માયાદેવી : ગૌતમ બુદ્ધનાં માતા. એ દેવદહ શાક્યના પુત્ર, દેવદહના શાક્ય અંજનનાં અને જયસેનનાં પુત્રી યશોધરાનાં પુત્રી હતાં. એ કુટુંબ પણ શાક્ય જાતિનું હતું, પરંતુ તેની કોલિય નામે ભિન્ન શાખા હતી. એમને દણ્ડપાણિ અને સુપ્પ બુદ્ધ નામે બે ભાઈઓ હતા ને મહાપ્રજાપતિ નામે એક બહેન હતી. બંને બહેનોને કપિલવસ્તુના શાક્ય રાજા (મહાજન) શુદ્ધોદન વેરે પરણાવી હતી; પરંતુ માયાદેવી 40-50 વર્ષનાં થયાં ત્યારે તેમને પુત્રજન્મ થયો. એ અતિકામી ન હતાં. મદિરાપાન કરતાં નહિ ને જન્મથી માંડીને કદી પંચશીલનો ભંગ કરેલો નહિ. આમ માયાદેવીમાં બુદ્ધનાં માતા થવાના સર્વ ગુણ હતા. જે દિવસે એમને ગર્ભાધાન થયું તે દિવસે તેમણે ઉપવાસ કરેલો ને તે રાતે નિદ્રામાં એમને એવું સ્વપ્ન આવેલું કે ચાર દેવો એમને હિમાલય લઈ ગયા, એમને શાલવૃક્ષ નીચે બેસાડ્યાં, તેમની પત્નીઓએ એમને દિવ્ય સ્નાન કરાવી દિવ્ય વસ્ત્ર પહેરાવ્યાં, પછી એમને સુવર્ણપ્રાસાદમાં લઈ જઈ દિવ્ય પલંગમાં સુવડાવ્યાં. ત્યાં સૂંઢમાં શ્વેત કમળ ધારણ કરેલા શ્વેત હસ્તીના સ્વરૂપે બોધિસત્વે માયાદેવીની જમણી કૂખમાં પ્રવેશ કર્યો. એ દિવસે સાત દિવસના ઉત્સવના અંતે ઉત્તરાષાઢા નક્ષત્ર હતું.
ગર્ભાધાનના દિવસથી ચાર દિક્પાલો માયાદેવીનું રક્ષણ કરતા હતા. દસમા માસના અંતે તેમણે દેવદહમાં સ્વજનો પાસે જવા ઇચ્છા કરી, ને ત્યાં જતાં રસ્તામાં એ લુંબિની ગામમાં શાલવનમાં રોકાયાં. આ શાલવન ઉદ્યાન શુદ્ધોદનની માલિકીનું હતું. ત્યાં એ શાલવૃક્ષની શાખા પકડી ઊભાં હતાં ત્યારે એમના સંતાનનો જન્મ થયો. એ પછી સાત દિવસ બાદ માયાદેવી મૃત્યુ પામ્યાં. બોધિસત્ત્વને પછી એમનાં અપર માતા અને માસી મહાપ્રજાપતિએ ઉછેર્યા. બુદ્ધ-ચરિતને લગતા વિવિધ પ્રસંગો જ્યાં શિલ્પરૂપે કોતરાયા છે ત્યાં માયાદેવીની આ પ્રસૂતિનો પ્રસંગ આદરપૂર્વક કલાત્મક રૂપે કોતરવામાં આવેલો છે.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી