માયા : ભારતીય તત્વજ્ઞાન અનુસાર જગતને ઉત્પન્ન કરનારી ઈશ્વરની શક્તિ. ‘માયા’ શબ્દની અનેકવિધ અર્થચ્છાયાઓ જોઈ શકાય છે. માયાના સામાન્ય અર્થો : (1) કપટ, (2) બીજાને છેતરવાની ઇચ્છા, (3) દંભ, (4) ધન, (5) જાદુ વગેરે છે; પરંતુ તત્વજ્ઞાનના ગ્રંથોમાં તેના વિશિષ્ટ અર્થો છે : મધ્વાચાર્યના મતે ભગવાનની ઇચ્છા, વલ્લભાચાર્યના મતે ભગવાનની વિશિષ્ટ શક્તિ, રામાનુજાચાર્યના મતે અદભુત વસ્તુઓને ઉત્પન્ન કરનારી અને ત્રણ ગુણોની બનેલી પ્રકૃતિ, શંકરાચાર્યના મતે ઈશ્વરની ઉપાધિ એવું અજ્ઞાન, કાશ્મીરના શૈવ સંપ્રદાયના મતે ઈશ્વરની શક્તિ અને શાક્ત સંપ્રદાય મુજબ આદિશક્તિ દેવી ચંડી વગેરે છે. જૈન ધર્મ ‘માયા’નો અર્થ ‘ખબર ન પડે તેવી રીતે સ્વાર્થ સાધવાની ઇચ્છા’ એવો કરે છે અને તેને પાપનું સ્થાનક માને છે. મધ્યકાલીન ભારતીય સંતો પણ માયાને ભૂંડી માને છે. માયાનાં ‘અવિદ્યા’, ‘શક્તિ’, ‘પ્રકૃતિ’, ‘અવ્યક્ત’, ‘અવ્યાકૃત’ ‘અજા’, ‘અજ્ઞાન’, ‘ભ્રમ’, ‘અનિર્વચનીયા’, ‘તુચ્છા’, ‘મૂલા’, ‘તુલા’, ‘યોનિ’ વગેરે નામો છે. ‘માયા’ શબ્દ વેદકાળ જેટલો પ્રાચીન છે અને તેની વિભાવના ઉત્તરોત્તર વિકસતી રહી છે. વેદ-સાહિત્યના વિદ્વાનો તેની વ્યુત્પત્તિ જુદી જુદી રીતે આમ સમજાવે છે : (1)  એટલે કે બનાવવું, ઘડવું. તેથી વિવિધ આકારો કે રૂપો સર્જતી શક્તિ તે માયા. (2)  એટલે માપવું અને તેથી માયા એટલે અનેક દિશાઓમાં વિસ્તરેલી સૃષ્ટિ અથવા તો (3)  = વિચારવું. તે ઉપરથી પરમાત્માની સંકલ્પશક્તિ તે માયા. (4) તુલનાત્મક ભાષાશાસ્ત્રના અભ્યાસીઓ દર્શાવે છે કે સંસ્કૃત શબ્દ ‘માયા’ના સગોત્ર શબ્દો ‘ગ્રીક’, લૅટિન અને બાલ્ટોસ્લાવિક જૂથમાં મળે છે અને તેના અર્થો છળ, કલ્પના, આશ્ચર્ય, જાદુ, મોહિની શક્તિ કે ભ્રમ વગેરે થાય છે. (5) અવેસ્તામાં પણ ‘માયા’ શબ્દ છે. તેનો અર્થ કૌશલ્ય થાય છે. (6) ‘એન્સાઇક્લોપીડિયા ઑવ્ રિલિજિયન ઍન્ડ એથિક્સ’ (ન્યૂયૉર્ક) ‘માયા’ શબ્દનો અર્થ ‘ગતિશીલતા’, ‘પરિવર્તન’ કે ‘રૂપાંતર’ એવો આપે છે.

