માયસિનિયન કલા (Mycenaean Art) : ગ્રીક તળભૂમિના અગ્નિખૂણે સમુદ્રકિનારે આવેલા માયસિનિયાની પ્રાચીન કલા. આ કલા ઈ. પૂ. 1400થી 1100 સુધી પાંગરી હતી. માયસિનિયન કલા ઉપર મિનોઅન કલાની ઘેરી છાપ જોઈ શકાય છે. માયસિનિયન પ્રજા પ્રાચીન ગ્રીક પ્રજાની એક ટોળીએ વિકસાવેલ એક સ્વતંત્ર શાખા છે.

કબરો અને તેમાંની ચીજવસ્તુઓ અને સ્થાપત્ય : પ્રારંભમાં આ કૃષિપ્રધાન સમાજની કબરો સાદી હતી અને તેમાં મૃતદેહ સાથે થોડા સાદા કુંભ અને કાંસાનાં બનેલાં હથિયાર દફનાવવામાં આવતાં. ઈ. પૂ. 1500 પછી અચાનક આ પ્રજા મૃતદેહોને ઊંડે અને તે પછી ‘મધપૂડા કબર’ (beehive tombs) નામે ઓળખાતી શંકુ આકારની કબરોમાં દફનાવતી થઈ. ઈ. પૂ. 1300 સુધીમાં વિકાસ વધ્યો અને કબરોની ઉપર શંકુ આકારના પથ્થરના બનેલ ગુંબજ બંધાવા શરૂ થયા. પથ્થરોનાં એક પછી એક પડ વધુ ને વધુ કેન્દ્ર તરફ ઝૂકતાં ગોઠવવામાં આવતાં. આ રીતે શંકુ આકારના ગુંબજ અને ટોચની રચના થતી (corbelling). આવી એક ભવ્ય કબર ‘ટ્રેઝરી ઑવ્ ઍટ્રિયસ’ (Treasury of Atreus) નામે જાણીતી છે. મૃતદેહ જોડે તેમાં દફનાવવામાં આવતી ભવ્ય અને લખલૂટ સંપત્તિનો મુકાબલો માત્ર પ્રાચીન ઇજિપ્તના પિરામિડો જ કરી શકે. ઘણા સમય પહેલાં જ કબર ‘ટ્રેઝરી ઑવ્ ઍટ્રિયસ’ લૂંટાઈ ચૂકી હતી; પણ પછી બીજી કબરો મળી આવી, જે સદભાગ્યે, અકબંધ હતી. અહીં મૃતદેહની બાજુમાંથી સોના અને ચાંદીનાં બનાવેલાં મહોરાં (masks) મળી આવ્યાં. આ ઉપરાંત સોનાના પ્યાલા, ઝવેરાત, હથિયારો, સિંહની મુખાકૃતિ ધરાવતું સોનાનું બનેલું એક વાસણ મળી આવ્યાં છે. કેટલાંક વાસણો અને હથિયારો મિનોઅન નમૂના સાથે એટલું બધું સામ્ય ધરાવે છે કે મિનોઅન પ્રજા સાથે માયસિનિયન પ્રજાનો સંબંધ સાબિત થાય છે. પ્રશ્ન એ રહે છે કે આ ચીજો આયાત પામેલી હતી, કે પછી મિનોઅન અસર હેઠળ માયસિનિયન પ્રજાનું સર્જન હતી ? ‘વૅફિયો’ (Vaphio) કબરમાંથી મળેલા સોનાના પ્યાલા પર આખલા અને પુરુષની આકૃતિઓનું છીછરું કોતરેલું (low relief) આલેખન છે. ઈ. પૂ. 1700થી માયસિનિયાનો ઇજિપ્ત સાથેનો વ્યાપારી સંબંધ વધુ ને વધુ ગાઢ થતો ગયો. પરિણામે સ્થાપત્ય અને કલાને ક્ષેત્રે પણ આદાનપ્રદાન વધતું ચાલ્યું. માયસિનિયન સ્થાપત્ય પર ઈ. પૂ. 1400 પછી ‘લિનિયર બી’ (Linear B) લિપિમાં કોતરેલાં લખાણો મળી આવ્યાં છે. માયસિનિયન સ્થાપત્યને મિનોઅન સ્થાપત્યપ્રણાલી જોડે કોઈ સંબંધ હોય તેવું જણાતું નથી. ટેકરીઓની ટોચે કિલ્લેબંધીથી સુરક્ષિત મહેલો મળી આવ્યા છે. કિલ્લાની જાડી દીવાલો પથ્થરના મોટા ટુકડાઓથી રચાતી. ‘લાયનેસ ગેટ’ એનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાય છે. દરવાજાની ઉપર શિલ્પમાં દ્વારપાલ તરીકે સ્નાયુબદ્ધ શરીર ધરાવતી બે સિંહણો રાજવી મુખભાવ સાથે સામસામે, પણ ઊંચે તાકી રહી છે. મહેલની વચ્ચે ‘મૅગારોન’ નામે ઓળખાતા રાજવી સભાખંડમાં ચાર સ્તંભ છાપરાને ટેકો આપે છે. ભીંત પર ઘણાં ચિત્રો અને શિલ્પ હશે તેવું અનુમાન છે, આજે તેમાંનું કંઈ બચ્યું નથી.

શિલ્પ : માયસિનિયન પ્રજાએ નાનાં મંદિરો રચ્યાં હતાં. માયસિનિયન ધર્મમાં ક્રીટના મિનોઅન, મધ્યપૂર્વ અને પોતાના ગ્રીક પૂર્વસૂરિઓની અસરોનું સંમિલન હતું. હાથીદાંતમાંથી કોતરેલું શિલ્પ ‘ત્રણ દૈવી આકૃતિઓ’ આજે એક કોયડો છે. તેમાં મિનોઅન અને મેસોપોટેમિયન અસરોનું મિશ્રણ છે; પરંતુ વિષય વિચિત્ર જણાય છે. ઘૂંટણિયે બેઠેલી બે પુખ્ત સ્ત્રીઓએ એકબીજીને ખભે હાથ મૂકી આત્મીયતા દર્શાવી છે. બંને એક જ બાળકને વહાલ કરે છે. પણ આ બાળક કોનું ? તૂટીને ગાયબ થઈ ગયેલ માથાવાળી સ્ત્રીનું ? કારણ કે બાળક તેને વળગી રહ્યું જણાય છે. અથવા પછી માતા દ્વારા તરછોડાયેલું બાળક બે અજાણી સ્ત્રીઓનું વહાલ સંપાદન કરી રહ્યું છે ? પૂર્વ-દક્ષિણ યુરોપની પ્રાચીન પુરાકથાઓમાં તરછોડાયેલા દૈવી બાળકને અજાણી સ્ત્રીઓનો આશ્રય મળ્યો હોય તેવા દાખલા છે; પરંતુ એટલું સ્પષ્ટ છે કે આ શિલ્પ માનવીય પ્રેમની હૂંફને હૂબહૂ આલેખે છે. સમકાલીન ઇજિપ્તની કલાની દૈવી આકૃતિઓ જેવી અક્કડતા અહીં જોવા મળતી નથી.

અમિતાભ મડિયા