મામ્બ્રો, અરવિંદ (જ. 1938) : કોંકણી સાહિત્યકાર. ‘પણજી આતમ મ્હાતારી જાલ્યા’ નામની તેમની કોંકણી કૃતિને 1987ના વર્ષનો સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. તેમણે પણજી, બેલગામ તથા મુંબઈમાં શિક્ષણ લીધું હતું. મુંબઈ યુનિવર્સિટીમાંથી તેમણે એમ.એ.ની ડિગ્રી મેળવી હતી. થોડો સમય રંગમંચ-કલાકાર તથા આકાશવાણીના કથાલેખક તરીકે પણ કામ કર્યું હતું. 1965થી 1967 સુધી તેમણે મુંબઈની કીર્તિ કૉલેજમાં સામાજિક તત્વજ્ઞાન તથા મનોવિજ્ઞાનનું અધ્યાપન કર્યું. 1970થી તેઓ મુંબઈની તાતા ઇકૉનૉમિક કન્સલ્ટન્સી સર્વિસિઝમાં સલાહકાર રહ્યા અને ‘બિઝનેસ એન્વાયરન્મન્ટ’ તથા ‘ઇકૉનૉમિક સીન’ના સંપાદક-વિભાગમાં કાર્યરત રહ્યા હતા.
તેઓ કોંકણી તથા અંગ્રેજીના બહુશ્રુત વિદ્વાન છે. છેલ્લા 3 દશકાથી તેઓ આકાશવાણીના કાર્યક્રમો માટે તથા કોંકણી સામયિકો માટે લખતા રહ્યા છે. છઠ્ઠા દશકા દરમિયાન તેમણે ‘કોંકણી’ નામના પાક્ષિકનું સંપાદન પણ કર્યું હતું. તેમનાં 2 પુસ્તકો ‘ધૂળચે કટાર ધૂમ’ તથા ‘ગોઅનચી અસ્મિતાઈ’ને ગોવા રાજ્ય સરકારના પુરસ્કાર મળ્યા છે. ટૂંકી વાર્તાના 2 સંગ્રહો ‘પ્રસાદ ફૂલ’ તથા ‘સ્વતંત્ર ગોઅનચી કોંકણી કથા’નું સંપાદન કરવા ઉપરાંત યુજિન આયોનેસ્કોના નાટક ‘બૉલ્ડ સોપ્રાનો’નો તેમણે કોંકણીમાં અનુવાદ પણ કર્યો છે. તેઓ અનેક સાહિત્યિક સંસ્થાઓ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે.
પુરસ્કૃત કૃતિમાં 16 વાર્તાઓનો સંગ્રહ છે. તેમાંની મોટાભાગની અરૂઢ (off-beat) શૈલીની તથા કટાક્ષલક્ષી છે. તેમની વાર્તાઓના વિશ્વમાં અર્વાચીન ગોવાની પૃષ્ઠભૂમિ છે. તેમની પુરસ્કૃત કૃતિ એમાં વ્યક્ત થયેલી સામાજિક ચેતના, કથનનું નાવીન્ય તથા મોહક શૈલીને કારણે ગણનાપાત્ર છે.
મહેશ ચોકસી