ઋગ્વેદમાં અગ્નિ, ઇન્દ્ર, મિત્રાવરુણ, મરુત, અશ્વિનૌ, સરસ્વતી અને ઋભુઓના સંદર્ભે ‘માયા’ શબ્દનો પ્રયોગ થયો છે. જોકે સવિશેષ તો તે ઇન્દ્ર માટે વપરાયો છે. એક સ્થળે (3–53–8) ઇન્દ્રને ‘માયિન્’ કહ્યો છે. તે માયા વડે અનેક રૂપો ધારણ કરે છે, એમ કહ્યું છે. આમ અહીં માયા એટલે અનેક રૂપ ધારણ કરવાની શક્તિ. આ જ શબ્દ દાનવોના સંદર્ભમાં વપરાય ત્યારે તે હાનિકારક, વિનાશક શક્તિ એવો અર્થ ધારણ કરે છે. ‘અથર્વવેદ’માં ‘માયા’ શબ્દ જાદુટોણાના તો ક્યારેક સકલ વિશ્વના અર્થમાં પ્રયોજાયો છે.

ઉપનિષદોમાં ‘માયા’ શબ્દનો સર્વપ્રથમ ઉલ્લેખ ‘બૃહદારણ્યક ઉપનિષદ’માં ઇન્દ્રના સંદર્ભે જોવા મળે છે (2–5–19). ત્યાં તેનો અર્થ અનેક રૂપ ધારણ કરવાની શક્તિ એવો થાય છે; પરંતુ ‘શ્વેતાશ્વર ઉપનિષદ’માં ‘માયા’ શબ્દ વ્યાપક અર્થ ધારણ કરે છે (4–8, 4–10). તેમાં કહ્યું છે કે માયિન્ પોતાની માયાથી સૃષ્ટિ રચે છે. જીવ માયામાં બદ્ધ છે. પ્રકૃતિ એ માયા છે અને મહેશ્વર તે માયિન્ છે.

અહીંથી હવે દર્શનધારામાં ‘માયા’ શબ્દે એક નવું પરિમાણ ધારણ કર્યું. ચમત્કાર કે રૂપધારણશક્તિનો મર્યાદિત અર્થ ઓળંગી તે અદ્વૈત સિદ્ધાંતનો ચાવીરૂપ શબ્દ બન્યો; જેમ કે, ‘બ્રહ્મસૂત્ર’(3–2–3)માં કહેવાયું કે સ્વપ્નમાં દેખાતું જગત તે માયા છે. અર્થાત્, માયા એટલે જે વાસ્તવિક નથી તે, આભાસ માત્ર. ‘ગૌડપાદ કારિકા’માં કહે છે કે માયા એટલે એવી શક્તિ કે જેનાથી ર્દશ્યમાન જગત સાચું હોય એવું ભાસે છે. એકમાત્ર બ્રહ્મ જ સત્ છે. તે વિવિધ રૂપે ભાસે છે તે તો માત્ર માયાની રમત છે (ગૌ.પા. પ્ર. 3). વળી ખરેખર તો માયાનું પણ અસ્તિત્વ નથી; એ તો કેવળ ચિત્તનું સ્પંદન જ છે (પ્ર. 4). જોકે એક અને અદ્વિતીય બ્રહ્મમાં બહિર્જગત, વિભિન્ન પદાર્થો અને જીવાત્માઓના ભાસતા દ્વૈતનું કારણ અદ્વૈતવાદની ર્દષ્ટિએ ‘અવિદ્યા’ છે અને સૃષ્ટિસર્જન કરવાની ઈશ્વરની શક્તિ તે માયા છે – એવો ભેદ કેટલાક આચાર્યોએ દર્શાવ્યો છે, તોપણ કાળાંતરે માયા અવિદ્યાનો પર્યાય બની જતી દેખાય છે. તેનામાં જીવને અવિવેકવાળા બનાવવાની શક્તિ છે. આ માયાનો આત્મજ્ઞાન થતાં નાશ થાય છે.

બૌદ્ધ દર્શનમાં પણ ‘માયા’ શબ્દનો ઉલ્લેખ છે. નાગાર્જુન(ઈ. સ. 100)ની ‘માધ્યમિક કારિકા’(7–34)માં માયા એટલે ગંધર્વનગરની જેમ કેવળ આભાસ એવું સૂચવાયું છે. બૌદ્ધ વિજ્ઞાનવાદ પણ એ જ ભાવ દર્શાવે છે (લંકાવતાર સૂત્ર 3–90).

