણ કે તે વ્યવહારકાલસ્થાયી છે, પરંતુ તત્વજ્ઞાનથી (બ્રહ્મસાક્ષાત્કારથી) તેમનો નાશ થાય છે. રજ્જુસર્પ આદિ પ્રાતિભાસિક સત્ છે, કારણ કે તે પ્રતિભાસકાલમાત્રસ્થાયી છે; પરંતુ અધિષ્ઠાન રજ્જુનું જ્ઞાન થતાં જ તેનું અસ્તિત્વ લોપ પામે છે.
માયા આકાશકુસુમ કે શશશૃંગ જેવી તદ્દન અસત્ નથી, કારણ કે તે વ્યાવહારિક સત્ જગતનું ઉપાદાનકારણ છે. તે પરમાર્થ સત્ પણ નથી; કારણ કે તે પરિણામી, નાશવંત જગતનું ઉપાદાનકારણ હોઈ સ્વયં કૂટસ્થ નિત્ય નથી. આ અર્થમાં તે સદસદ્વિલક્ષણા છે અને સાંખ્યોની પ્રકૃતિ જેવી છે.
જગતની વ્યાવહારિક સત્તા (=અસ્તિત્વ) છે. તેવી જ રીતે ઈશ્વરની પણ વ્યાવહારિક જ સત્તા છે. વ્યાવહારિક ર્દષ્ટિએ જ ઈશ્વર જગતનો કર્તા, ભર્તા, સંહર્તા અને તેથી સર્વજ્ઞ તેમજ સર્વશક્તિમાન છે. તે આ બધા ગુણોવાળો – સગુણ છે. તે ઉપાસ્ય છે; પરંતુ પારમાર્થિક ર્દષ્ટિએ જગત માયિક છે. તેથી તેના કર્તા તરીકે ઈશ્વરનું વર્ણન વ્યાવહારિક ર્દષ્ટિએ જ સાચું છે, અર્થાત્ જ્યાં સુધી જગતને સત્ માનવામાં આવે ત્યાં સુધી જ. જગત્કર્તૃત્વ એ ઈશ્વરનું સ્વરૂપ નથી; પણ આગંતુક લક્ષણ છે. પરમાર્થષ્ટિએ તો ઈશ્વર કેવળ સદ્રૂપ, જ્ઞાનરૂપ અને આનંદરૂપ છે. આ ઈશ્વર પરમ બ્રહ્મ છે, નિર્ગુણ બ્રહ્મ છે. સગુણ બ્રહ્મ(ઈશ્વર)ની કેવળ વ્યાવહારિક સત્તા છે, જ્યારે નિર્ગુણ બ્રહ્મ પરમાત્માની પારમાર્થિક સત્તા છે.
પરમાર્થર્દષ્ટિએ જીવ બ્રહ્મ જ છે. દેખીતી રીતે મનુષ્ય એ આત્મા અને શરીરનો બનેલો લાગે છે; પરંતુ બીજા ભૌતિક પદાર્થોની જેમ ઇંદ્રિયગ્રાહ્ય શરીર પણ પરમાર્થર્દષ્ટિએ ભ્રાન્ત યા મિથ્યા છે; જ્યારે આવો સાક્ષાત્કાર થાય ત્યારે કેવળ આત્મા જ રહે છે, જે બ્રહ્મ સિવાય બીજું કંઈ નથી અને તે જ મોક્ષ છે.
નગીનભાઈ જીવણલાલ શાહ