માયલોસિરસ (ધનેડું, weavil) : કીટકવર્ગના ઢાલપક્ષ શ્રેણીના કુરકુલિયોનિડી કુળની જીવાત. તેની કુલ 9 જાતિઓ (Myllocerus blandus, M. dentifer, M. discolor, M. maculosus, M. subfasciatus, M. suspiciens, M. tenuiclavis અને M. viridanus) નોંધાયેલી છે. તે પૈકી માયલોસિરસ ડિસ્કોલર (Myllocerus discolor Boh.) ગુજરાતમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ જીવાતનાં પુખ્ત ઢાલિયાં સફેદ અથવા રાખોડી રંગનાં હોય છે. તેનું મુખાંગ પક્ષીની ચાંચ જેવું હોય છે, તેથી તે ચાંચવા તરીકે પણ ઓળખાય છે. જોકે આ જીવાતનો ઉપદ્રવ ખાસ હોતો નથી; તેમ છતાં કોઈક વખત તેના નુકસાનનું પ્રમાણ વધે છે. બાજરી, જુવાર, મકાઈ, શેરડી, શણ, મગફળી, કપાસ, આંબો અને લીંબુ જેવા ખેતીપાકોમાં તેનાથી થતું નુકસાન જોઈ શકાય છે. તે એક બહુભોજી જીવાત છે. આ જીવાતની ઇયળ જમીનમાં રહે છે અને પાકનાં મૂળ ખાઈને નુકસાન કરે છે. પુખ્ત ધનેડું પાનની ધારેથી કાપવાનું શરૂ કરે છે અને ખાસ પ્રકારે પાનને અનિયમિત આકારે કાપી ખાઈને નુકસાન કરે છે.
માયલોસિરસ(ધનેડા)ની માદા 100થી 120 જેટલાં ઈંડાં જમીનમાં મૂકે છે. ઈંડા-અવસ્થા આબોહવાને અધીન 4થી 10 દિવસની હોય છે. ઈંડાં સેવાતાં તેમાંથી નીકળતી ઇયળો છોડનાં મૂળ ખાય છે. ઇયળ-અવસ્થા લગભગ 50થી 55 દિવસની હોય છે. ત્યારબાદ તે કોશેટામાં રૂપાંતર પામે છે. કોશેટા અવસ્થામાંથી પસાર થઈ તે શરૂઆતમાં પુખ્ત કીટક તરીકે, ચારેક દિવસ જમીનમાં જ સુષુપ્ત અવસ્થામાં પડી રહે છે અને ત્યારબાદ જમીનમાંથી બહાર નીકળે છે. પુખ્ત કીટક લગભગ 40 દિવસ સુધી જીવે છે. કોશેટામાંથી નીકળ્યા બાદ 22થી 24 દિવસે માદા ઈંડાં મૂકવાનું શરૂ કરે છે. આ જીવાતના નિયંત્રણ માટે ખાસ કોઈ પગલાં લેવાની જરૂર પડતી નથી, તેમ છતાં તેનો ઉપદ્રવ વધુ હોય અને તેને કાબૂમાં લેવાની જરૂરિયાત ઊભી થાય તો મિથાઇલ પેરાથિયૉન અથવા કાર્બારિલ 10 % ભૂકારૂપ દવાનો છંટકાવ કરવામાં આવે છે.
પરબતભાઈ ખી. બોરડ
ધીરુભાઈ મનજીભાઈ કોરાટ