માયાવતી (જ. 15 જાન્યુઆરી 1956, દિલ્હી) : જાણીતાં દલિત મહિલા રાજકારણી અને બહુજનસમાજ પક્ષનાં નેત્રી અને ઉત્તરપ્રદેશનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન. ઉત્તરપ્રદેશના બુલંદ શહેર-જિલ્લાનું બાદલપુર ગામ તેમનું વતન છે, પરંતુ પિતાના વ્યવસાયને કારણે સમગ્ર કુટુંબ દિલ્હીમાં વસ્યું. દિલ્હી યુનિવર્સિટીમાંથી તેમણે બી.એ., એલએલ.બી. અને બી.એડ્.ની પદવીઓ હાંસલ કરી છે.

શાલેય જીવન અને કૉલેજકાળ દરમિયાન તેઓ વક્તૃત્વસ્પર્ધાઓ અને યુવામોરચાઓમાં સક્રિય હતાં. યુવાવસ્થાથી જ તેઓ દલિત, પછાત અને લઘુમતીઓ માટે કામગીરી કરવાની તમન્ના ધરાવતાં હતાં.

અભ્યાસ બાદ 1977થી 1984 સુધી દિલ્હીની વિવિધ શાળાઓમાં તેમણે શિક્ષિકા તરીકે કામગીરી કરી હતી. આ દરમિયાન પછાત અને લઘુમતી સમુદાયનાં સંગઠનો સાથે જોડાઈને તેઓ સક્રિય કામગીરી કરતાં રહેલાં.

14 એપ્રિલ, 1984ના રોજ કાશીરામે બહુજનસમાજ પક્ષનો પ્રારંભ કર્યો ત્યારે તેમાં જોડાઈને તેમણે રાજકીય કારકિર્દીનો આરંભ કર્યો.

આ જ વર્ષે તેમણે ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગર મતવિસ્તારમાંથી લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વાર ઉમેદવારી નોંધાવી; પરંતુ પરાજિત થયાં. 1985માં હરદ્વાર મતવિસ્તારમાં આવી જ ઘટનાનું પુનરાવર્તન થયું; પરંતુ 1989માં બીજનોર મતવિસ્તારમાંથી તેઓ ચૂંટણી જીત્યાં. 1994માં તેઓ ઉત્તરપ્રદેશમાંથી રાજ્યસભાનાં સભ્ય તરીકે ચૂંટાયાં. સાંસદ તરીકેની તીખી વાણીના કારણે તેઓ બહોળું મિત્રવર્તુળ ઊભું ન કરી શક્યાં. ઉત્તરપ્રદેશમાં અનુસૂચિત જાતિનાં તેઓ પ્રથમ મુખ્ય પ્રધાન હતાં. 1995માં ચાર માસ માટે અને ફરી 1997માં ભાજપ અને બસપ વચ્ચે થયેલી સમજૂતી અનુસાર છ માસ માટે ઉત્તરપ્રદેશનાં મુખ્ય પ્રધાન વરાયેલાં. 1996માં તેઓ બીસલી (બદાયુન) અને હરોરા (સહારનપુર) –  એ બે મતવિસ્તારમાંથી એકસાથે વિધાનસભામાં ચૂંટાયાં હતાં. 1998માં તેઓ લોકસભામાં ફરી ચૂંટાયાં હતાં.

ઉત્તરપ્રદેશના મુખ્ય પ્રધાનના નિવાસસ્થાનને નવેસરથી શોભાયમાન કરવાના તેમના પ્રયાસો ભારે વિવાદાસ્પદ રહ્યા હતા. તેમની રાજકીય કારકિર્દી વિવાદાસ્પદ છે, પરંતુ તરછોડાયેલા વર્ગોના મસીહા બનવા તેઓ ઉત્સુક છે. ઉત્તરપ્રદેશના રાજકારણમાં તેમણે એક નિશ્ચિત સ્થાન હાંસલ કર્યું છે અને બહુજનસમાજ પક્ષનાં કસાયેલાં નેત્રી છે.

રક્ષા મ. વ્યાસ