‘યોગવાસિષ્ઠ’ મુખ્યત્વે માયાનો પ્રભાવ દર્શાવતો ગ્રંથ છે. ઈશ્વરની આભાસી સર્જન પ્રક્ષેપિત કરવાની અદભુત શક્તિ એટલે માયા. તેનાથી જ અદ્વૈતમાં દ્વૈતબુદ્ધિ સર્જાય છે. જ્ઞાનોદયે માયા વિલીન થાય છે. આ તેનો કેન્દ્રવર્તી ભાવ છે અને માયાની શક્તિ દેખાડતી અનેક રસપ્રદ કથાઓ દ્વારા તેને પુષ્ટિ આપવામાં આવી છે.

‘વિવેકચૂડામણિ’ ગ્રંથમાં માયાના સ્વરૂપનો ઊંડાણથી વિચાર કરવામાં આવ્યો છે. તે પ્રમાણે અવ્યક્ત પરમાત્માની સર્ગશક્તિ તે માયા છે. તે ત્રિગુણાત્મિકા છે. તે જ અવિદ્યા છે. તે ભિન્નરૂપા પણ નથી અને અભિન્નરૂપા પણ નથી. તે સાવયવા પણ નથી અને નિરવયવા પણ નથી. તે સદ્-અસદ્-વિલક્ષણા, અદભુત અને અનિર્વચનીયરૂપા છે (6.3)., ‘વિ.ચૂ.’માં જ માયાની આવરણ અને વિક્ષેપ – એવી દ્વિવિધ શક્તિનો ઉલ્લેખ થયો છે. આવરણશક્તિથી તે જ્ઞાનને ઢાંકે છે અને વિક્ષેપશક્તિથી સૃષ્ટિનું સર્જન કરે છે.

માયાની આવી વિભાવનાનો શ્રીમદ્ શંકરાચાર્યે વ્યાપક અને અસરકારક ઉપયોગ કર્યો છે. તેમના ભાષ્ય અને પ્રકરણગ્રંથોમાં એનું વિસ્તૃત નિરૂપણ થયું છે. એક અને અદ્વિતીય બ્રહ્મ સિવાય વાસ્તવિક રીતે બીજું કોઈ જ તત્વ નથી એ કેવલાદ્વૈતની સિદ્ધિમાં આવતી તમામ સમસ્યાઓનું સમાધાન તેમણે માયામાં જોયું છે. ર્દશ્ય જગત, જીવાત્મા, બંધન વગેરે જે કાંઈ છે તે માયાના કારણે જ છે અને માયા સ્વયં બ્રહ્મની જ સ્ફુરણા છે – એવો તેમનો સિદ્ધાંત એમની પરંપરાના અન્ય આચાર્યોએ અનેક રીતે ર્દઢમૂલ કરવા પ્રયત્ન કર્યો છે. તે એટલો તો પ્રભાવક નીવડ્યો કે ‘માયાવાદ’ નામનો એક સિદ્ધાંત જ બની ગયો અને તેના ખંડન-મંડનની એક લાંબી પરંપરા અસ્તિત્વમાં આવી.

ભગવદગીતામાં પણ માયાનું નિરૂપણ છે. તે ભગવાનની ત્રિગુણમયી દૈવી શક્તિ છે. તેનાથી જીવાત્મા સંસારમાં બદ્ધ થાય છે. નિરાકાર કે નિર્ગુણ પરમાત્મા જે શક્તિથી સાકાર કે સગુણ બને છે તે તેમની જ યોગમાયા છે. આવી દુરત્યયા માયાને કેવળ માયાપતિ એવા ઈશ્વરને શરણે જવાથી જ ઓળંગી શકાય છે (અ. 7).

શ્રીમદભાગવત તેમજ અન્ય પુરાણોમાં પણ માયાનું અર્થઘટન ગીતાને અનુસરતું હોય તેમ લાગે છે. ક્યારેક સાંખ્યની પ્રકૃતિને માટે પણ ‘માયા’ શબ્દ વપરાયો છે. ઉપરાંત માયાનો જીવોના બંધ અને દુ:ખનું કારણ, અકલ્પ્ય ઘટનાઓ સર્જવાની પરમાત્માની અદભુત શક્તિ – એવા અર્થમાં પણ પ્રયોગ થયો છે.

આ અર્થને જ સંતો અને ભક્તિમાર્ગના આચાર્યોએ પોતાના ગ્રંથો, ઉપદેશો કે ભજનો વગેરેમાં પછીથી સવિસ્તર પ્રગટ કર્યો છે.

વસંત પરીખ