માયલોનાઇટ : સ્તરભંગજન્ય સૂક્ષ્મ બ્રૅક્સિયા ખડક. સ્તરભંગ-સપાટી પર સરકીને સ્થાનાંતર થવાના હલનચલન દરમિયાન તૂટતા જતા ખડકોના ઘટકો વચ્ચે અરસપરસ સંશ્લેષણ થાય છે. કચરાવાની–દળાવાની ક્રિયા દ્વારા પરિણમતો નવો સૂક્ષ્મ દાણાદાર ખડક બ્રૅક્સિયા જેવો બને છે. આ ક્રિયામાં થતી વિરૂપતા મુખ્યત્વે દાબ પ્રકારની અને ભૌતિક વિભંજન પ્રકારની હોય છે. સ્તરભંગક્રિયા દાબપ્રેરિત હોય, તીવ્ર હોય અને ચાલુ રહે તો સામેલ થતા ખડકોમાં ખનિજોનું વિભંજન થતું રહે છે, ચૂર્ણજથ્થો સૂક્ષ્મ દાણાદાર બનતો જાય છે. ક્યારેક અવ્યવસ્થિત પડગોઠવણી પણ થાય છે. આ રીતે સ્તરભંગ-સપાટીની બંને દીવાલો પર તૈયાર થતો નવો ખડક માયલોનાઇટ તરીકે ઓળખાય છે. આ પેદાશ ભૂસંચલનજન્ય પેદાશ ગણાય છે.

(અ) વિરૂપણ પામેલા અને તૂટેલા સ્થૂળ સ્ફટિકો. શિસ્ટોઝ પરિવેષ્ટિત દ્રવ્યમાં ફેલ્સ્પાર અને ગાર્નેટ; (આ) ગ્રૅનાઇટ માયલોનાઇટ વિરૂપણ પામેલા અને તૂટેલા, અંશત: કચરાયેલાં ખનિજોવાળો, (ઇ) ચક્ષુસમ સંરચનાવાળો માયલોનાઇટ મસ્કોવાઇટ, ક્લોરાઇટ અને ક્વાર્ટ્ઝના પરિવેષ્ટિત દ્રવ્યમાં ફેલ્સ્પાર સ્ફટિકો.

માયલોનાઇટ આ રીતે પુષ્કળ પ્રમાણમાં ભૌતિક વિરૂપતા પામેલા અને કચરાયેલા હોય છે, પરંતુ રાસાયણિક રીતે બિનપરિવર્તિત રહે છે. પ્રારંભિક કક્ષામાં તે ફ્લેસર કે કેટાક્લેસાઇટ બને છે, જેના પરથી મૂળભૂત માતૃખડકોનો પ્રકાર જાણી શકાય છે. તેમની દળાઈ જવાની સ્થિતિ સિવાય, તે સખત, મોટેભાગે ઘેરા રંગવાળા કે કાળા હોય છે. કચરાવાની સ્થિતિ દરમિયાન તે એટલા બધા તો ભીંસમાં આવી ચૂક્યા હોય છે કે કેટલીક વાર કણો અરસપરસ સંધાઈ જાય છે. આમ ભૌતિક રીતે દળાયેલી સ્થિતિનું આત્યંતિક રૂપ પરરૂપ ટેકીલાઇટ (pseudotachylite) બની રહે છે; જે કાળો, કાચમય અને અંશત: સમદિકધર્મી ખડક હોય છે. વાસ્તવમાં તો માયલોનાઇટમાં માતૃખડકોના કેટલાક બિનકચરાયેલા ટુકડા સ્તરભંગ દિશામાં સમાંતર રહેલા જોવા મળે છે; પરંતુ તેમની કિનારીઓ વળેલી, તડોવાળી તથા સૂક્ષ્મદર્શક હેઠળ જોતાં વાદળવત્ વિલોપવાળી દેખાય છે.

સર્વસામાન્યત: મળતા માયલોનાઇટમાં ક્વાર્ટ્ઝ અને ઍલ્કલાઇન ફેલ્સ્પાર (સોડા કે પોટાશ) મુખ્ય ખનિજ-ઘટકો હોય છે; કારણ કે તે બરડ અને બહોળા તાપમાનના ફેરફારો હેઠળ પણ રાસાયણિક રીતે સ્થાયી હોય છે. આવા માયલોનાઇટના પટ્ટા ગ્રૅનાઇટ, નાઇસ અને ક્વાર્ટ્ઝાઇટ વિસ્તારોમાં બહુધા જોવા મળતા હોય છે; જોકે તે તમામ પ્રકારના ખડકોમાં મળી રહેતા હોય છે. ઘણા ભાગોમાં તો ડ્યુનાઇટ-માયલોનાઇટ પણ જોવા મળેલા છે.

માયલોનાઇટનાં સામાન્ય લક્ષણોમાં બ્રૅક્સિયાકરણ, પડગોઠવણી અને ખૂણાવાળા ટુકડાઓ હોય છે. ટુકડાઓનાં પરિમાણ અને વિકાસ જુદાં જુદાં જોવા મળેલાં છે. તેમના કચરાવાની સ્થિતિના ગાળા વખતે કે પછીથી પુન:સ્ફટિકીકરણ થયું હોય છે. જો પછીથી તેમનું સ્ફટિકીકરણ થયું હોય તો એવા માયલોનાઇટ બ્લાસ્ટોમાયલોનાઇટ કહેવાય છે.

ગિરીશભાઈ પંડ્યા